72મો નવસારી જિલ્લાકક્ષા વન મહોત્સવ ઉજવણી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના જવાહર નવોદય વિદ્યાલય રૂપવેલ ખાતે ગણદેવીના ધારાસભ્ય નરેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.વૃક્ષો અને પર્યાવરણની જાળવણીનું મહત્વ સમજી કનૈયાલાલ મુન્શીએ વર્ષ-1950 માં વન અને વૃક્ષોની જાળવણી અને રક્ષણ માટે લોકજાગૃતિ અને લોક સહકાર મેળવવા માટે વન મહોત્સવની ઉજવણી શરૂ કરી હતી. નવસારી જિલ્લાના આદિવાસી સમાજના લોકો પ્રકૃતિ સાથે જોડાયેલા છે.
તેઓ વૃક્ષનું મહત્વ સમજીને તેનું જીવની જેમ જતન કરે છે. તમામ લોકોએ પોતાના ઘરઆંગણે, ખેતરમાં શેઢાપાળે વૃક્ષનું વાવેતર કરી ઉછેર કરી, દર વર્ષે વધારેમાં વધારે વૃક્ષો વાવવા અપીલ કાર્યક્રમમાં થઈ હતી. કોવિડ-19 માં આપણને ઓકિસજનની મહત્તા સમજાઇ છે. વૃક્ષો પર્યાવરણની સમતુલા જાળવવા તેમજ માનવીના જીવનમાં પણ તેમનું અનેરુ મહત્વ હવે સમઝાયું છે. આપણા પૂર્વજોએ આપણને જે પ્રાકૃતિક વિરાસત આપી છે તેને આગળ વધારવા માટે બાળકોમાં શિક્ષણની સાથે વૃક્ષો ઉછેરના સંસ્કારોનું સિંચન સમાજમાં થવું અનિવાર્ય છે.
વૃક્ષોનું વાવેતર કરી ધરતીને હરિયાળું બનાવવાના ભગીરથ કાર્યમાં સૌનો સાથ સહકાર જરૂરી છે.જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, 72 મા વનમહોત્સવની ઉજવણી અવસરે લોકોને વધુમાં વધુ વૃક્ષો ઉછેર કરવા સાથે તેનું જતન કરવા જણાવ્યું હતું. આજે પર્યાવરણમાં અસંતુલન આવ્યું છે જેના કારણે આજે આપણે ગ્લોબલ વોર્મિંગની અસરનો સામનો કરી રહયાં છે.
હવામાં ઓકિસજન પેદા કરવાનું કામ પણ વૃક્ષો જ કરે છે તેમ જણાવી વૃક્ષારોપણની મહત્વતા સમજાવી હતી. અધિક મુખ્ય વનસંરક્ષક ડો.એ.પી.સીંગે જણાવ્યું હતું કે, વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરની ઉજવણીનો અનોખો લોકોત્સવ એટલે વનમહોત્સવ. નવસારી જિલ્લો વન્યસંપદાથી ભરપૂર છે. કલાઇમેઇન્ટ ચેઇન્જના નિરાકરણ માટે વૃક્ષારોપણ કરવું જરૂરી છે.વન વિસ્તાર બહાર વૃક્ષ આચ્છાદિત વિસ્તારમાં વધારો થાય તે માટે ખાસ ભાર મૂકયો હતો. આજે ગુજરાત રાજય સામાજીક વનીકરણ ક્ષેત્રે સમગ્ર દેશમાં આગળ છે.નવસારી જિલ્લામાં સામાજીક વનીકરણ હેઠળ 72 માં વન મહોત્સવ દરમિયાન દરે તાલુકાઓમાં 72 રોપ ઉછેર કેન્દ્રોમાં 40.40 લાખ રોપાઓ ઉછેરવામાં આવ્યાં છે. જેમાં ખાતાકીય વનમહોત્સવ હેઠળ 18.70 લાખ, ડી.સી.પી.નર્સરી હેઠળ ૭.૫૦ લાખ તથા મનરેગા યોજના હેઠળ 10 લાખ, તુલસીના રોપા-2.50 તથા કલોનલ રોપા 1.70 લાખ રોપા ઉછેરવામાં આવ્યા છે. જેનું વિતરણ ચાલુ કરી દેવામાં આવ્યું છે.
આ પ્રસંગે ધારાસભ્ય તથા અન્ય મહાનુભાવોના હસ્તે તાલુકા પંચાયતો, ગ્રામ પંચાયતોને પટૃ વાવેતરની ઉભા વૃક્ષોની હરાજી કરતાં ઉપજેલ આવકના ચેકોનું વિતરણ તથા વન્યપ્રાણી બચાવક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર વનકર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ તથા વૃક્ષરથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિર, ઉપપ્રમુખ શ્રીમતી સુમિત્રાબેન પટેલ, શાસકપક્ષના શિવેન્દ્રસિંહ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર, વાંસદા પ્રાંત અધિકારી આર.સી.પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.એમ.ચૌધરી, સામાજીક વનીકરણ વિભાગના એમ.એન.પ્રજાપતિ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહયાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.