નવસારી જિલ્લાની એકમાત્ર અને પોતીકી કહી શકાય એવી ધી ગણદેવી પીપલ્સ કો ઓપરેટીવ બેંક લિ. ના 17 બોર્ડ ઑફ ડિરેક્ટર માટેની ચૂંટણી આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ છે. બેંકના 25 હજાર સભાસદો મતદાન કરી 34 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
ગાયકવાડી રાજમાં ગણદેવી પંથકમાં ચાલતા વણાટ ઉદ્યોગના ઉદ્યોગકારોએ વર્ષ 1929માં શરૂ કરેલી ગણદેવી તાલુકા સહકારી બેંક આજે 94 વર્ષે વટવૃક્ષ બની નવસારી જિલ્લામાં 5 શાખાઓ ધરાવતી ધી ગણદેવી પીપલ્સ કો ઓપરેટિવ બેંક લિ. નવસારીની એક માત્ર પોતીકી બેંક બની રહી છે. આગામી 5 વર્ષ માટે બેંકના 17 બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી આજે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ છે, જેમાં બેંકના નોંધાયેલા 24 હજાર સભાસદો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ચૂંટણી જંગ ખેલી રહેલા 34 ઉમેદવારોમાંથી બેંકના ગણદેવી, અમલસાડ અને બીલીમોરા વિભાગમાં ભાવિ ડિરેક્ટરને ચુંટશે.
ઉલ્લેખનીય છે કે, બેંકના 94 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ભાજપે 17 ઉમેદવારોની પોતાની પેનલ ચૂંટણી મેદાનમાં ઉતારતા મતદાનની ટકાવારીમાં મોટો તફાવત આવે એવી સંભાવના જોવાઈ રહી છે. ગત ચૂંટણી જ્યાં 48 ટકા આસપાસ મતદાન રહેતું હતું, ત્યાં આ વખતે મતદાનની ટકાવારી 70 ટકાની આસપાસ રહેશે એવુ જાણકારો માની રહ્યા છે. જ્યારે સહકરી બેંકમાં ભાજપે પેનલ ઉતારતા કેટલાક સભાસદોમાં બેંક વિકાસના પંથે આગળ વધશેનો વિશ્વાસ જોવા મળ્યો છે, ત્યારે બીજી તરફ સહકારી ક્ષેત્રની બેંક હોવાથી રાજકીય પક્ષા પક્ષીથી દૂર રહેવું જોઈએની લાગણી પણ વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.