તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • The Cordoned Navsari Vegetable Market Is Without Customers, With Shopkeepers Closing The Market With Wooden Platforms And Given Little Time For Trade.

લોકડાઉન ઇફેક્ટ:કોર્ડન કરેલી નવસારીની શાકમાર્કેટ ગ્રાહકો વિનાની, લાકડાના માંચડાથી માર્કેટના રસ્તા બંધ કરાતા અને વેપાર માટેનો થોડો જ સમય આપવામાં આવતા દુકાનદારો માખી મારે છે

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીની મુખ્ય શાકમાર્કેટમાં જવાનો બંધ રસ્તો. - Divya Bhaskar
નવસારીની મુખ્ય શાકમાર્કેટમાં જવાનો બંધ રસ્તો.
  • એક તરફ શહેરભરમાં માર્ગો પર 8 કલાક ધંધાની બિન્દાસ્ત છૂટ અને બીજી તરફ માર્કેટમાં પાલિકાની ઢગલાબંધ પાબંદી

નવસારીની પાલિકા સંચાલિત મુખ્ય શાકમાર્કેટમાં દુકાનો શરૂ કરવાની અધકચરી મંજૂરી અપાતા ત્યાં ગ્રાહકો ફરકતા જ નથી, બીજી તરફ  શહેરભરમાં જ્યાં ને ત્યાં લારી, પાથરણાવાલાને છૂટ અપાઈ છે.

જેનું વિવેકાનંદ વેજીટેબલ માર્કેટ નામકરણ કરાયું એ દૂધીયા તળાવ વિસ્તારમાં નવસારી પાલિકા સંચાલિત શહેરની મુખ્ય શાકમાર્કેટ આવેલી છે. માર્કેટના મકાનમાં 45 જેટલા શાકભાજીના સ્ટોલ, દુકાન છે તો 65 જેટલી કટલરી,કાપડ,ઘરેણાં વિગેરેની દુકાનો પણ છે.આમ તો અહીંની દુકાનો પ્રથમ ત્રણ લોકડાઉન સુધી તો બંધ જ હતી પરંતુ લોકડાઉન 4.0 માં ખોલવાની મંજૂરી અપાઈ હતી અને 10 દિવસથી ખુલી છે. જોકે પાલિકાએ જે રીતે માર્કેટની દુકાનોને અધકચરી છૂટ આપી તેને લઈને અહીં ગ્રાહકો ફરકતા જ નથી. શાકભાજીવાળાને સવારે 8થી 10.30 માત્ર અઢી કલાક અને અન્ય દુકાનદારોને ઉનાળાની ગરમીના બપોરે 11 થી 4 ધંધાની છૂટ અપાઈ છે.આ ઉપરાંત માર્કેટમાં જવાના મુખ્ય રોડ પરના રસ્તા લાકડાના માચડાથી બંધ કરાયા છે. માત્ર એક બાજુ નહીં ચારેબાજુથી માર્કેટ કોર્ડન કરવામાં આવ્યું છે. જેને લઈને ઘણા લોકોને માર્કેટ ચાલે છે કે બંધ તે ખબર પડતી નથી અને માર્કેટમાં જવાની મુશ્કેલી પડતા માર્કેટની દુકાનોમાં નહિવત ગ્રાહકો જોવા મળે છે.જ્યાં શહેરની મુખ્ય શાકમાર્કેટમાં ગ્રાહકો જતા નથી ત્યાં બીજી તરફ આખા શહેરમાં માર્ગો પર જ્યાં ને ત્યાં લારી,પાથરણાવાળાને દિવસમાં 8 કલાક ધંધાની છૂટ છે.

મહત્તમ શાકભાજી સ્ટોલ બંધ
નવસારીની શાકમાર્કેટમાં 45 જેટલા સ્ટોલ શાકભાજીના વિતરણ માટે છે, જેમાં ગત ગુરૂવારે મંજૂરી મળતા અનેક શરૂ થયા હતા, બાદમાં ધંધો ન થતા હાલ માંડ 8થી 10 જ ચાલી રહ્યાનું જાણવા મળે છે. જે ચાલે છે તેમાં પણ નહીવત ધંધો થઇ રહ્યો છે.

સમય વધારો, રસ્તા ખોલો
 8થી 9 વાગ્યા સુધી શાકભાજી ગોઠવીએ અને 10 વાગ્યે બંધ કરવાની તૈયારી કરવી પડે છે. ધંધો નથી અને નુકસાની પણ થાય છે. ખરેખર સમય વધારવો જોઈએ અને બંધ રસ્તાઓ ખોલવામાં આવે તો ધંધામાં પણ ફરક પડે તેવી શકયતા છે.> સંજય ઢીમ્મર, શાકભાજી વિક્રેતા, શાકમાર્કેટ

4 દિવસથી ઘરાકી જ નથી
 અમારી દુકાન શાકમાર્કેટમાં 25 વર્ષથી છે, આવી ધંધાની ખરાબ સ્થિતિ જોઈ જ નથી. છેલ્લા 4 દિવસની વાત કરીએ તો ગ્રાહકો ન મળતા બોણી પણ થઇ નથી-ફિરોઝ યુનુસ રંગરેજ, માર્કેટમાં મોટો જનરલ વિક્રેતા

લોકડાઉનમાં માંડ 5 ટકા જ ધંધો
 લોકડાઉનમાં જયારથી દુકાન ખોલવાની મંજૂરી મળી ત્યારથી ખાસ ધંધો થયો જ નથી. સામાન્ય દિવસોમાં જે ધંધો થાય છે તેને જો 100 ટકા ગણીએ તો હાલ તો માત્ર 5 ટકા જ ધંધો થઈ રહ્યો છે. ધંધો ચાલતો જ નથી. તેથી મુશ્કેલી વધી છે.-પરવેઝ મેમણ, કાપડ દુકાનદાર, નવસારી મુખ્ય શાકમાર્કેટ

અન્ય સમાચારો પણ છે...