પાણીના દેવામાં ડૂબેલી નવસારી પાલિકા:પાલિકાનું સિંચાઇ વિભાગનું દેવું 40 કરોડ, મુદ્દલ કરતા વ્યાજ અને પેનલ્ટી ત્રણ ઘણી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નવસારી શહેરના દુધિયાતળવામાં  ઠલવાયેલ નહેરના પાણીના કરોડો પાલિકાએ ચૂકવ્યા નથી. - Divya Bhaskar
નવસારી શહેરના દુધિયાતળવામાં ઠલવાયેલ નહેરના પાણીના કરોડો પાલિકાએ ચૂકવ્યા નથી.
  • નવસારીને નહેરનું પાણી આપવામાં આવે છે તેને માટે જે નાણાં ચૂકવવાના છે, તે નહીં ચૂકવતા દેવાનો ડુંગર વધતો ગયો છે

નવસારી-વિજલપોર પાલિકાએ સિંચાઈ વિભાગની વન ટાઈમ સેટલમેન્ટ યોજનાનો લાભ પૂર્ણતઃ ન લેતા દેવાનો બોજ ઉતારી શકી નથી અને હજુય મુદલ, વ્યાજ-પેનલ્ટી મળી 40 કરોડના દેવાનો બોજ માથે રહ્યો છે.

નવસારીના શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે શહેરમાં લગભગ 22 વર્ષથી ય વધુ સમયથી મધુર જળ યોજના કાર્યરત છે. આ યોજના અંતર્ગત નહેરનું પાણી શહેરના તળાવમાં ઠાલવી શુદ્ધ કરી લોકોને આપવામાં આવી રહ્યું છે. નહેરનું પાણી પાલિકા જે મેળવે છે તે માટે સિંચાઈ વિભાગને નાણા ચૂકવવાના હોય છે. જે પુરા પાલિકા ચૂકવી શકી નથી અને ક્રમશઃ સિંચાઈ વિભાગનું દેવું પાલિકાના માથે વધતું જ રહ્યું છે.હાલ આ દેવું મુદલ અને વ્યાજ-પેનલ્ટી મળી 40 કરોડ રૂપિયા થઈ ગયું છે.

આ અંગેની વિગત જોઈએ તો નહેરનું પાણી શહેરના બે તળાવો દુધિયા તળાવ અને દેસાઈ તળાવમાં ઠલવાય છે.આ બન્ને તળાવમાં અપાતા નહેરના પાણી માટે સિંચાઈ વિભાગ પાલિકા પાસે પૈસા વસૂલે છે. હાલ બન્ને તળાવ મળી સિંચાઈ વિભાગે વર્ષોથી ચાલી આવતી બાકી વસૂલવાની રકમ (દેવું) મુદલ 10 કરોડ જેટલી અને આ બાકી રકમ ઉપર વર્ષોથી ચાલી આવતું વ્યાજ અને પેનલ્ટીની રકમ 30 કરોડ થઈ ગઈ છે. એક યા બીજા કારણે પાલિકા દેવાનો બોજ ઉતારી શકી નથી.

માત્ર મુદલ ભરી ‘દેવામુક્ત’ થવાની સ્કિમનો પૂરો લાભ પાલિકાએ ન લીધો
સિંચાઈ વિભાગ રાજ્યમાં અન્ય પાલિકાને પણ પાણી આપે છે અને નવસારી સિવાય અન્ય પાલિકાના પણ નાણાં બાકી છે, જેમાં મુદલ ઉપરાંત વ્યાજ-પેનલ્ટી પણ છે. આ સ્થિતિમાં પાલિકાઓ દેવામુક્ત થાય અને મુદલ રકમ મળે તે માટે સિંચાઈ વિભાગે બે વર્ષ અગાઉ વન ટાઈમ સેટલમેન્ટ યોજના મુકી હતી. જેમાં મુદલ રકમ ભરાય તો વ્યાજ-પેનલ્ટી માફ કરવાની હતી. તેની મુદત પ્રથમ ડિસેમ્બર 2020 સુધીની હતી, જે વધારી બાદમાં માર્ચ-2021 કરાઈ હતી.

આ સ્કિમનો લાભ લેવા પાલિકાએ પણ તૈયારી બતાવી હતી. તે સમયે પાલિકાનું દેવુ 44થી 45 કરોડ હતું, જેમાં મુદલ 15 કરોડ જેટલી અને બાકીનું વ્યાજ-પેનલ્ટી હતી. જોકે પાલિકા મુદત સમયમાં તમામ મુદલ રકમ 15 કરોડ ભરી ન શકી અને 5 કરોડ જેટલી જ ભરી શકી હતી, જેથી દેવામુક્ત થઈ શકી ન હતી. જેને લઈ હજુ દેવાનો આંક 40 કરોડ રૂપિયા જ રહ્યો છે, કારણ કે વ્યાજ-પેનલ્ટીની માફી મળી નથી. હાલ વન ટાઈમ સેટલમેન્ટ સ્કિમ નથી. મળતી માહિતી મુજબ પાલિકા હવે પુન: આ સ્કિમનો લાભ લેવા તૈયાર થઈ છે, જેમાં મુદત ભરી વ્યાજ-પેનલ્ટી માફી મળે. જોકે સરકાર પુન: સ્કિમ અમલી મુકે કે નહીં તે જોવું રહ્યું..

અમારી દેવામુક્ત થવાની તજવીજ છે
‘સરકાર સાથે અમારી વાટાઘાટ થઈ છે. અમે મુદલ રકમ ભરીશું એટલે દેવુ ચૂકતે થઈ જશે. અમારી દેવામુક્ત થવાની તજવીજ છે.’ > જીગીશ શાહ, પ્રમુખ, નવસારી-વિજલપોર નગરપાલિકા

પીવાના પાણીનો પ્રશ્ન હોય કડક પગલાં લેવાયા નહીં
સિંચાઈ વિભાગ તેની બાકી લેણાંની રકમ માટે નગરપાલિકાને સમયાંતરે રકમ ચૂકવવા પાલિકાને પત્ર લખતી જ રહે છે, નોટિસો પણ આપી છે. જોકે લોકોના પીવાના પાણીનો પ્રશ્ન હોય પાણી બંધ કરવા યા કડક પગલાં લઈ શકી નથી.

અહીં ઉલ્લેખની છે કે સિંચાઈ વિભાગ ખેડૂતોને જે નહેરનું પાણી આપે છે તે વસૂલવામાં કડક છે. નાણાં નહીં ચૂકવનાર ખેડૂતોના રેકર્ડ ઉપર બોજા સુદ્ધાં નાંખે છે, પરંતુ શહેરી જનો માટે અહીં પાણીની વ્યવસ્થા પૂરી પાડવાની હોય કડકાઇ દાખવતું નથી.

અન્ય સમાચારો પણ છે...