સારવાર:કૃત્રિમ તળાવમાં વિસર્જન કરનારા 10 યુવાનને ખંજવાળ અને તાવની અસર

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારીમાં 7 માં દિવસના શ્રીજીને શ્રદ્ધાભેર વિદાય અપાઇ
  • બિમાર થયેલા યુવાનોને ગણેશ સંગઠન દ્વારા સારવાર આપવામાં આવી

નવસારીના વિરાવળ ખાતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન માટે કુત્રિમ તળાવ બનાવાયા હતા. જેમાં ગણેશ પ્રતિમાના વિસર્જન બાદ આ પાણીમાં સ્થાનિક યુવાનો શરીરે ખંજવાળ અને તાવની અસર દેખાતા તમામને સારવાર અપાઇ હતી. નવસારીમાં વિરાવળમાં આવેલી પૂર્ણાં નદીમાં પ્રતિમાઓના વિસર્જન માટે બે કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યાં છે. જેમાં દોઢ, 3 અને 5 દિવસના શ્રીજીની નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

આ તળાવોમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરનારા 10 જેટલા યુવાન આ બંધિયાર પાણીમાં સતત કામ કરતા હોય શરીરે ખંજવાળ બાદ તાવનો ભોગ બન્યાં હતા. તેઓ બંધિયાર પાણીમાં વિસર્જન થયેલા શ્રીજીની પ્રતિમા પરનો કેમિકલયુક્ત રંગ પાણીમાં ભળી જતા આ પાણી બંધિયાર હોય એલર્જીનો ભોગ બન્યા હતા. જોકે તમામ યુવાનોને સારવાર આપવામાં આવી હોવાનું માહિતી ગણેશ સંગઠન દ્વારા આપવામાં આવી હતી.

પૂર્ણાંમાં 280થી વધુ અને દાંડીમાં 96 પ્રતિમાનું વિસર્જન
નવસારી જિલ્લામાં માનતાના 7 દિવસના ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન ભક્તોએ ઉલ્લાસપૂર્વક કર્યું હતું. જેમાં નવસારીમાં આવેલી પૂર્ણ નદીના 3 ઓવારા વિરાવળમાં 180થી વધુ, ધારાગીરીના ઓવારા પરથી 60, જલાલપોર સંતોષી માતાના મંદિર પાસેથી 40 જેટલી પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. ઐતિહાસિક દાંડીના દરિયામાં 7મા દિવસે સાંજે પોણા સાત વાગ્યા સુધીમાં શ્રીજીની 5 મોટી અને 91 નાની મળી કુલ 96 પ્રતિમાનું વિસર્જન ભકતો દ્વારા કરાયું હતું. આ ઉપરાંત પાંચમા દિવસે 7 મોટી અને 110 નાની મળી કુલ 117 શ્રીજીની પ્રતિમાનું વિસર્જન થયું હતું.

નદીમાં પ્રતિમાનું વિસર્જન કરવા માગ કરાઇ છે
વિરાવળમાં કૃત્રિમ તળાવમાં પ્રતિમા ડૂબાવવામાં આવે છે તેનું પાણી બંધિયાર હોય પ્રતિમાનો રંગ પાણીમાં ભળી જતા ગંદુ પાણીના કારણે 10 જેટલા યુવાન એલર્જીનો ભોગ બન્યા છે. જોકે પ્રશાસન દ્વારા નદીમાં પ્રતિમા વિસર્જનની મનાઇ હોય અમે માંગ કરી છે કે પ્રતિમાઓનું નદીમાં વિસર્જન કરવામાં આવે. - ગુણવંત પટેલ, મંત્રી, નવસારી વિભાગ ગણેશ સંગઠન

અન્ય સમાચારો પણ છે...