અંતિમ યાત્રા:કેશોદમાં મોતને ભેટેલા દાંડીના યુવાનની અંતિમયાત્રા નીકળી

દાંડીરોડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતકનો ભાઇ ગલ્ફમાં નોકરી કરતો હોય તે રવિવારે મોડી રાત્રે વતન પહોંચ્યો હતો
  • સોમવારે સવારે નીકળેલી અંતિમ યાત્રામાં મિત્ર વર્તુળ સહિત ગામ હિબકે ચઢ્યું

સોમનાથ મંદિરે દર્શનાર્થે જતાં કેશોદ નજીક થયેલા અકસ્માતમાં મોતને ભેટેલા ઐતિહાસિક દાંડી ગામના કાર ચાલક સંદીપ પટેલની સોમવારે સ્મશાનયાત્રા નીકળતા દાંડી ગામમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. દાંડી ગામના ઈનોવા ગાડીના માલિક પ્રિતેશ પટેલ તેમના બોદાલી, ખંડારક ફળિયામાં રહેતા માસા-માસી અને તેમના બે પુત્રો તેમજ મછાડ સ્કૂલ ફળિયામાં રહેતી તેમની અન્ય માસીની દીકરીને લઈને શુક્રવારે સૌરાષ્ટ્ર તરફ યાત્રાએ નીકળ્યા હતા. યાત્રાની ટૂર લાંબી હોય તે માટે તેમણે દાંડીના જ તેમના મિત્ર અને ગાડીનું ડ્રાઈવિંગ કરે એવા સંદીપ પટેલને પણ સાથે લીધા હતા.

શુક્રવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ તેઓએ સૌરાષ્ટ્રના સોમનાથ તરફ જવા યાત્રાની શરૂઆત કરી હતી. રસ્તામાં આવતા સાળંગપુર, વિરપુર તથા ખોડલધામના દર્શન કરી તેઓ સોમનાથ મહાદેવના દર્શનાર્થે જવા નીકળ્યા હતા. તે સમયે કેશોદ નજીકના મંગલપુર પાટિયા નજીક તેમની ગાડીને ગોઝારો અકસ્માત નડયો હતો. જેમાં કારચાલક સંદીપ પટેલ સહિત ચાર જણાના મોત નિપજયા હતા. આ તમામના મૃતદેહો રવિવારે પોતપોતાના વતન આવ્યા હતા અને તેમના અંતિમ સંસ્કાર પણ તેજ દિવસે થઈ ગયા હતા

પરંતુ મૃતક સંદિપ પટેલનો મોટો ભાઈ ગલ્ફ કન્ટ્રી આબુધાબીમાં નોકરી કરતો હોય તે પણ નાનાભાઈના અંતિમ દર્શન માટે વતન આવવાનો હોવાથી સંદીપ પટેલના મૃતદેહને નવસારીની પારસી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં રાખવામાં આવ્યો હતો. જોકે સંદીપ પટેલનો મોટો ભાઈ રવિવારે મોડી રાતે જ વતન આવી જતાં સંદીપ પટેલની સ્મશાનયાત્રા સોમવારે સવારે 9 કલાકે તેમના દાંડી નિવાસસ્થાનેથી નીકળતા સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. સંદીપ પટેલ મિલનસાર સ્વભાવના હોય તેમની સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમના મિત્રવર્તુળના યુવાઓ પણ અંતિમયાત્રા વેળા અશ્રુ રોકી શકયા ન હતા.

કેશોદ અકસ્માતમાં મૃત્યુ પામનારા 4 મૃતક
હરીશભાઈ પ્રભુભાઈ પટેલ (ખંડારક ફળિયા,બોદાલી), દીપ હરીશ પટેલ (રહે. ખંડારક ફ.બોદાલી), સંદીપ પટેલ (ડ્રાઇવર, રહે.દાંડી) અને કૃપાલી દિનેશભાઈ પટેલ (મછાડ, તા. જલાલપોર, નવસારી)

અન્ય સમાચારો પણ છે...