ગામડામાં પણ વિકાસ અધૂરો:બારતાડ ગ્રામ પંચાયત મકાનની કામગીરી કોન્ટ્રાકટરે અધૂરી છોડતા અરજદારોને હાલાકી

ઉનાઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતના મકાનમાં હલકી કક્ષાનું મટિરિયલ વપરાતું હોવાની ગ્રામજનોની રાવને લઇ સરપંચે યોગ્ય મટિરીયલ વાપરવાની તાકીદ કરી હતી

વાંસદા તાલુકાના બારતાડમાં અંદાજીત 14 લાખ ખર્ચે મંજૂર થયેલ પંચાયત મકાનનું બાંધકામ છેલ્લા બે મહિનાથી કોન્ટ્રાક્ટરના પાપે ખોરંભે પડી ગયું છે. આ અંગે સરપંચે કોન્ટ્રકટરને કામ ચાલુ કરવા અનેક વખત જાણ કરવા છતાં બે મહિનાથી કોન્ટ્રાકટર મકાનની કામગીરી ટલ્લે ચઢાવતા અરજદારોને મુશ્કેલીમાં વધારો થયો છે.જેને લઈ તંત્ર દ્વારા કોન્ટ્રકટર પાસે તાત્કાલિક ધોરણે કામ પૂરું કરાવે એવી લોકમાંગ ઉઠી છે.

વાંસદાના બારતાડમાં છેલ્લા ઘણા સમયથી ગ્રા.પં.નું મકાન ખખડધજ અને બિસ્માર હાલતમાં હતું. પંચાયત મકાન નવિન બને અને તલાટી, સરપંચ તેમજ ગ્રામજનોને સુવિધાઓ મળે તે હેતુથી વારંવાર રજૂઆત બાદ વહીવટી તંત્ર દ્વારા અંદાજે 14 લાખના ખર્ચે મકાન મંજૂર કર્યા બાદ કામ શરૂ કર્યુ હતું. કોન્ટ્રકટરે થોડો સમય રાબેતા મુજબ કામ કર્યા બાદ આ કોન્ટ્રાક્ટરે ચણતર સહિત સ્લેબ જેવી કામગીરીમાં ધૂળિયા-રેતી વાપરતો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ હોબાળો મચાવતા સરપંચે તાત્કાલિક કામગીરી બંધ કરાવી કોન્ટ્રકટરને સૂચના આપી સારી ગુણવત્તાની રેતી વાપરવાનું જણાવ્યું હતું.

જેથી કોન્ટ્રકટરે કામગીરી જ બંધ કરી દીધી હતી નવાઈની વાત તો એ છેકે કોન્ટ્રાક્ટરે કામગીરી બંધ કરીને બે મહિના સુધી નજરે નહીં પડતા મકાનનું કામ ખોરંભે ચઢતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. બે મહિનાથી મકાનની કામગીરી અટકી પડી છે ત્યારે તંત્ર વિકાસની વાતો કરે, પ્રધાનમંત્રી મોડલ ગ્રા.પં.ની વાતો કરે છે પરંતુ જે ગ્રા.પં.નું કામ છેલ્લા 2 માસથી બંધ છતાં કોન્ટ્રાકટરના ઠેકાણા નહીં હોય આ તો કેવો વહીવટ એવી ચર્ચા ગામમાં ઉઠી છે. હવે આ નવા વર્ષમાં ગ્રા.પં.નું મકાન બનશે કે નહી તે જોવું રહ્યું.

સારી રેતી વાપરવા સૂચના આપી હતી
આ રેતીની ગુણવત્તા યોગ્ય નહીં હોવાથી કામ બંધ કરાવવા માટે કોન્ટ્રાક્ટરને જણાવ્યું હતું. કામગીરીમાં વાપરવામાં આવતી રેતીમાં પણાનો ભાગ વધુ હોવાથી નવા મકાનના બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઉભા થતા કોન્ટ્રાકટરને રેતી બદલવા માટે જણાવ્યુ હતું અને સારી ગુણવત્તાની રેતી વાપરવા તાકીદ કરી હતી.> ગીતાબેન કુંકણા, સરપંચ, બારતાડ

કામગીરીનું ટેસ્ટીંગ કરી યોગ્ય કાર્યવાહી કરે એવી માગ
ગ્રામ પંચાયતના નવા મકાન નિર્માણમાં કોન્ટ્રકટર હલકી કક્ષાના મટિરિયલ વપરાતા સરપંચને મૌખિક ફરિયાદ કરી હતી. કોન્ટ્રાકટરે પોતાની મનમાની ચલાવી ફરી માટી મિશ્રિત રેતી વાપરીને કન્ટ્રક્શનનું ઘણું બધું કામ કર્યું હોવાથી આ કામગીરીનું ટેસ્ટિંગ કરાવી યોગ્ય કાર્યવાહી કરે એવી ગ્રામજનોની વતી અમારી માંગ છે. > વિનોદભાઈ ગામીત, સ્થાનિક

બાકી રહેલી કામગીરી શરૂ થવી જોઈએ
જૂનું મકાન તોડી નાંખ્યા બાદ ગામની પંચાયતની વહીવટી કામગીરી અવાર-નવાર પંચાયતની મિટિંગ યોજવામાં પણ ઘણી હાલાકી વેઠવી પડે છે. ઉપરાંત ગ્રા.પં.ના રેકર્ડ પણ સાચવવામાં ભારે હાડમારી વેઠવી પડે છે. ગામમાં વિવિધ કામગીરી અર્થે આવતા અરજદારોએ પણ મુશ્કેલી વેઠવી પડે છે.વહેલી તકે નવા મકાનની બાકી રહેલ કામગીરી શરૂ થવી જોઈએ. > અશોકભાઈ ગામીત, ડે. સરપંચ, બારતાડ

અન્ય સમાચારો પણ છે...