તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેમિકલ ચોરી:ચીખલીમાં હાઈવે પાસે ચાલતા ગેરકાયદેસર કેમિકલના કારોબાર પર રેડ, આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેમિકલ અને ખાલી બેરલ મળી 20 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે

નેશનલ હાઇવે નંબર 48 પર કેમિકલ ચોરીનો વેપાર મોટાપાયે ફૂલ્યોફાલ્યો છે. ગત દિવસોમાં સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે ચીખલીમાંથી કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ પકડયા બાદ ગત રાતે ચીખલી પોલીસે પણ આલીપુર નજીક ગેરકાયદે ચાલતા કેમિકલ ચોરીના વેપલા પર છાપો મારી કેમિકલ અને ખાલી બેરલ મળી 20 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જોકે પોલીસને જોઈ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થતાં તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરી તેને બેરલ ભરીને વેચી મારતો

નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાની ફરિયાદો ઉઠી છે. જેમાં કંપનીઓમાંથી નીકળતા કેમિકલના ટેન્કરોમાંથી કેમિકલ ચોરી અને લોખંડના સળીયાની ચોરીઓ મુખ્ય છે. ત્યારે ચીખલી પોલીસે ગત રાતે બાતમીના આધારે ચીખલીના આલીપોર ગામે વાંદરી ફળિયામાં રહેતા પ્રકાશ માંગીલાલ ખટીકના અલીપોરમાં આવેલા ધંધા પર છાપો મારી કેમિકલ ચોરી પકડી પાડી છે. પ્રકાશ ખટીક હાઇવે પરથી જતા કેમિકલ ટેન્કરોના ડ્રાઇવર અને કંડકટરને લાલચ આપીને ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરી તેને બેરલ ભરીને વેચી મારતો હતો.

આરોપી પ્રકાશ ઉર્ફે મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો

પોલીસે પ્રકાશના ઘરની બાજુની ખુલ્લી જગ્યામાંથી બે બેરલમાં ભરેલુ છત્રીસો રૂપિયાનું ચાર લીટર બેન્ઝીન કેમિકલ તેમજ પ્લાસ્ટિકના 10,000 રૂપિયાના 50 બેરલ તેમજ સાડા સાત હજાર રૂપિયાના લોખંડના પીપડા મળી કુલ રૂ.20,800 નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. જો કે પોલીસના આવવાની ભાળ મેળવી ગયેલા કેમિકલ ચોર પ્રકાશ ખટીક ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. જેથી પોલીસે આરોપી પ્રકાશ ઉર્ફે મારવાડીને વોન્ટેડ જાહેર કરી ચીખલી પોલીસ મથકે કેમિકલ ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...