ક્રિકેટ વિશેષ:જિલ્લામાં હવે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ પણ શરૂ

નવસારી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
અંચેલીની મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિકેટ રમવા તૈયાર મહિલા ક્રિકેટરો. - Divya Bhaskar
અંચેલીની મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિકેટ રમવા તૈયાર મહિલા ક્રિકેટરો.
  • સંભવતઃ પ્રથમ આ અંચેલીની ટુર્નામેન્ટમાં વિવિધ ગામોની 8 ટીમોએ ભાગ લીધો

નવસારી જિલ્લામાં સંભવતઃ પ્રથમવખત જ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ અંચેલી ગામે રમાઈ હતી. આમ તો જિલ્લામાં ચોમાસાને બાદ કરતા આખું વર્ષ પુરુષોની ક્રિકેટ ટુર્નામેન્ટ રમાતી રહે છે. જોકે સ્થાનિક કક્ષાએ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ હોય અને અનેક ગામોની ટીમોએ ભાગ લીધો હોય એવું ખાસ જાણમાં નથી. છેલ્લા કેટલાક વર્ષોથી મહિલાઓમાં પણ ક્રિકેટનો ક્રેઝ વધી રહ્યો છે અને સ્થાનિક લેવલે ટેનિસ ક્રિકેટ રમતી પણ જોવા મળે છે. જોકે હવે મહિલાઓની ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન શરૂ થઈ ગયું છે.

આવી જ એક મહિલા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ગણદેવી તાલુકાના અંચેલી ગામે યોજાઈ હતી. અંચેલી ઉપરાંત માછીયાવાસણ, વડસાગળ, મોહનપુર, ઇટાળવા, ધમડાછા વગેરે ગામોથી કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો. 6-6 ઓવરની મેચમાં દરેક ટીમમાં 11 ખેલાડીઓ હતા અને ફાઇનલ મેચ રવિવારે રમાઈ હતી.

ફાઇનલમાં સ્પોર્ટ્સ એકેડેમી ઇટાળવા અને સ્વરા ઇલેવન અંચેલી વચ્ચે રમાઇ હતી. જેમાં ઇટાળવાની ટીમ ચેમ્પિયન થઈ હતી. ચેમ્પિયન અને રનર્સ અપ બન્ને ટીમને ટ્રોફી ઉપરાંત રોકડ પણ આપવામાં આવી હતી. ટુર્નામેન્ટના આયોજનમાં નિષ્ઠા, મિલી, દેવર્શી, ઝીનલ, નિધિ, હેલી સહિત અન્યોએ જહેમત ઉઠાવી હતી. ભૂલા ફળિયામાં પણ આ અગાઉ મહિલાઓની નાના પાયે મેચ રમાઇ હતી.

મેચ જોતા અને રમતા ટુર્નામેન્ટનો વિચાર આવ્યો
અમને ક્રિકેટમાં રસ છે, જેને લઇને અમારા અંચેલીના ગ્રાઉન્ડ ઉપર રમાતી મેચ જોવા અમે જતા જ હતા અને ત્યારબાદ છોકરીઓ પણ રમતી હતી.તે દરમિયાન અમને ટુર્નામેન્ટ યોજવાનો વિચાર આવ્યો,જેમાં સારો સહકાર મળતા સફળતા મળી છે. > નિષ્ઠા નાયક, એક આયોજક, અંચેલી

અન્ય સમાચારો પણ છે...