પરંપરાની જાળવણી:બાળકોને ગોવાળિયા-વાઘ બનાવી દેવપૂજા કરાઇ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીખલીના ખાંભડા ગામે આદિવાસી પરંપરા પ્રમાણે વાઘબારસની ઉજવણી

ચીખલી તાલુકાનાં ખાંભડા ગામે દેસાઈ ફળિયા નહેરનાં ઓવારા પાસે આદિકાળથી ચાલતી આદિવાસી રૂઢિપ્રથા અનુસાર વાઘબારસની ઉજવણી ખાંભડા રૂઢિપ્રથા ગ્રામસભાનાં અધ્યક્ષ રમેશભાઈ મગનભાઈ પટેલ અને આદિવાસી ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી. જેમાં આદિવાસીના દેવી-દેવતાઓમાં વાઘદેવ, ગોવાળદેવ, સીમારીયો દેવ, ભોવાની માતા, ગરાસીયા દાદા, બરમ દેવની સ્થાનકે પૂજા કરવામાં આવી હતી. જેમાં બાળકોને ગોવાળિયા દેવ અને વાઘદેવ પ્રતિક બનાવી પૂજાપો ચઢાવવમાં આવ્યા હતા.

ખાંભડા ગામના રૂઢિગત ગ્રામસભાના મુખી રમેશભાઈ પટેલે જણાવ્યું કે આદિવાસી સમાજમાં વાઘબારસની ઉજવણી વિશિષ્ટ રીતે થતી હોય છે, અનેરા ઉત્સાહમાં પશુઓને પણ રંગરોગાન કરી સજાવવામાં આવ્યા હોય છે. શિંગડા ગેરુંથી રંગવામાં આવ્યા હોય છે. સંપૂર્ણ તર્ક આધારિત અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આધારિત પરંપરા સાથે વનઔષધિ તેમજ જંગલી પ્રાણીઓ સાથે સુમેળભર્યા વ્યવહારની આ પર્વની ઉજવણી આદિવાસીઓ દ્વારા આદિકાળથી પરંપરાગત રીતે થતી આવી છે.

વાઘ બારસની ઉજવણીમાં પરંપરાગત રીતે વન ઔષધિઓનો પાલતુ પશુ ઉપર તેમજ કોઢમાં પણ છંટકાવ કરવામાં આવે છે, વાઘ બારસના દિવસે વાઘદેવના સ્થાનકે કે પછી જ્યાં પાળતુ પશુઓ ગાય-ભેંસ કે ઘેટા બકરા લઈને સૌ પહોંચી જાય, પહેલેથી પૂજા સામગ્રી એકઠી કરી હોય અને ભગત દ્વારા પૂજન કરવામાં આવે (ભગત એટલે ઔષધિય તેમજ વિવિધ રીત રિવાજનો જાણકાર માણસ, ઔષધિ બનાવવામાં આવે એ વિવિધ રોગ સામે રક્ષણ આપતી ખુબજ અસરકારક હોય છે.) પૂજન સમયે ગોવાળોમાંથી એક વાઘ અને બીજો ભાલડું બને, આ પ્રતિકાત્મક વાઘ અને ભાલડું બનવાનું એક સૌભાગ્ય સમાન હોય છે

હાજર રહેલા દરેક આદિવાસીઓમાં આ પૂજન સમયે અનેરો ઉત્સાહ હોય છે. ભગત વિધિ કરાવે છે. જેમાં આસપાસના ગામોમાં જંગલી પ્રાણીઓએ માનવી કે પાલતુ પશુઓ પર હુમલા કર્યા હોય એનું વર્ણન પણ કરવામાં આવે છે, બનેલ વાઘ અને ભાલુડાને કમરે કાપડમાં પાનગા/ભાખરા તેમજ કાચા ચોખા બાંધી આપવામાં આવે છે. પૂજા સ્થળે આ બંનેને તિલક કર્યા બાદ ત્યાં લાવવામાં આવેલ પશુઓને તે જગ્યાએ ભેગા પ્રદક્ષિણા કરવામાં આવે છે. એ સમયે ઔષધિઓનો છંટકાવ કરવામાં આવે છે.

વિધિઓના અંતે ‘વાઘ આવ્યો.... વાઘ આવ્યો’ ની બૂમ પડે ત્યારે વાઘ અને ભાલુડું બંને ભાગવા માંડે ત્યારે તેમની ઉપર ચેવટા નો મારો વરસાવે છે આમાંથી બચીને એ બંને જંગલ બાજુ ભાગી જાય છે. ત્યારબાદના અંતે લોટમાંથી બનાવેલ પાનગા, ભાખરાનું (પાનગા, ભાખરાએ આદિવાસીઓનું સર્વપ્રથમ પકવેલ ગોળ રોટલા બનાવી પાનમાં બાંધી ને આગ પર શેકવામાં આવે છે પકવેલ ધાન્ય ખોરાકને આદિવાસીઓ આજ સુધી આ રીતે જાળવી રાખે છે) સમૂહ ભોજન થાય અને વધેલું વનઔષધ લોકો ઘરે લઈ જઈને જ્યાં પશુઓ રાખતા હોય ત્યાં છંટકાવ કરે છે. વાઘ બારસના દિવસે આદિવાસી પરંપરા મુજબ વિધિ કરવામાં આવી હતી.

વાઘબારસ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આધારિત છે
આદિવાસી સમાજની પરંપરાઓમાં જ્ઞાન, વિજ્ઞાન, મનોવિજ્ઞાન અને ઔષધિય જ્ઞાનનો સમન્વય જોવા મળે છે. આદિવાસીઓના વિવિધ પર્વમાં, પ્રકૃતિચક્ર આધારિત માનવજીવન સુવ્યવસ્થિત પાસા સાથે વણાયેલું હોય છે. આદિકાળથી પેઢી દર પેઢીથી આદિવાસી સમાજ ‘વાઘ બારસ’ ઉજવાતો આવ્યો છે. આ પર્વ સાથે ચોક્કસ માન્યતા અને વણાયેલી હોય છે જે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આધારિત છે. આદિવાસી વિસ્તારમાં થઈને વિવિધ પર્યટન સ્થળોએ જતા રસ્તામાં વાઘ દેવનું સ્થાનક જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...