અંગદાન:પરિવારે કિડની- લિવરનું દાન કરી ત્રણ વ્યક્તિને નવજીવન બક્ષ્યું

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારીની કેજલ લાઈફઇન હોસ્પિટલ અને સુરતની કિરણ હોસ્પિટલના સહયોગથી અંગદાન કરાયું

ભાસ્કર ન્યૂઝ | નવસારી નવસારીના નિરવ સ્કેવર એપાર્ટમેન્ટમાં રહેતા જતીનભાઈ 2 નવેમ્બરના રોજ તેમના વેપારીને ત્યાં ગયા હતા. ત્યાં તેમને ચક્કર આવતા તેમજ વોમીટ થતા તેમની તબીયત બગડી હતી. તેમને તાત્કાલિક નવસારીની કેજલ લાઈફઇન હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરી નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ તેમજ મગજમાં લોહીનો ગઠ્ઠો અને સોજો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જનને સર્જરી કરી મગજનો સોજો દુર કર્યો હતો. 16 નવેમ્બરના રોજ જતીનભાઈના મિત્રો, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેનેટરી સબ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા પરિમલ નાયક અને હિરેન પરમારે ડોનેટ લાઈફના નીલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી જણાવ્યુ કે, જતીનભાઈના પરિવારજનો અંગદાનની પ્રક્રિયા સમજવા માગે છે. ડોનેટ લાઈફની ટીમે નવસારીની કેજલ લાઈફઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ પહોચી જતીનભાઈની પત્ની, પિતા, સસરા, સાસુ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવતા જણાવ્યુ. પરિવારજનોએ જણાવ્યું કે, અમારા સ્વજનને ડોકટરોએ ક્લિનિકલી બ્રેઇનડેડ જાહેર કર્યો છે તો આપ ડોકટરો સાથે ચર્ચા કરી અંગદાન માટેના જરૂરી ટેસ્ટ કરાવો. \\n\\nડોનેટ લાઇફની ટીમે કેજલ લાઈફઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલ ડોકટરોની ટીમને બ્રેઇનડેડ જાહેર કરવા માટેના જરૂરી ટેસ્ટ કરવા માટે જણાવ્યું. ડોકટરોની 12 કલાકની જહેમત પછી પણ જતીનભાઈના એપ્નિયા ટેસ્ટ માટેના જરૂરી પેરામીટરમાં વધારો થતો હોવાથી એપ્નિયા ટેસ્ટ કરવો શક્ય થઈ શકતો ના હતો અને તેમને સુરતની કિરણ હોસ્પીટલમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો. કિરણ હોસ્પિટલના ડોકટરોની ટીમે જતીનભાઈને બ્રેનડેડ જાહેર કરતાં કિડની અને લિવરના દાન માટે SOTTO નો સંપર્ક કર્યો.\\n\\nજતીનભાઈન ા પિતા વસંતલાલે જણાવ્યું હતું કે, જયારે ડોકટરોએ અમને જણાવ્યું કે જતીન હવે બચી શકે તેમ નથી. ત્યારે જ મને અંગદાનનો વિચાર આવ્યો હતો, પરંતુ મારી પુત્રવધુને આ વાત કહેવી કેવી રીતે તે અંગે મનોમંથન ચાલતું હતું. જોકે જતીનભાઈની પત્ની એકતાબેને જણાવ્યું કે, મારા પતિ બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીરતો બળીને રાખ જ થઇ જવાનું છે. તેના કરતા તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો તમે અંગદાન માટે આગળ વધો. જતીનભાઈના ભાઈ રીતેશ કે જેઓ સાઉથ આફ્રિકા, બોત્સ્વાનામાં રહે છે તેમની સાથે પણ પરિવારજનોએ અંગદાન અંગેની ચર્ચા કરી ત્યારે તેમણે પણ જણાવ્યું કે આ એક ઈશ્વરીય કાર્ય છે. બ્રેઇનડેડ વ્યક્તિના અંગોનું દાન કરવુ જ જોઈએ. આ બાદ સર્વ પરિજનોની સંમતિ બાદ જતીનભાઈનું અંગદાન કરવામાં આવ્યું હતું.દાન માં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વાપીની રહેવાસી 39 વર્ષીય યુવતીમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 26 વર્ષીય યુવાનમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ વાપીના રહેવાસી 48 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...