નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મિંઢાબારી ગામનો એક ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં મિંઢાબારી ગામે આજે મંગળવારે સવારે એક નવપરિણીત યુવક પોતાના લગ્નની ગિફ્ટ ખોલી રહ્યો હતો. તે સમયે એક ટેડીબેર જેવું ગિફ્ટ ચેક કરવા જતાં અચાનક તેમાં ધડાકો થયો હતો, જેમાં વરરાજા અને તેના ભત્રીજાને ગંભીર ઇજાઓ થવા પામી હતી.બ્લાસ્ટ બાદ નવસારી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને એફએસએલની મદદ લઈ બ્લાસ્ટમાં વપરાયેલા સાધનોની તપાસ કરવામાં આવી હતી. આ બ્લાસ્ટ ડિટોનેટરથી કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે.
ટેડીબેર જેવા ઇલેક્ટ્રોનિક ગિફ્ટમાં થયો ધડાકો
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મિંઢાબારી ગામના યુવક લતેશ ગાવિતના ગત 12મી મેના દિવસે લગ્ન હતા. ત્યારે આ અંગે યુવકના સસરાએ જણાવ્યું હતું કે તેમની નાની દીકરી અને જમાઇ આજે સવારે ગિફ્ટ ચેક કરી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. જેમાં તેમની મોટી દીકરીના પૂર્વ પ્રેમી રાજૂ ધનસુખ પટેલે આરતી પટેલ નામની આશા વર્કર દ્વારા આ ટેડીબેર જેવું ઈલેક્ટ્રોનિક ગિફ્ટ મોકલાવ્યું હતું. વધુના પિતાએ આગળ એ પણ જણાવ્યું હતું કે તેમની મોટી દીકરી તેના પ્રેમીને છેલ્લા કેટલાક સમયથી નહોતી બોલાવતી, જેથી કરીને તે શખ્સે આ કૃત્ય આચર્યુ હોવાની આશંકા છે.
વરરાજાની આંખ-ડાબા હાથનું કાંડું ઘરે જ તૂટી ગયું
આજે સવારે વરરાજાનો પરિવાર લગ્નમાં આવેલા તમામ ગિફ્ટ ચેક કરી રહ્યો હતો. ત્યારે ટેડીબેર જેવા દેખાતા ગિફ્ટમાં રહેલા વાયરને સોકેટમાં નાખતા જ ધડાકો થયો હતો. જેમાં વરરાજાની આંખ અને ડાબા હાથનું કાંડું ઘરે જ તૂટી ગયું હતું. વરરાજાને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે અને 3 વર્ષીય ભત્રીજા જિયાંશ પંકજ ગાવિતને કપાળમાં ફ્રેક્ચર થતાં તેને વાંસદાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ કેસમાં વરરાજાની આંખમાં 100 ટકાની ડેમેજ થવાની સંભાવના ડોક્ટરો દ્વારા જોવાઇ રહી છે.
ગિફ્ટ મોકલનારો વ્યક્તિ શંકાના દાયરામાં
આ સમગ્ર ઘટનામાં ગિફ્ટ મોકલનારા પૂર્વ પ્રેમી રાજૂ ધનસુખ પટેલ શંકાના દાયરામાં છે. આ અંગે વાંસદા પોલીસે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છે અને પરિવારના લોકોના નિવેદન નોંધવાની શરૂઆત કરી છે. હાલમાં પરિવારના ઘરે FSLની ટીમ સર્વે માટે દોડી ગઈ છે અને આ સમગ્ર મામલે તપાસ શરૂ થઈ છે.
ડિટોનેટરથી બ્લાસ્ટ કરાયાની આશંકા
રમકડાંમાં બ્લાસ્ટ બાદ નવસારી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. એફએસએલની મદદ લઈ બ્લાસ્ટમાં વપરાયેલા સાધનોની તપાસ કરવામાં આવી હતી. એફએસએલના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લઈ પુરાવાઓ એકત્રિત કર્યા હતા. આ બ્લાસ્ટ ડિટોનેટરથી કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે.
ફર્સ્ટ પર્સન: ભાઇ અને તેમના છોકરાને મોઢા પર ઇજા થઇ છે
અમારા ઘરમાં લગ્નના ગીફ્ટ ખોલતા હતા ત્યારે બ્લાસ્ટનો અવાજ આવતાં હું જોવા જતા મારા ભાઈ અને ભાઈનો ત્રણ વર્ષના છોકરાે લોહીલુહાણ હાલતમાં નજરે પડ્યાં હતા. જ્યારે લતેશની પત્ની સલમા અને જીયાંશની માતા બેભાન થઈ ગઈ ગતી. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે બારી અને કબાટના કાચ પણ તૂટી ગયા હતા.- અમિતા ગાવિત, ઈજાગ્રસ્તની બહેન
મોટી છોકરીના પ્રેમીએ આ ગીફ્ટ આપી હતી
ગિફ્ટ ખોલતી વેળાએ અચાનક બ્લાસ્ટ થતા મારી છોકરી એનો પતિ અને નાનકડા બાળકને ઇજા થઇ છે. ગીફ્ટ ઉપર નામ રાજુ ધનસુખ પટેલ (રહે. કંબોયા, તળાવ ફળિયુ) હતું. મારી મોટી છોકરી સાથે એનો અગાઉ પ્રેમસંબંધ હતો. તેણે જ બદલો લેવા માટે આ રમકડું મોકલ્યું હતું. એના વિરુદ્ધ વાંસદા પોલીસમાં ફરિયાદ કરી છે.પોલીસ તપાસ કરી રહી છે. - હરીશચંદ્ર ગવળી, ઈજાગ્રસ્તના સસરા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.