કાર્યવાહી:મરોલી પાસે સુરતનો કારચાલક 34 હજારના દારૂ સાથે ઝડપાયો

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુરત આઈજીની ટીમે 10 કિમી કારનો પીછો કર્યો હતો
  • કારને ઉભી રાખવા જતા લાકડીથી કાચ તૂટ્યો હતો

દમણ અને મુંબઈથી કારમાં સારી બ્રાન્ડની વિદેશી દારૂ લઈને સુરત તરફ જતી કાર ચાલકને સુરત રેંજ આઈજીની ટીમે પીછો કરીને 10 કિમીના અંતરેથી ઝડપી પાડ્યો હતો. સુરત રેંજની સ્પેશ્યલ ઓપરેશન ટીમમાં ફરજ બજાવતા અહેકો જ્યેન્દ્રસિંહ હરિસિંહે મરોલી પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું કે તેમની ટીમ હાઇવે પર પેટ્રોલિંગમાં હતા. કાર (નં. GJ-05-RA-1613) પસાર થઈ હતી. જેમાં દારૂ હોવાની શંકા જતા પોલીસે કાર ઉભી રાખવા ઈશારો કરતા પોલીસને જોઈ આ કારના ચાલકે પોતાની કાર સુરત તરફ લઈ ગયો હતો.

બાદમાં ધોળાપીપળા બ્રિજ થઈ કસ્બા ગામ તરફ કાર હંકારી મૂકી હતી. પોલીસે તેનો પીછો કરતા કરતા આ કારને વાડા ગામ પાસે ઓવરટેક કરી ઉભી રાખવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં કારને ઉભી રાખવા લાકડીથી કાચ પણ તૂટી ગયો હતો. પોલીસે કાર ચાલકને બહાર કાઢી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ભાલચંદ્ર ભાસ્કરરાવ દેસલે (રહે. બંગલા નંબર-27, મોહનદ્વાર સોસાયટી, ભરથાણા, સુરત) હોવાનું જણાવ્યું હતું.

પોલીસે કારમાં તપાસ કરતા સારા બ્રાન્ડની વિદેશી દારૂ, બિયરની બાટલી નંગ 43 કિંમત રૂ. 34200 મળી આવતા ચાલકની અટક કરી હતી. પોલીસે દારૂ સહિત કાર અને મોબાઇલ મળી કુલ રૂ. 6.39 લાખનો મુદ્દામાલ કબજે કરી મરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા મરોલી પોલીસ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...