ચીખલીની ઘટના:બાઈક ચોરી કરીને 15 દિવસ બાદ વેચવા કાઢી, મુળ માલિક જ ખરિદવા આવતા ચોરનો દાવ થઈ ગયો

નવસારી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઈક ચોર કેટલીક નિશાની કાઢવાનું ભૂલી જતા મુળ માલિકને બાઈકની ઓળખ થઈ
  • બાઈક માલિકે પોલીસને જાણ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી

નવસારીમાં ચીખલી તાલુકાના નોગામા ગામે મેળામાંથી એક શખ્સના બાઈકની ચોરી થઈ હતી. ત્યારે આ બાઈક અનોખી રીતે પાછી મળી આવી હતી. બાઇકના રોકડા કરી અધીરા બનેલા ચોરે બાઈક વેંચવા કાઢી હતી. ત્યારે જેની બાઈક ચોરાઇ હતી, એ જ શખ્સ બાઈક લેવા પહોંચી જતા ચોર પકડાયો હતો.

ચીખલીના નોગામા ગામમાં કાળી ચૌદશનો મેળો ભરાય છે. આ મેળામાં દેગામના ધોડીયાવાડનો સ્નેહલ સુરેશભાઈ પટેલ પોતાની બાઈક લઈને પરિવાર સાથે ગયો હતો. ત્યાંથી તેઓની બાઇકની ચોરી થઈ હતી. જેથી તેઓએ બાઇકની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન કોઈ મિત્ર દ્વારા જાણવા મળ્યું કે, રમેશભાઈ ઉર્ફે ભીખુભાઈ મગનભાઈ નાયકા તેની પાસે રહેલી જૂની બાઇક વેચવાનો છે. જેથી સ્નેહલ મિત્ર સાથે બાઈક જોવા ગયો હતો.

બાઇક જોતાની સાથે જ કેટલીક નિશાની જોતા આ બાઈક પોતાની હોવાની ખબર પડી હતી. જોકે, તે દિવસે સ્નેહલ પટેલે વાતને દબાવી રાખી બીજા દિવસે બાઇક લેવા ગયો હતો, પરંતું બાઇક ચોર રમેશ નાયકા ઘરે ન મળતા ફરી બીજા દિવસે બાઇક લેવા ગયો હતો. જ્યાં ફરી પોતાની બાઇકની ઓળખ સાથે ખાતરી કરી ચીખલી પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે આ યુવાન સાથે ગામમાં જઈને બાઇકની ખાતરી કરતા સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાયો હતો.આ ચોરીમાં બાઇક ચોરે નંબર પ્લેટ સહિત કેટલીક નિશાનીઓ છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ બાઈકમાં રહેલી કેટલીક નિશાની મૂળ બાઈકના માલિકે ઓળખી કાઢી હતી. જેને લઇને આ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. ચોરીનો આ ભેદ ઉકેલાવાની સાથે ચીખલી પોલીસ સહિત સમગ્ર પંથકમાં રમૂજ અને આશ્ચર્ય થયું છે, આવો પ્રકારના કિસ્સાઓ જવલ્લે જ બનતા હોય છે ત્યારે ઈસમે ચોરી કરવામાં તો સફળતા મેળવી પણ ધીરજ રાખ્યા વગર તેને વેચવા કાઢતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હાલ અને હાલ તે જેલના સળીયા પાછળ ધકેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...