ગુરુપૂર્ણિમા:જગતમાં જનની, જનક-ગુરુનું ઋણ કદી ચૂકવી શકાતું નથી

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌનક ઋષિને આત્મજ્ઞાન થતા વેદ વ્યાસજીને ગુરુ માની સૌ પ્રથમ વખત પૂજન કર્યું હતું

ભારત વર્ષની પોતાની એક આગવી ઓળખ રહી છે, જેને કારણે પ્રાચીન કાળથી લઈને આજ સુધી ભારત વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આધ્યાત્મિક જ્ઞાનની જ્યોતિ પ્રગટાવી રાખવામાં ગુરુ શિષ્ય પરંપરા ભારતની વિશેષતા રહી છે. જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય, જન્મ-મરણના ચક્રમાંથી મોક્ષ અપાવે તે ગુરુ. વૈદિક ધર્મમાં આ જવાબદારી સ્વયં ભગવાને લીધી હતી. ભગવાને વેદ અને વેદોનું જ્ઞાન આપી અજ્ઞાન દૂર કર્યું, એટલે પહેલાં જગદગુરૂ ભગવાન પોતે છે. વિશ્વના સર્વ ધર્મગ્રંથોમાં ગીતાનું જ્ઞાન પરમ સત્ય છે. તે જ્ઞાન આપનાર શ્રીકૃષ્ણ છે.

તેથી મુનિઓએ વંદન કરતા કહ્યું છે કે, \”કૃષ્ણમ્ વંદે જગદગુરૂ. બધા જ ધર્મો અને સંપ્રદાયોમાં ગુરુની મહત્તા દર્શાવી છે. મનુષ્ય જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા ગુરુનું માર્ગદર્શન આવશ્યક છે. જગતમાં જનની, જનક અને ગુરુનું ઋણ કદી ચૂકવી શકાતું નથી. પૌરાણિક કથા મુજબ સૌ પ્રથમ ભગવાન વેદ વ્યાસનું પૂજન નૈમિષારણ્યમાં વસતા સૌનક ઋષિએ કર્યું હતું. વેદવ્યાસજીની કૃપાથી સૌનક ઋષિને આત્મજ્ઞાન થયું. વેદ વ્યાસજીને ગુરુ માની પૂજન કર્યું, તે દિવસ અષાઢી પૂનમનો હતો, તેથી આ દિવસને ગુરુપૂર્ણિમાનું’ નામ મળ્યું. આ મહાપર્વ આજપર્યંત ઉજવાય છે.

નવસારીના શિક્ષિકા કોકિલાબેન મિસ્ત્રી ગુરુપૂર્ણિમાનો મહિમા સમજાવતા જણાવે છે કે ગુરુકુળ પ્રથા એ પ્રાચીન ભારતીય શિક્ષણ વ્યવસ્થા હતી. સ્મૃતિ ગ્રંથોમાં જણાવ્યાનુસાર ઉપનયન સંસ્કાર બાદ શિષ્યો ગુરુની દેખરેખમાં પોતાનું શિક્ષણ પૂરું કરતા. ગુરુ શિષ્યોને સારાં સંસ્કારો આપી તેમનું ઘડતર આ રીતે કરતા \” गुरुશિષ્યો ગુરુનાં પરિવાર સાથે રહેતા. ગુરુ- શિષ્યોનાં \”આધ્યાત્મિક પિતા’ કહેવાતા. \”ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા; ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ’ નિર્ગુણ સંપ્રદાયમાં શિવ ‘બ્રહ્મ’ તત્વ છે. અને સગુણ ભક્તિ સંપ્રદાયમાં કૃષ્ણ-રામ આદિ છે, પણ ઉપર એક \”પરબ્રહ્મ’ તત્વ છે.

જ્યાં સાંપ્રદાયિક ગુરુ પરંપરાઓ છે. ત્યાં ગુરુ મહિમાના પદો અને ગુરૂ ગાનના પદો જોવા મળે છે. ‘ભગવાન દત્તાત્રેયને’ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયના સ્વરૂપ માનવામાં આવે છે. ઈશ્વર અને ગુરુ બંને સ્વરૂપે પૂજનીય છે. ગુરુ પરંપરાને આજે પણ ટકાવી શક્યા હોય તેવા, સંપ્રદાયોમાં સ્વામિનારાયણ સંપ્રદાય છે. આ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામી. તેમણે તત્વજ્ઞાનની વાતો વધુ નથી કરી, પણ શિક્ષાપત્રી ગ્રંથમાં નીતિ નિયમો આપી આચાર- વિચાર શીખવ્યા છે. ગુરુવાણી વેદ સમાન છે. વેદ વ્યાસજીના સંભારણા એટલે ગુરુપૂર્ણિમાનું પાવન પર્વ.

વિશ્વનો સૌથી મોટો ગ્રંથ મહાભારતના રચયિતા મહર્ષિ વેદ વ્યાસજી. વ્યાસજીના ચાર શિષ્યો. ચારેયને વ્યાસજીએ વેદોનું અમૂલ્ય જ્ઞાન આપ્યું.વૈશ્મપાયનને યજુર્વેદ, જૈમિની ને સામવેદ, સુમંતને અથર્વવેદ, અને સુતજીને પુરાણોનું જ્ઞાન આપ્યું. સનાતન ધર્મના સાત ચિરંજીવીઓ માંના એક વ્યાસ મુનિ છે. ‘ગુરુકૃપાથી જ્ઞાન અને આત્મદર્શન’ પ્રાપ્ત થાય છે. રામ-કૃષ્ણ અવતારી પુરૂષો હોવા છતાં તેમણે ગુરુ કર્યા, અને ગુરુ પરંપરાનું મહત્વ સમજાવ્યું હતું.

ગુરુની ઓળખ િશષ્યોએ જ સમાજને આપી છે
રાજાઓ રાજ્યનો વહીવટ કરવા ગુરુનું માર્ગદર્શન લેતા. દશરથ રાજાના પુત્રોને ગુરુ વશિષ્ઠજી એ તાત્વિક જ્ઞાન આપ્યું. શ્રીકૃષ્ણના ગુરુ સાન્દિપની ઋષિએ શ્રીકૃષ્ણને ચોસઠ કળામાં પારંગત કર્યા. શ્રીકૃષ્ણ અવતારી પુરુષ હોવાં છતાં, અભિમાનનો ત્યાગ કરી ગુરુ આજ્ઞાનું પાલન કરતાં. ગુરુ દ્રૌણાચાર્યે પાંડવોને અજેય કર્યા. રામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી વિવેકાનંદનું નામ દુનિયામાં આજે પણ ગુંજે છે. આમ ગુરુની ઓળખ શિષ્યો એ સમાજને આપી છે.

અન્ય સમાચારો પણ છે...