ચીકુને ગરમીનું ગ્રહણ:ચીકુના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોની હાલત કફોડી, ઉત્તર ભારત જતા માલના નિકાસને પણ બ્રેક લાગી

નવસારી10 દિવસ પહેલા
  • બહારના રાજ્યમાં એક્સપોર્ટ થતાં ચીકુ ગરમીના કારણે અધવચ્ચે જ બગડી રહ્યા છે

દ.ગુજરાતમાં ચીકુના પાકમાં ગરમીનું ગ્રહણ લાગ્યું છે. ચીકુના ભાવ સતત નીચે ગગડી પડ્યા બાદ ઉત્તર ભારતના વેપારીઓએ પણ માલ લેવાનું માંડી વાળતા વેપારીઓ અને ખેડૂતોની હાલત કફોડી બની છે. સતત બદલાયેલા વાતાવરણને કારણે ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. બહારના રાજ્યમાં એક્સપોર્ટ થતાં ચીકુ ગરમીના કારણે અધવચ્ચે જ બગડી રહ્યા છે જેથી વેપારીઓ માલ ખરીદવાનું ટાળી રહ્યા છે.

દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લો બાગાયતી પાક માટે નંદનવન ગણવામાં આવે છે. ત્યારે આ વર્ષે સતત વધી રહેલી ગરમીએ કેરી અને ચીકુ પકવતા ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ કરી દીધા છે. ખાસ કરીને ચીકુની વાત કરવામાં આવે તો વાતાવરણમાં પલટો આવતા સખત ગરમી વધી છે જેના કારણે ચીકુ બે ત્રણ દિવસમાં જ બગડી રહ્યા છે. તેમજ ભાવમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. તેથી ખેડૂતો ઝાડ પર રહેલા ચીકુના પાકને કઈ રીતે નીચે ઉતારવું તેની વિમાસણમાં મુકાયા છે કારણ કે ચીકુના મણના ભાવ 150 થી 300 રુપિયા રહેતા મજૂરી અને દવાનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ ઉત્પન્ન થઇ છે. જેથી ખેડૂતો હાલ ભાવ વધે અને ડિમાન્ડ આવે તેવી કાગડોળે રાહ જોઇ રહ્યા છે.

બીજી તરફ મંડળીમાંથી કેરી એક્સપોર્ટ કરતા ખેડૂતોને પણ મુશ્કેલીમાં મુકાયા છે. દિલ્હી તરફ એક્સપોર્ટ થતાં ચીકુ વધેલી ગરમીને કારણે અધવચ્ચે જ બગડી રહ્યા છે. જેથી દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા જેવા રાજ્યના વેપારીઓ પણ ચીકુના માલને ખરીદવાનું ટાળી રહ્યા છે જેથી નવસારી, અમલસાડ મંડળીના વેપારીઓ પણ ખરીદેલો ચીકુનો જથ્થો ક્યાં નાખે તેની ચિંતા તેમને કોરી ખાઈ રહી છે. અમલસાડ મંડળી પ્રતિદિન 5 થી 6 હજાર મણ ચીકુની આવક ધરાવે છે પણ વધેલી ગરમીએ ખેલ બગડ્યો છે.

આ વખતે કેરીના પાકની વાત કરવામાં આવે તો માત્ર 20 ટકા જેટલો પાક બચ્યો છે ત્યારે વધેલી ગરમીએ કેરી બાદ ચીકુને પણ પોતાની અસરમાંથી બાકાત રાખ્યું નથી જે ચીકુ દર વર્ષે ગરમીની સિઝનમાં 250થી 500 રૂપિયામાં સુધી વેચાય છે તે હાલ 300 રૂપિયા સુધી સીમિત થતાં વેપારીઓ ક્યાં સ્ટોરેજ કરે અને કઈ રીતે વેચે તેની ચિંતામાં મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...