કૃષિ વિશેષ:વાંસદાના ખેડૂતો આંબા કલમની ખેતી તરફ વળ્યા

ઉનાઇ3 મહિનો પહેલાલેખક: સુનિલ ડાભી
  • કૉપી લિંક
  • દર વર્ષે ખેડૂતો દ્વારા આંબા કલમની ખેતી કરી લગભગ 100 કરોડનો બિઝનેસ કરે છે

વાંસદા તાલુકાના મોટાભાગના ખેડૂતો ખેતીના વ્યવસાય સાથે સાઇટ ઇનકમ ઉભી કરવા માટે આંબા કલમની અને ભેટ કલમોની ખેતી તરફ વળ્યા છે. આંબા કલમમાં સારી માવજત કરવામાં આવે તો ઓછા રોકાણ અને ઓછી મહેનતે વધુ કમાણી થાય છે. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તાર ધરાવતો વાંસદા તાલુકાના ખેડૂતો ચોમાસામાં ડાંગરની ખેતી કરતા હોય છે. ડાંગરની રોપણી પહેલા જુલાઈ સુધીમાં કલમ બાંધવાનું કામ પતાવી ડાંગર રોપણી કરતા હોય છે. મે મહિનામાં કેરીની ચાલુ સિઝને મહારાષ્ટ્ર, નેત્રંગ, બારડોલી તેમજ વલસાડથી ફેકટરીમાંથી અંબાના ગોટલા લાવતા હોય છે.

એક ટન 4000થી 5000ના ભાવે ગોટલા લાવતા હોય છે. ગોટલા ધોઈ રોપી દેતા હોય છે. બાદમાં મે મહિનાના અંત સુધીમાં કલમો બાંધી ખેતરોમાં વાંસ અને પ્લાસ્ટીકની ઝૂંપડી પાડી માવજત કરવા મૂકી દેતા હોય છે. અહીં કેસર કેરીની સૌથી વધુ માંગ હોવાને કારણે દરેક ખેડૂતો કેસરની કલમો વધુ બાંધતા હોય છે. હાલમાં સોનપરીની માંગમાં પણ વધારો થયો છે, એ પછી લંગડો, રાજાપુરી, તોતાપુરી, દશેરી જેવી કેરીની કલમો બાંધતા હોય છે.

1 કલમ પાછળ રૂ. 15થી 20નો ખર્ચ
કેસર અને સોનપરીની માંગ વધુ હોવાથી ખેડૂતો આ કલમો વધુ કરતા હોય છે. એક ખેડૂત દર વર્ષે 5000થી 10000 જેટલી આંબા કલમની ખેતી કરતો હોય છે. જેમાં 1 કલમ પાછળ રૂ. 15થી 20નો ખર્ચ થાય છે. જે બાદમાં કલમ તૈયાર થતા ક્વોલિટી પ્રમાણે ભાવ મળતો હોય છે, જેમકે હાઈટ અને ક્વોલિટી પ્રમાણે રૂ. 150થી 200 સુધીનો ભાવ મળતો હોય છે. જેને લઇ ખેડૂતો હવે કલમની ખેતી તરફ વળ્યા છે.

ભેટ કલમની માર્કેટમાં માંગ વધુ છે
હાલમાં ભેટ કલમની માર્કેટમાં ખુબ જ માંગ છે. એની ખાસિયત એ છેકે આંબાની સ્ટીકને ગોટલા સાથે આંબા પર બાંધવામાં આવે છે અને એને અંબાના ઝાડ સાથે લટકાવી દેવામાં આવે છે. આંબાના ઝાડ સાથે કલમનો ઉછેર થાય છે, જેને ભેટ કલમ કહેવાય છે. ભેટ કલમ અમુક હાઈટ સુધી થયા પછી એને ખેતરમાં રોપી દીધા બાદ બેથી અઢી વર્ષમાં એના પર કેરી આવવાનું શરૂ થઈ જતી હોય છે. જેને લઇ ખેડૂતોમાં હવે તે ખૂબ જ પ્રિય બની ચૂકી છે.

દર વર્ષે 15 હજાર આંબા કલમો કરીએ છીએ
દર વર્ષે 15000 આંબા કલમો કરીએ છીએ. જેમાં ભેટ કલમ અને ચીપ કલમ કરી દર વર્ષે સારી એવી આવક મળતી હોય છે. સાથે સાથે અન્ય ખેતીપાક પણ કરીએ છીએ, જેથી ડબલ આવક થાય છે. કલમ બાંધવા અને એની માવજત કરવા માટે મજૂરો આવે છે. મજૂર દીઠ રૂ. 200 મજૂરી ચૂકવવામાં આવે છે, જેથી એમને પણ રોજગારી મળી રહે છે. ઘર બેઠા મજૂરી મળતા જ આર્થિક ઉર્પાજન પણ વધ્યું છે. - પરેશભાઈ ગામીત, ચારણવાડા

અન્ય સમાચારો પણ છે...