અકસ્માત:બાઇકને અજાણ્યા વાહને ટક્કરે લેતા વિદેશની તૈયારી કરતા યુવાનનું મોત

નવસારી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાંભર પાટીયા પાસે અકસ્માત બાદ અજાણ્યો ચાલક ફરાર

નવસારીમાં ડાંભર પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતા બીલીમોરાના યુવાનનું મોત નિપજ્યુ છે જ્યારે તેની સાથે બાઇક પર સવાર મહિલાને સામાન્ય ઇજા પહોંચી હતી. બીલીમોરામાં દર્શિલ દિનેશભાઈ પટેલ પરિવાર સાથે રહે છે. તેમના મોટાભાઈ ચિત્રાંગ પટેલ (ઉ.વ. 26) હાલમાં ગ્રેજ્યુએટ થઈ વિદેશ જવાની તૈયારી કરતો હતો. નવસારીમાં આવેલા એક ખાનગી કલાસમાં અભ્યાસ કરી વિદેશ જવાની તૈયારી કરતો હતો.

બુધવારે તે રાબેતા મુજબ બપોરે 3.30 કલાકે તેમના પિતાની બાઇક (નં. GJ-21-BP-2892) લઈ નવસારી આવ્યો હતો. સાંજે તે પરત ઘરે જનાર હતો ત્યારે ચિત્રાંગ બાઈક પાછળ રિયાબેન (ઉ.વ.24)ને બેસાડી લઈ ગણદેવી રોડ પર ડાંભર પાટીયા પાસે આવેલા અમર ફાર્મ હાઉસ સામે રોડ પર પસાર થતા અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન પૂરઝડપે હંકારી ચિત્રાંગની બાઇક ને ટક્કર મારી ભાગી છૂટ્યો હતો. આ ઘટનામાં ચિત્રાંગનું ગંભીર ઇજાને પગલે મોત થયું હતું. તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યારે બાઇક પાછળ બેસેલા મહિલાને ઇજા થતા સારવાર માટે પારસી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. મૃતકનો ભાઈ દર્શિલભાઇ પટેલે ગ્રામ્ય પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ કરતા પીએસઆઈ એન.બી. સોલંકી તપાસ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...