તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસર:કોરોનાથી રંગબેરંગી માટલીનો રંગ બેરંગ બન્યો

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર સમય સૂચકતા વાપરી ગાઇડલાઇન જાહેર કરે તેવી નાના વેપારીઓની માગ

હાલમાં તહેવારોની સીઝન શરૂ થઇ ચુકી છે. જન્માષ્ટમીને ગણતરીના જ દિવસો બાકી છે. આવા સમયમાં સરકારે તહેવારો બાબતે વહેલા ગાઇડલાઇન જાહેર ન કરતા ગતવર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી તહેવારની માલ-સામગ્રી વેચાણ કરતા નાના ધંધાર્થીઓ અસમજંસમાં મુકાયા છે. કોરોનાએ ગત વર્ષે તહેવારોની મજા ફિક્કી કરી દીધી હતી. તેમ આ વર્ષે સંભવિત ત્રીજી લહેરને કારણે તહેવારો પર તેની અસર જોવા મળી રહી છે. નવસારીમાં વર્ષોથી જન્માષ્ટમી અને નવરાત્રીમાં રંગબેરંગી માટલીનું ઘણું મહત્વ હોય છે.

વેપારીઓ અવનવી માટલીઓ બનાવીને બજારમાં વેચતા હોય છે. શહેરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે આશરે 500 થી 700 નાની-મોટી માટલીઓનું વેચાણ થતું હતું, જોકે ગત વર્ષથી શરૂ થયેલા કોરોનાનું ગ્રહણ તહેવારો અને તેનાથી કમાણી કરતા વેપારીઓ પર લાગતા લોકોને ઘણું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. આ વર્ષે પણ સરકારે ગાઇડલાઇન જાહેર કરી જાહેરમાં માટલી ફોડવા પર પ્રતિબંધ લાદતા 30% જેટલો જ વેપાર ભૂતકાળના વર્ષોની સરખામણીમાં થયો છે.

આ ઉપરાંત સરકારે ગાઇડલાઇન ગણતરીના દિવસો રહેતા જાહેર કરી હોવાને કારણે નાના વેપારીઓએ રોકાણ કરેલ માલ ફરીથી આ વર્ષે મુકી રાખવો પડશે. જેના કારણે તેમને નુકસાન વેઠવું પડશે. જે હાલના કોરોના સમયમાં તેમને પોસાય તેમ નથી. માટલી વિક્રેતાઓનું માનવું છે કે, તહેવારો અંગેના નિર્ણયો સરકારે પહેલાથી લઇને તેની ગાઇડલાઇન જાહેર કરી દેવી જોઇએ.

આ વર્ષે ફક્ત 100 માટલી જ બનાવી છે
અમે છેલ્લા 10 વર્ષેથી રંગબેરંગી માટલી બનાવીને તેનું વેચાણ કરતા હતા અને 250થી વધુ માટલીનું વેચાણ થતું. આ વર્ષ સરકારની ગાઇડલાઇનને ધ્યાને રાખીને ફક્ત 100 માટલી જ બનાવી છે. ગત વર્ષે પણ જન્માષ્ટમી ન ઉજવાતા અમને આર્થિક નુકશાન વેઠવું પડ્યું હતું.- માધુરીબેન મિસ્ત્રી, રંગબેરંગી માટલી બનાવનાર

અત્યાર સુધીમાં માત્ર 30 ટકા ધંધો થયો છે
દર વર્ષની સરખામણીમાં આ વર્ષે 30 ટકા જેટલો જ ધંધો થયો છે. પહેલા રંગબેરંગી માટલી ખરીદવા લોકો પડાપડી કરતા હતા. કોરોનાને કારણે અમારા ધંધા પર માઠી અસર પહોંચી છે. સરકાર સમયસર ગાઇડલાઇન જાહેર કરે તો અમારા જેવા નાના વેપારીઓને માલ ભરવાની અને સંગ્રહ કરવાની સરળતા રહે. - પ્રવિણભાઇ મિસ્ત્રી, માટલી વિક્રેતા

અન્ય સમાચારો પણ છે...