તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:નવસારી જિલ્લામાં કોરોનાનો મૃત્યુ આંક નીચે આવતા સ્મશાન ગૃહની ભઠ્ઠીઓ શાંત થઈ

નવસારી6 દિવસ પહેલા
  • બીજી લહેરમાં પ્રતિદિન આવતા 30થી 45 મૃતદેહો આવતા હતા

નવસારી જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલમાંથી નીકળતા મૃતદેહો નિરાશા અને હતાશા જન્માવનારા હતા. ચારેકોર એમ્બ્યુલન્સની સાયરન જાણે મોતના ઘંટનાદ જેવો આભાસ ઉભો કરતી હતી. કોરોનામાં રેમડેસિવિર અને ઓક્સિજનની અછત બાદ સૌથી વધુ ચર્ચા સ્મશાનોમાં લાગેલી મૃતદેહોના વેઈટીંગની હતી. પણ હવે નવસારી જિલ્લામાં કોરોનાનો મૃત્યુ આંક નીચે આવતા સ્મશાન ગૃહની ભઠ્ઠીઓ શાંત થઈ છે.

વિરાવળ પાસે આવેલા સ્મશાનગૃહમાં હાલ સુખદ શાંતિ

કોરોના સારવાર દરમિયાન મૃત્યુ પામનાર યુવાનો અને વૃદ્ધોના અવસાનનો કલ્પાંત હજી શમ્યો નથી. પણ બીજી તરફ કોરોના કેસમાં તબક્કાવાર અને સુખદ કહી શકાય તેવો ઘટાડો હાલમાં નોંધાયો છે. જેને કારણે સ્મશાન ગૃહમાં કોરોનાની બીજી લહેરમાં 24 કલાક ધગધગતી ભઠ્ઠીઓની જ્વાળા શાંત જોવા મળી રહી છે.નવસારી શહેરમાં આવેલા સૌથી મોટા અને પ્રમુખ સ્મશાનગૃહ એટલે વિરાવળ પાસે આવેલા સ્મશાનગૃહમાં હાલ સુખદ શાંતિ ભાસી રહી છે. એક સમયે રોજના 30 થી 45 જેટલા મૃતદેહ આ સ્મશાન ગૃહમાં આવતા હતા. જેમાંથી 20 થી 25 જેટલા કોરોનામાં મૃત્યુ પામેલા મૃતદેહોઓનો અગ્નિસંસ્કાર કોવિડ પ્રોટોકોલ મુજબ થતો હતો. કેટલીક વખત કોરોના મૃતદેહની સંખ્યા વધતા વેઇટિંગ પીરિયડ પણ આ સ્મશાન ગૃહે જોયો છે. ભઠ્ઠીની ગરમીને કારણે અનેક વખત કામગીરી ખોટકાયા ના સમાચારો પણ વહેતા થયા હતા. આવા અનેક અનુભવો વિરાવલ સ્મશાન ગૃહે અનુભવ્યા છે અને જોયા છે.

કર્મચારીઓનું સરકારી રાહે આજ સુધી સન્માન થયું નથી

વિરાવળ સ્મશાનગૃહના પ્રમુખ ચીમનભાઈ ગાંધીના જણાવ્યા મુજબ હાલમાં કોરોના કેસમાં ઘટાડો થતાં કોરોનાને કારણે થતા મૃત્યુદર પણ નજીવો થયો છે. હાલમાં જિલ્લામાં રોજ આઠથી દસ મૃતદેહો આવે છે. જેમાંથી બે થી ત્રણ જેટલા જ કોરોનાને કારણે મૃત્યુ પામેલા હોય છે. આ સ્મશાન ગૃહમાં કામ કરતા કર્મચારીઓ સન્માનને પાત્ર છે. તેમણે સરકાર કે સંસ્થા કામગીરીની નોંધ કરે છે કે કેમ તેની દરકાર કે સન્માનની અપેક્ષા વગર સતત સવારે 6થી રાત્રિના 12 વાગ્યા સુધી મૃતદેહોના અગ્નિસંસ્કારની કામગીરી ઉત્સાહ સાથે અને થાક્યા વગર કરી છે. પણ આ તમામ કર્મચારીઓનું સરકારી રાહે આજ સુધી સન્માન થયું નથી કે તેમને કોઈ સહાય આપવામાં આવી નથી. તેવો ખેદ પ્રમુખે વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...