પ્રેરણાસ્ત્રોત:દૃઢ મનોબળથી સુખાબારીની યુવતી સ્વનિર્ભર બની

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવ્યાંગ પદમાબેન બ્યુટીપાર્લરનું કામકાજની સાથે ગામના અન્ય બાળકો માટે પણ દિશાસૂચક બન્યા

રાજ્યના કેટલાય દિવ્યાંગો પગભર બનીને સમાજને સ્વમાનભેર જીવવાનું શીખવી રહ્યાં છે. દિવ્યાંગતાને ક્ષમતામાં પરિવર્તિત કરતાં વાંસદાના સુખાબારી ગામના પદમાબેન પટેલ તેનું જ્વલંત ઉદાહરણ છે. 23 વર્ષીય પદમાબેન પટેલ દિવ્યાંગ છે, પણ જુસ્સો બુલંદ છે. તેઓ ઘરઆંગણે મહેંદી, બ્યુટીપાર્લરનું કામકાજ કરી સ્વનિર્ભર તો બન્યાં જ સાથોસાથ ગામના વિદ્યાર્થીઓને ભણાવવાનું ઉમદા કાર્ય પણ કરી રહ્યા છે. આત્મનિર્ભરતાના પ્રેરક ઉદાહરણરૂપ પદમાબેન પટેલ મજબૂત મનોબળ અને ઈશ્વરે આપેલી આંતરિક શક્તિને ઓળખીને બેચલર ઓફ કમ્પ્યૂટર એપ્લીકેશનમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.

તેમને સરકાર દ્વારા મળતી દરેક સહાયની જાણકારી છે અને દિવ્યાંગ તેમજ અન્ય સ્વનિર્ભર બનાવતી યોજનાનો લાભ લઈ તેઓ પગભર બન્યા છે. પદમાહેનના પિતા અવસાન પામ્યા છે અને માતા છૂટક મજુરી કરતા હતા. પદમાબેન જણાવે છે કે શારીરિક ક્ષતિ માનવીની પ્રગતિમાં ક્યારેય અવરોધરૂપ બનતી નથી પરંતુ નબળી માનસિકતા અવરોધરૂપ બને છે. દિવ્યાંગજનોને કોઈ ને કોઈ સુષુપ્ત શક્તિ સ્વરૂપે ગોડ ગિફ્ટ મળી હોય જ છે જેને સાચી દિશામાં વાળીને ધાર્યું પરિણામ લાવી શકાય છે.

મહેંદી અને બ્યુટીપાર્લરના શોખને સ્વરોજગારમાં પરિવર્તિત કરી આર્થિક રીતે આજે તેણી પગભર બની છે. ગામના તથા આસપાસના લગ્ન પ્રસંગ દરમિયાન મહેંદી અને બ્યુટીપાર્લરના કામ થકી સારી આવક મેળવી રહી છે. તેઓ દિવ્યાંગ હોવા છતાં સમાજને મદદરૂપ થવાની ઉદાત્ત ભાવના ધરાવે છે.

ગામના છાત્રોને મનોવિજ્ઞાન અને તત્વજ્ઞાન પણ શિખવે છે
ગામના વિદ્યાર્થીઓને ગણિત અને અંગ્રેજી તથા ધો. 11 અને 12ના આર્ટ્સના વિદ્યાર્થીઓને મનોવિજ્ઞાન અને તત્વજ્ઞાન જેવા વિષયોનું શિક્ષણ આપી ગામના યુવાધનને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરી રહી છું. ઈશ્વરે જે કંઈ પણ આપ્યું છે તેનો સ્વીકાર કરી દિવ્યાંગ ભાઈ-બહેનોએ આગળ આવીને સમાજ સુરક્ષા હસ્તકની વિવિધ દિવ્યાંગ યોજના છે જેનો લાભ લઈ સ્વનિર્ભર બનવું જોઈએ એવો મત તેમણે વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...