ખેડૂતોની હાલત કફોડી:બદલાયેલા વાતાવરણે ચીકુના પાક ઉપર ગ્રહણ લગાડ્યું, ઉત્તર ભારત તરફ જતા ચીકુની ગુણવત્તા બગડતા ભાવ પર સીધી અસર

નવસારી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર ભારતમાં મોટી સંખ્યામાં નિકાસ થતા દક્ષિણ ગુજરાતના ચીકુ પાકના માથે ગ્રહણ બેઠાની સ્થિતિ નિર્માણ થઈ છે. ટ્રેન તથા રોડ માર્ગે દક્ષિણ ગુજરાતના ચીકુ મહારાષ્ટ્ર દિલ્હી તથા ઉતરપ્રદેશના બજારોમાં ઠાલવાય છે પરંતુ હાલમાં ખેડૂતોને ઉત્તર ભારત તરફ ચીકુ મોકલવા માટે ટ્રાન્સપોર્ટેશનની પણ તંગી વર્તાઈ રહી છે ટ્રેન દ્વારા પણ જે ચીકુ મોકલાય છે તે અધવચ્ચે જ પાકી જાય છે જેને કારણે ખેડૂતોને તેના યોગ્ય ભાવ મળી શકતા નથી અને નુકસાન ભોગવવાનો વારો આવે છે.

ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસર ચીકુના પાક પર થઈ છે. હાલમાં હવામાનમાં આવેલા બદલાવને કારણે ચીકુનું ફળ ઝાડ ઉપર જ પાકી રહ્યું છે જેને કારણે તેની સીધી અસર ગુણોત્તર પર પડે છે આવક સામે માંગ ઓછી રહેતા તેની સીધી અસર ભાવ પર જોવા મળી રહી છે. ફળ નાનું અને પરિપક્વ હોવાના કારણે બજારમાં કિંમત ઘટી છે જે ચીકુના એક મણ ના 800 થી 1000 ભાવ મળવાપાત્ર હતા એ ઘટી ને 200 કે 300 જ સુધી સીમિત રહ્યા છે.માર્ચ મહિના દરમિયાન બજારમાં ચીકુ સિવાય મોટેભાગે અન્ય ફળો બજારમાં આવતા નથી જેના કારણે ખેડૂતોને માર્ચ મહિનામાં સારા ભાવ મળતા હોય છે પરંતુ બદલાયેલા વાતાવરણના કારણે ચીકુના પાકને માટી અસર થઈ છે અને જેના કારણે ખેડૂતોએ મોટી ખોટ સહન કરવાનો વારો આવ્યો છે.

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી અમલસાડ મંડળી માંથી રોજ લાખો ટન ચીકુનું નિકાસ કરવામાં આવે છે અત્યારે મંડળીમાં 10,000 મણ ચીકુની આવક રોજની થઈ રહી છે જેની સામે જાવક ઘટી રહી છે કારણ કે અમલસાડથી દિલ્હી મહારાષ્ટ્ર જયપુર જેવા રાજ્યોમાં લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશન માટે ટ્રકો મળી નથી રહ્યા અને ટ્રેન સેવા જે શરૂ કરવામાં આવી છે એ ટ્રેનમાં પૂરતા પ્રમાણમાં જથ્થો ન જતા આ વખતે મંડળીએ અંદાજિત 10 લાખ રૂપિયાની ખોટ કરવાનો વારો આવ્યો છે. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ અને માવઠાની અસરની આગાહી કરવામાં આવી હતી જેના ભાગરૂપે નવસારી જિલ્લાના જલાલપુર ગણદેવી સહિતના તાલુકામાં રાત્રિ સમયે કમૌસમી વરસાદ વરસ્યો હતો જેને લઇને કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા તો વધી છે અને આ વખતે કેરી અને ચીકુ નો પાક ફરીથી નિષ્ફળ જાય એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે હવામાન વિભાગની આગાહીના પગલે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પહેલા જ દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા હતા. ખેતીવાડી વિભાગમાં અત્યાર સુધી ખેતીમાં નુકસાન અંગેની કોઈ ખેડૂતે માહિતી આપી નથી પરંતુ જો ખેડૂતો પાસેથી આની માહિતી મળશે તો આગામી સમયમાં ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. વાતાવરણમાં સતત થતા અનિચ્છનીય ફેરફારો જેની સીધી અસર ખાસ કરીને બાગાયતી પાકો ઉપર જોવા મળી રહી છે. ત્યારે છેલ્લા પાંચ વર્ષથી નિષ્ફળ જતી કેરી અને ચીકુ નો પાક ઉપર પણ આ વખતે કમોસમી વરસાદનું ગ્રહણ લાગ્યું છે જેને લઇને ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ તમામ પરિસ્થિતિમાં સરકાર ખેડૂતોની વ્હારે આવે તેવી માંગ ઉઠવા પામી છે .

અન્ય સમાચારો પણ છે...