નવસારી જિલ્લાની એકમાત્ર અને પોતીકી કહી શકાય એવી ધી ગણદેવી પીપલ્સ કો ઓપરેટીવ બેંક લિ.ની આગામી 5 માર્ચે યોજાનારી સામાન્ય ચુંટણીમાં 17 બેઠકો માટે 43 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે સહકારી ક્ષેત્રની બેંકમાં પ્રથમવાર ભાજપે ચુંટણી જંગમાં 17 ઉમેદવારોને મેન્ડેટ આપી પોતાની પેનલ ઉતારી છે, જેને લઇને બેંકના રાજકારણમાં ગરમાટો આવ્યો છે.
ગાયકવાડી રાજમાં ગણદેવી પંથકમાં ચાલતા ગૃહ ઉદ્યોગોમાં હાથ વણાટ ઉદ્યોગ મુખ્ય હતો. ત્યારે વર્ષ 1929માં વણાટ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ ગણદેવી તાલુકા સહકારી બેંક શરૂ કરી હતી. જેને આઝાદી બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ આધારિત વર્ષ 1951માં ધી ગણદેવી પીપલ્સ કો ઓપરેટીવ બેંક લિ. નામકરણ સાથે 1 લાખ રૂપિયાથી શરૂ થયેલી બેંક આજે નવસારી જિલ્લાની એક માત્ર પોતીકી બેંક બની રહી છે. આર્થિક ક્ષેત્રે સતત વિસ્તરી રહેલી ધી ગણદેવી પીપલ્સ કો. ઓપરેટીવ બેંકના બોર્ડ ઓફ ડિરક્ટર્સની સામાન્ય ચુંટણી 5 માર્ચે યોજાવા જઈ રહી છે. જેમાં બેંકના નોંધાયેલા 24 હજાર સભાસદો બેંકના 17 ડિરેક્ટર માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સહકારી ક્ષેત્રની ગણદેવી પીપલ્સ બેંકની ચુંટણીમાં કુલ 34 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જેમાં બેંકના 94 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ભાજપે 17 ઉમેદવારોની પોતાની પેનલ ચુંટણી મેદાનમાં ઉતારતા રાજકારણમાં ગરમાટો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભાજપ ચુંટણીમાં ઉતરતા જ ભાજપ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ સક્રિય થયા છે અને ચુંટણી જંગ જીતવા મથી રહ્યા છે.
ધી ગણદેવી પીપલ્સ બેન્ક લિ. ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચુંટણીને લઈ જ્યાં રાજકીય પક્ષ ચુંટણી મેદાનમાં ઉતરતા સહકારી ક્ષેત્રમાં રાજકારણનો પ્રવેશ થયો છે. જોકે ભાજપ સામે ઘણા ઉમેદવારો કોંગ્રેસ સમર્પિત પણ છે. બીજી તરફ ચુંટણીને લઈને બેંક ચુંટણી સમિતી પણ ચુંટણી તૈયારીમાં વ્યસ્ત બની છે. બેંક ત્રણ વિભાગોમાં ચુંટણી યોજાશે, જેમાં ગણદેવી વિભાગમાં 9 બેઠકો પર 19 ઉમેદવારો, બીલીમોરા વિભાગમાં 4 બેઠકો માટે 7 ઉમેદવારો અને અમલસાડ નવસારી વિભાગ માટે 2 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જ્યારે મહિલા અનામત 2 બેઠકો માટે 4 અને અનુસૂચિત જાતિ/જનજાતિની 1 બેઠક માટે 2 ઉમેદવારો ચુંટણી જંગમાં ઉતર્યા છે, જેમાંથી મહિલા અનામત અને SC/ST બેઠક માટે તમામ 24 હજાર સભાસદો મતદાન કરશે, જ્યારે 31 ઉમેદવારોનું મતદાન વિભાગ અનુસાર રહેશે. 5 માર્ચે સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે અને એજ દિવસે સાંજે 5 વાગ્યા બાદ પરિણામ પણ જાહેર થશે.
ગણદેવીથી શરૂ થયેલી ધી ગણદેવી પીપલ્સ કો. ઓપરેટીવ બેંક લિ.ગણદેવી સિવાય બીલીમોરા, ચીખલી અને નવસારી શહેરમાં 2 શાખા ધરાવે છે. ત્યારે સહકારી ક્ષેત્રની બેંકની ચુંટણીમાં પેનલ સાથે ચુંટણી જંગ ખેલનારી ભાજપ બાજી મારે છે કે કેમ એ જોવું રહ્યુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.