ચારેકોર પાણી વચ્ચે પાણીની બૂમરાણ:નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારમાં દોઢ દિવસ અંધારપટ રહ્યો, ફૂડ મળ્યું પણ પાણીના ફાંફાં

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાંગમાં સાંજે પડેલા વરસાદને પગલે પૂર્ણાં નદીના પાણી શહેરના નીચાણવાળા વિસ્તારમાં ફરી વળે તેવી શકયતાથી એલર્ટ કરાયા

નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારોમાં એકથી બે દિવસ વીજ પુરવઠો ગાયબ રહેતા લોકોને પાણી સહિતની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આહવામાં ભારે વરસાદથી બુધવારે મોડી રાત્રે પુન: પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળે તેવી શક્યતા છે. કલેકટરે તમામને આશ્રયસ્થાને ખસી જવા અપીલ કરી હતી.

પૂર્ણાં નદીમાં પુર આવતા નવસારીના અનેક નિચાણવાળા વિસ્તારોમાં સોમવારથી પૂરના પાણી ફરી વળ્યાં હતા. પૂરના પાણી આવી જતા રાયચંદ રોડ, બંદર રોડ વિસ્તારમાં તો સોમવારથી જ વીજડૂલ કરી દેવાઈ (યા થઈ ગઈ) હતી. અન્ય કેટલાક રિંગરોડને લાગુ વિસ્તારમાં મંગળવારે વીજ ડૂલ થઈ ગઈ હતી. પૂરગ્રસ્ત મહત્તમ વિસ્તારોમાં વીજ પુરવઠો ન હોય લોકોને એકથી દોઢ દિવસ ભારે તકલીફ પડી હતી.

માલસામાન ખસેડવા વગેરેમાં તો તકલીફ પડી પણ ખાસ કરીને વીજ વિના પીવાનું પાણી પણ મળી શક્યું ન હતું. બંદર રોડ, રાયચંદ રોડ વિસ્તારમાં લોકોના કહેવા મુજબ ફૂડ કરતા પીવાના પાણીની તકલીફ પડી હતી. બંદર રોડ પર તો લોકોએ વરસાદનું પાણી ઉકાળી પીવાની ફરજ પડી હતી. વીજળી કલાકો ડૂલ રહેતા બુધવારે લોકોની ધીરજ ખૂટી હતી અને વીજ કંપનીમાં રજૂઆતનો મારો ચલાવ્યો હતો. આખરે વીજ પુરવઠો પુનઃ ચાલુ કરાયો હતો.

પૂર ઓસરતા જ કીચડની સાફસફાઇ
પૂરના પાણી સાથે અસરગ્રસ્ત વિસ્તારમાં મોટા પ્રમાણમાં કચરો આવી ગયો હતો અને ત્યાં ઠરી ગયો હતો. બુધવારે પૂરના પાણી ઓસરતા લોકોએ તથા પાલિકાએ પણ સફાઈ કામગીરી શરૂ કરી દીધી હતી.

ડમ્પિંગ સાઈટ પૂરગ્રસ્ત થવાથી સતત 4 દિવસથી કચરો ન ઉઘરાવાયો
નવસારી શહેરમાંથી અહીંની નગરપાલિકા ઘરે ઘરે વાહનો મોકલી કચરો ભેગો કરે છે. આ કચરો બંદર રોડ પર આવેલ કચરાની ડમ્પિંગ સાઈટ ઉપર ઠલવાય છે. રવિવારે તો રજા હોય કચરો લેવાયો નહીં. બાદમાં બંદરરોડ પર પૂરના પાણી ફરી વળતા તથા અનેક સફાઈકર્મી પણ પૂરગ્રસ્ત વિસ્તારમાં રહેતા હોય સોમથી બુધ પણ વાહનો દ્વારા ઘરેઘરેથી કચરો લેવાયો ન હતો. જેથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

ડાંગમાં ભારે વરસાદથી પુન: પૂરની શક્યતા
આમ તો ડાંગ જિલ્લામાં મંગળવારે રાત્રે ઓછો વરસાદ પડ્યો હતો. જેથી પૂર ઓસર્યા હતા પણ ડાંગમાં બુધવારે દિવસે સુબીર સહિતના ઉત્તર ડાંગમાં અતિ ભારે વરસાદ થતા પૂર્ણાંમાં ફરી પૂરની શક્યતા છે. મોડી સાંજ બાદ પૂરગ્રસ્ત વિસ્તારમાં એલર્ટ માટે સાયરન પણ વગાડાઇ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...