તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અયોધ્યામાં નવો યુગ:સમગ્ર નવસારી-ડાંગ જિલ્લો રામમયી, હિંદુ સંગઠનોએ ફટાકડા ફોડ્યા, મોઢું મીઠું કરી ગરબે ઘૂમી ઠેરઠેર દીવા પ્રગટાવ્યા

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

5મી ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે ધાર્મિક વિધિમાં કરવામાં આવ્યું હતું. આ વિધિ પૂર્ણ થયા બાદ નવસારી અને ડાંગ જિલ્લાના વિવિધ હિંદુ સંગઠનોએ ફટાકડા ફોડી મોઢું મીઠું કરી એકબીજાને શુભેચ્છા આપી હતી.

તીઘરા જકાતનાકાએ હિંદુ યુવા વાહિની ગુજરાતના પ્રમુખ સાજનભાઈ ભરવાડે રામલલ્લાના મંદિરનું ભૂમિપુજનની શુભેચ્છા આપી મીઠું મોઢું કરાવીને ફટાકડા ફોડ્યા હતા અને ઢોલ નગારાના નાદે ગરબે ઘૂમ્યા હતા. શાંતાદેવી રોડ, બંધારવાડ, ગ્રીડ, તપોવનમાં આવેલા પ્રાચીન હનુમાન મંદિર અને જલાલપોરના 300 વર્ષ જૂના રામજી મંદિરેને પણ શણગાર કરાયો હતો. નવસારીના રામજી ટેકરીના અતિ પૌરાણિક રામ મંદિરમાં બપોરે 12 વાગ્યે ખાસ આરતીનું આયોજન થયું હતું. જેમાં ભક્તોએ ઉપસ્થિત રહી 108 દીવડાની આરતી કરી રામમયી બન્યા હતા.

ડાંગ જિલ્લામાં દિવાળી જેવો ઉત્સવ
આહવા: ડાંગ જિલ્લામાં હિંદુ સમાજ દ્વારા આયોજિત અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિર નિર્માણ કાર્યની શરૂઆત થતા શ્રી શબરી મંદિર સુબીર ખાતે મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં જય શ્રી રામના ગગનભેદી નારા સાથે આરતી કરવામાં આવી હતી. જેમા વઘઇ, આહવા, સુબીર પંથકમાં ભગવાન શ્રીરામના નાદ ગુંજ્યા હતા. ભક્તોમાં ખુશીની લાગણી પ્રસરી હતી. 5મી ઓગસ્ટે રામ નગરી અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભગવાન શ્રીરામના મંદિરનું ભૂમિપૂજન થયુ ત્યારે ડાંગ જિલ્લાના દરેક હિન્દુભાઈઓના મુખે ખુશીની લાગણી છલકાઈ હતી. આ સાથે જય શ્રી રામના નામે દિવાળી જેવો માહોલ છવાયો હતો. આ સાથે રામ મંદિરોમાં વિવિધ કાર્યક્રમો અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરનું ભૂમિપૂજન દિવસે મંદિરોમાં વૈશ્વિક મંગલ યજ્ઞ અને પૂજા અર્ચના કરવામાં આવી હતી. મંદિરોમાં શ્રી રામ ચરિત્રના અને હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવ્યા હતા અને આની સાથે જ ગતરોજ સાંજે મોડી સાંજે વઘઇ, આહવા તેમજ સુબીર પંથકના ભગવાન શ્રી રામના નાદ સાથે ભગવા ઝંડીથી શણગાર કરાયો સાથે દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. વાંસદા હિંદુ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ફટાકડા ફોડી પ્રસાદીની વહેંચણી કરી હતી. રામ મંદિરની વર્ષોની ઈચ્છા આજે પૂર્ણ થઈ છે. સમગ્ર ભારત અને ડાંગ જિલ્લામાં પણ આનંદ અને ઉત્સવની લાગણી ફેલાય છે. ઠેરઠેર દીવડાઓ પ્રગટાવી લોકો દિપાવલીની જેમ રામજન્મ ભૂમિ શિલાન્યાસ ઉત્સવની ભક્તિભેર ઉજવણી કરી હતી. ઠેર-ઠેર જય શ્રી રામનાં નારાથી નગર ગુંજી ઉઠયા હતા.

વાંસદાથી 37 જેટલા કારસેવકો અયોધ્યા પહોંચ્યા હતા તેની યાદ તાજી થઇ ગઇ
અયોધ્યા ખાતે શ્રીરામ મંદિર નિર્માણનું ભૂમિ પૂજન સવારે 12.39 કલાકે સંપન્ન થયું તેજ સમયે વાંસદા ગઢી ધર્મશાળા ખાતે હિન્દુ સંગઠન અને નગર આગેવાનોના સહયોગથી મોટી સંખ્યામાં રામ ભક્તો શ્રીરામ ભગવાનની આરતી ઉતારી હતી અને અંદાજિત 3 હજારથી વધુ પ્રસાદીનું વિતરણ કરાયું હતું. ઘરે ઘરે રાત્રે 8 કલાકે દીવાઓ સળગાવી દિવાળી મનાવશે. કેસરી ઝડાં, તોરણ અને શ્રીરામના કટઆઉટ અને ભગવા ધજા આકર્ષણ કેન્દ્ર બન્યું હતું. સમગ્ર નગર ભક્તિમય બની ગયું હતું. વર્ષો પહેલા આયોધ્યા ખાતે વાંસદાથી અંદાજિત 37 જેટલા કાર સેવકો આયોધ્યા પહોંચ્યા હતા. તે સમય સમગ્ર તાલુકાના ગામેગામ ઉત્સવ રૂપે મનાવ્યો હતો એવું અનુપસિંહ સોલંકીએ જણાવ્યું હતું..

રામ જન્મભૂમિ શિલાન્યાસ સાથે ખેરગામ રામજી મંદિરે પણ ધૂન, દીપ પ્રગટાવાયા
ખેરગામ | કરોડો હિંદુઓનું આસ્થાનું સ્થળ અયોધ્યાના 500 વર્ષથી ટલ્લે ચઢેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અભિજિત મુહૂર્તમાં ખાતમુહૂર્ત-શિલાન્યાસવિધિ કરવામાં આવી ત્યારે ખેરગામના 128 વર્ષ પુરાણા રજવાડી રામજી મંદિરમા પણ એકાવન દીપ પ્રગટાવી ભજન ધૂનો ગાઈ પૂજન કરાયું હતું. 12.40 કલાકે ભગવાન રામચંદ્રજીની વિશેષ મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં સૌથી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ખેરગામના પીએસઆઇ ગૌરવ પટેલ અને તેમના સાથીદારોએ સમગ્ર તાલુકામાં અલગ અલગ પોઇન્ટ ઉપર શાંતિ જાળવવા પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...