કામગીરી:નવસારીમાં પૂરની સ્થિતિ યથાવત, સ્થળાંતરનો આંક 6000ને વટાવ્યો

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે સવારે નદીઓની સપાટી ઘટી ને સાંજે અંબિકાએ ભયજનક વટાવી
  • ખેરગામ​​​​​​​,વાંસદામાં 7.5 ઈંચ, ગણદેવી-ચીખલી-નવસારીમાં પણ 4 ઇંચ વરસાદ

નવસારી જિલ્લામાં નદીઓમાં આવેલ ઘોડાપૂરના પાણી અનેક વિસ્તારોમાં પાણી ફરતા સોમવારે સ્થળાંતર કરેલ લોકોની સંખ્યાનો આંક 6 હજારને વટાવી ગયો હતો.નવસારી જિલ્લામાં રવિવારે રાત્રે અને સોમવારે દિવસે પણ વરસાદ જારી રહ્યો હતો સોમવારે પુરા થતા 24 કલાક દરમિયાન ખેરગામમાં 7 ઈંચ, વાંસદામાં 7.5 ઈંચ, ગણદેવીમાં 4.2 ઈંચ, ચીખલીમાં 4 ઈંચ, નવસારીમાં પોણા 4 ઈંચ અને જલાલપોરમાં 3 ઈંચ નોંધાયો હતો.

અહીં ઉલ્લેખનીય છે કે રવિવારે જિલ્લાની તમામ નદીઓએ ભયજનક સપાટી વટાવ્યા બાદ સોમવારે સવારે સપાટી ઘટી હતી, જોકે ડાંગ -વાંસદામાં ભારે વરસાદ જારી રહેતા અંબિકાએ સાંજે પુનઃ ભયજનક સપાટી વટાવી હતી. પૂર્ણાં અને કાવેરીની સપાટી પણ વધુ ઘટી ન હતી. ભારે વરસાદ અને પૂરના પાણી જિલ્લાના અનેક વિસ્તારોમાં ફરી વળતા રવિવારે રાત્રે 9 વાગ્યે સ્થળાંતર કરેલ લોકોની સંખ્યા જે 2500 હતી તે સોમવારે 6300 જેટલી થઈ ગઈ હતી, જેમાં નવસારી શહેરના અંદાજે 1 હજાર લોકો હતા.

પૂર અને ભારે વરસાદને લઈ જિલ્લાની તમામ શાળાઓમાં સોમવારે તો રજા અપાઈ હતી,સાથે મંગળવારે પણ રજા જાહેર કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મંગળવારે પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે ત્યારે ભારે વરસાદ થવાની શક્યતા જોતા પૂરની સ્થિતિ વધુ ભયજનક બને તેવી શક્યતા પણ વર્તાઇ રહી છે. જેને લઇને જિલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.

આજેપણ અતિ ભારે વરસાદની આગાહી
ભારતીય મોસમ વિભાગે કરેલી આગાહી મુજબ અહીંના નવસારી અને ડાંગ જિલ્લામાં મંગળવારે પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રેડ એલર્ટ હોય તકેદારીના પગલાં લેવા પણ જણાવવામાં આવ્યું છે. સોમવારે પણ આજ પ્રમાણે આગાહી હતી, જે સાચી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...