માતાજીની આરાધના:શેરી ગરબામાં શણગારેલી માટલીનો ક્રેઝ વધ્યો

નવસારી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીને કારણે ગત વર્ષે ગરબાનું આયોજન શક્ય બન્યું ન હતુ

ગુજરાત અને ગુજરાતીઓના સૌથી મોટા તહેવાર નવરાત્રીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. ભક્તો આતુરતાથી માતાજીની આરાધના કરવા માટે દરેક પ્રકારની અંતિમ તૈયારીમાં લાગી ગયા છે. કોરોનાને કારણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ મોટા આયોજન થનાર નથી, પરંતુ ખેલૈયાઓ તથા ભક્તોને ગરબે ગુમવા માટે શેરી ગરબા પર સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવી છે. નવરાત્રીમાં ગરબાની સાથે માતાજીની મૂર્તિ, માટલી, ચૂંદડી અને શણગારનું પણ અનેરૂ માહત્મ હોય છે.

નવસારીમાં ધીમે ધીમે નવરાત્રીનો રંગ લોકો પર ચડતો નજર આવી રહ્યો છે. લોકો પોતાના શેરી-મોહલ્લામાં નવરાત્રીની ધુમધામથી ઉજવણી કરવા માટે પુરજોરમાં તૈયારી કરી રહ્યાં છે. આ સાથે જ શેરી ગરબામાં માતાજીની મૂર્તિ અને તેમની માટલીની માગમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી શહેરમાં ગણેશજીની મૂર્તિના પ્રમાણે જ અંબે માંની મૂર્તિઓ મૂર્તિકારો બનાવી રહ્યાં છે અને તેની માગ પણ વર્ષેને વર્ષે વધી રહી છે. જોકે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી મૂર્તિકારોને નૂકશાન પણ સહન કરવાનો વારો આવ્યો છે.

જોકે આ વર્ષે માતાજીની મૂર્તિ અને માટલીનો લોકોમાં ક્રેઝ વધવાને કારણે વિક્રેતાઓને સારી આવક થાય તેવી ધારણા પણ બંધાઇ રહી છે. આ વર્ષે માતાજીની મૂર્તિની વાત કરીએ તો મૂર્તિ 2500થી 7000માં વેચાઇ રહી છે, જ્યારે શણગાર કરેલી માટલી 250થી 450ની વચ્ચે વેચાઇ રહી છે. નવરાત્રીમાં મોટા આયોજન પર પ્રતિબંધ હોવાને કારણે વર્ષો જુના શેરી ગરબા ફરીથી આ વર્ષે યોજાનાર છે.

શેરી ગરબાને કારણે માતાજીની આકર્ષક મૂર્તિ અને રંગબેરંગી માટલીની માગ પણ વધી છે. જેના કારણે મૂર્તિ અને માટલી બનાવનાર તથા વેચાણ કરનાર લોકોની આવકમાં ગત વર્ષ કરતા આ વર્ષે આવકમાં વધારો થશે તેવા એંધાણ સર્જાઇ રહ્યાં છે.

ગત વર્ષે ઘણું નુકશાન થયું હતુ
ગત વર્ષે કોરોનાને કારણે નવરાત્રી પર પ્રતિબંધ હોવાને કારણે ઘણું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. આ વર્ષે શેરી ગરબાને કારણે મૂર્તિઓનું વેચાણ વધે તેવી આશા છે. > સુરેશભાઇ બારોલીયા, મૂર્તિ બનાવનાર, કાલિયાવાડી

જમાના સાથે લોકો બદલાઇ રહ્યા છે
નવરાત્રીમાં માટલીનો પણ અલગથી મહિમા છે. લોકો નવા જમાનાની જેમ બદલાઇ રહ્યાં છે. આકર્ષક અને શણગારેલી તૈયાર માટલીનો લોકોમાં ક્રેઝ પણ વધ્યો છે. લોકોને તેમની માગ પ્રમાણે આપીશું તો લોકો બીજી વખત અમારી પાસે આવશે.> ધનસુખભાઇ બારોલીયા, માટલી બનાવનાર, કાલિયાવાડી

અન્ય સમાચારો પણ છે...