દિવાળી સુધરશે:ડાયમંડ નગરીના હીરાઉદ્યોગમાં કોરોના બાદ ચમક વધી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારીનો મુખ્ય ઉદ્યોગ હીરા ઉદ્યોગ છે, જેમાં કામ કરતા અંદાજે 30 હજાર જેટલા રત્નકલાકારોની દિવાળી સુધરશે
  • ​​​​​​​યુરોપના દેશો સહિત દુનિયાના અનેક દેશોમાં જેમ્સ એન્ડ જ્વેલરીમાં હીરાની માગ વધતા મંદી અનુભવતા હીરા ઉદ્યોગની સ્થિતિ સુધરી

નવસારી જિલ્લામાં કોરોનાના દોઢ વર્ષ બાદ ડાયમંડ ઉદ્યોગમાં તેજીના સંચાર આવ્યા છે. જેમાં યુરોપ અને યુએસએ જેવા વિદેશી દેશોમાં જેમ્સ એન્ડ જવેલરીમાં હીરાની માંગ વધતા સમગ્ર હીરા ઉદ્યોગમાં તેજી આવી છે. જેમાં નવસારી જિલ્લામાં રત્નકલાકાર તરીકે કામ કરતા 30 હજારથી વધુ કામદારોની દિવાળી સુધરશે. એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના છ માસમાં ડાયમંડના ઉદ્યોગમાં તેજી આવતા હવે ડાયમંડ ઉદ્યોગ સહિત તેને સલંગ્ન ઉદ્યોગોને પણ તેજી મળશે એ નિર્વાદિત કહીં શકાય.

નવસારી શહેર એક સમયે ડાયમંડ સિટી કહેવાતી હતી પણ ધીરે ધીરે આ ઉદ્યોગ સુરત બાદ અન્ય શહેરમાં વધવા લાગ્યો છે. નવસારીમાં હીરાના નાના-મોટા મળી 350ની વધુ કારખાના આવેલા છે. આ કારખાનામાં મહારાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતથી આવી નવસારીમાં વસેલા લોકો વધુ કામ કરે છે. એક સમયે નવસારીમાં હીરા ઉદ્યોગની બોલબાલા હતી. લોકો નોકરી માટે હીરા ઉદ્યોગને પ્રાથમિકતા આપતા હતા પરંતુ ત્યારબાદ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ આવ્યો હતો. જેથી હીરાના વેપારીઓએ હીરાનું પ્રોડક્શન ઘટાડી દેતા કારીગરોની કમાણી અડધી થઈ હતી.

જેના પગલે લોકોએ આ ઉદ્યોગ છોડી અન્ય કોઈ વ્યવસાયમાં જોડાયા હતા. છેલ્લા 2-3 વર્ષથી નવસારીમાં હીરા ઉદ્યોગમાં ફરી તેજી આવી હતી. જેથી હીરાના કારીગરોની કમાણીમાં વધારો થતા ફરી લોકો હીરા ઉદ્યોગમાં જોડાયા હતા. દરમિયાન ગત વર્ષે કોરોનાની મહામારી શરૂ થતા દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેના પગલે વેપાર-ધંધાની ગાડી અટકી ગઈ હતી. હીરાના કારખાનામાં કામ કરતા લોકો મહારાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તેમના વતન ચાલ્યા ગયા હતા. જોકે ધીમેધીમે અનલોક થતા વેપાર-ધંધાની ગાડી શરૂ થઈ હતી કે ફરી નવસારીમાં કોરોનાના કેસો વધતા લોકડાઉન લગાવવામાં આવ્યું હતું.

જેથી હીરાના કેટલાક કારીગરો તેમના વતનમાં ખેતીમાં જોડાયા હતા તો કેટલાક લોકો અન્ય વ્યવસાયમાં જોડાયા હતા. જોકે છેલ્લા 6 માસ દરમિયાન કોરોનાના કેસો ઘટી જતા વેપાર-ધંધાની ગાડી પાટે ચઢી છે. જેમાં વિદેશોમાં ખાસ કરીને યુરોપ અને યુએસએમાં ડાયમંડના ઉદ્યોગમાં તેજી આવતા તેની અસર ભારતના મોટા ગણાતા ડાયમંડ ઉદ્યોગ પર જોવા મળી છે. નવસારીના 35 હજાર જેટલા રત્નકલાકારો હીરાના ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય કોરોના બાદ હીરા ઉદ્યોગમાં તેજી આવતા તેને લીધે તેને સંલગ્ન ઉદ્યોગોને પણ તેનો લાભ મળશે તે નક્કી છે.

90 ટકા કારીગરો વતનથી પરત આવ્યા
છેલ્લા છ માસમાં ડાયમંડ ઉદ્યોગમાં તેજી આવતા તેને લીધે કારોગરો તેમના વતનથી 90 ટકા જેટલા આવી ગયા છે અને કામમાં પણ જોતરાઈ ગયા છે ત્યારે હીરાના વેપારીઓ નવા લોકોને પણ રોજગાર આપી હીરા બનાવવાનું શીખવી રહ્યા છે. નવસારીમાં 350થી વધુ હીરાના કારખાના ચાલી રહ્યા છે અને તેમાં 35 હજારથી વધુ લોકો કામ કરી રહ્યા છે. તેઓની સાથે અન્ય ધંધા-ઉદ્યોગને પણ વેગ મળશે. જેમાં બાંધકામના ઉદ્યોગને વધુ લાભ મળશે. > નીતિન માલવીયા, હીરા વેપારી

આવનારા દિવસોમાં તેજીના સંકેત
કોરોનાની અસર બાદ યુરોપ અને યુએસએના બજારોમાં સારી માગ ઉઠી છે. આ દેશોમાં મોટાભાગે ડાયમંડનો ઉપયોગ ઘરેણા બનાવવામાં થાય છે. નવસારીના 35 હજાર રત્નકલાકારોને બે વર્ષે તેજીના માહોલમાં કામ કરી તેમની આર્થિક પરિસ્થિતિ સુધરી જશે. જેમાં મોટાભાગે ગોળ હીરાની ડિમાન્ડ વધુ છે. નવસારીમાં 35 હજાર કારીગરો માસિક રૂ. 52.50 કરોડનું કામ કરે છે, જેને લઈને હવે આવનારા મહિનામાં ડાયમંડમાં વધુ તેજી આવવાના સંકેત કહી શકીએ તે ખોટું નહીં. > કમલેશ માલાની, પ્રમુખ, નવસારી ડાયમન્ડ મર્ચન્ટ એસોસિએશન

અન્ય સમાચારો પણ છે...