એસટી કર્મીઓની બેદરકારી:માસ્ક નહીં પહેરી ડ્રાઇવર-કંડક્ટર બિન્દાસ્ત ફરજ બજાવતા દેખાયા

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી એસટી ડેપોના કર્મચારીઓ કોરોનાને અવગણી રહ્યાં છે, સુપર સ્પ્રેડર બનવાની થઇ રહેલી ચર્ચા

નવસારી જિલ્લામાં દિનપ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને વહીવટી તંત્ર-આરોગ્ય તંત્ર પણ આ સમગ્ર મામલે ગંભીર બની જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. કેટલીક સરકારી કચેરીઓમાં જાહેરનામાનો યોગ્ય અમલ થતો નહીં હોવાનું સામે આવ્યું છે. જેમાં પ્રવાસીઓથી ઉભરાતા નવસારી એસટી ડેપોમાં પ્રવેશતા બસના કેટલાક ડ્રાઈવર માસ્ક નહીં પહેરીને બિન્દાસ્ત નોકરી કરતા હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. વિવિધ જિલ્લાઓ અને આંતર-રાજ્ય બસમાં બેસી પ્રવાસ કરતા પ્રવાસીઓ જો સંક્રમિત હોય તો તેની અસર બસના કંડક્ટર, ડ્રાઇવર અને અન્ય પ્રવાસીઓને થવાની સંભાવના વધી છે. આવી ગંભીર પરિસ્થિતિમાં બસ ચાલક બેદરકારી રીતે માસ્ક પહેર્યા વગર નોકરી કરતા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.

નવસારી એસટી ડેપોના મેનેજર સામે પ્રશ્નો ઉભા થતા તેમણે આ સમગ્ર મામલે ગંભીર બેદરકારી હોવાનું સ્વીકાર્યું હતું તેમજ તાત્કાલિક ડેપોના એનાઉન્સરને એસટી ડેપોના તમામ કર્મચારીઓ-પ્રવાસીઓને તાત્કાલિક જાહેરનામાનો અમલ કરવા અને સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરવા એનાઉન્સમેન્ટ કરવા હુકમ કર્યો હતો. હાલમાં કોરોનાને લઈને રાજ્યની સ્થિતિ ગંભીર બની છે અને જિલ્લા કક્ષાએ પણ પૂરતી તકેદારી રાખવાના જાહેરનામા પ્રસિદ્ધ થઈ રહ્યા છે. તેવામાં સરકારી કર્મચારીઓ જ રાજ્ય સરકારના જાહેરનામાને ઘોળીને પી ગયા હોય તેમ નવસારી એસટી ડેપોમાં એસટીના ડ્રાઇવરો માસ્ક વગર ફરજ બજાવી રહ્યા છે.

કોઈ લાલિયાવાડી સાંખી લેવાશે નહીં
કોરોનાની શરૂઆતમાં દરેક કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે. કોઈ કર્મચારીઓ માસ્ક વગર હોય તે બાબતે ધ્યાને આવતા સખત કાર્યવાહી કરી જરૂરી સૂચના આપી હતી. માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે વખતોવખત એનાઉન્સ કરવામાં આવે છે. સરકારી જાહેરનામુ દરેક માટે સરખું હોય છે કોઈ લાલિયાવાડી સાંખી નહીં લેવાય. > વિપુલ રાવલ, મેનેજર, એસટી ડેપો નવસારી

અન્ય સમાચારો પણ છે...