તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર હરકતમાં:નવસારીની 650 ઇમારતમાં પૂરતી ફાયર સિસ્ટમ જ નથી

નવસારી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • NOC મુદ્દે હાઇકોર્ટના દિશાસૂચનથી મોડે મોડે નવસારી પાલિકા તંત્ર હરકતમાં
  • પાલિકાએ સરવે કરી બે નોટિસ આપી, ત્રીજીની તૈયારી, જોકે નોટિસથી આગળ કઈ નહીં

નવસારીમાં 650થી વધુ ઇમારતોમાં ધારાધોરણ મુજબ ફાયર સિસ્ટમ જ લગાવાય નથી, જેને લઈને અગાઉ બે-બે વખત નોટિસ આપ્યાં બાદ ત્રીજી નોટિસ આપવાની પાલિકાએ તૈયારી કરી છે. ધ ગુજરાત ફાયર પ્રિવેંશન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ એકટ 2013 NI જોગવાઈ અનુસાર મિલકતોમાં CGDCR મુજબ NIC પાર્ટ-4 ને આધીન ફાયર સેફટી સિસ્ટમ જરૂરી છે, જેનું ફાયર સેફટી પ્રમાણપત્ર અને ફાયર એનઓસી જરૂરી છે, આમ છતાં શહેરની મહત્તમ હાઇરાઈઝ, એપાર્ટમેન્ટો સહિત અન્ય કોમર્શિયલ ઇમારતોમાં ફાયર સિસ્ટમ ઉભી કરી ફાયર એનઓસી લેવાઈ નથી. આમ તો કાયદો અમલી બન્યાને 8 વર્ષ થયાં પરંતુ હાઇકોર્ટના દિશાસૂચનને લઈ હવે મોડે મોડે પાલિકા હરકતમાં આવી છે.

આ મામલે પાલિકાએ શહેરનો મિલકતનો સરવે કર્યો હતો, જેમાં 670થી વધુ મિલકતમાં ફાયર સિસ્ટમ જણાઈ ન હતી. જેને લઈને પ્રથમ જાન્યુઆરીમાં અને બાદમાં માર્ચમાં ઉક્ત મિલકતધારકોને ફાયર સિસ્ટમ ઉભી કરી એનઓસી લેવા નોટિસ આપી હતી, આમછતાં મહત્તમ ફાયર સિસ્ટમ ઉભી કરી નથી, જેને લઈ હવે ત્રીજી નોટિસ આપવાની તૈયારી પાલિકાએ કરી છે. જોકે, અવારનવાર નોટિસ આપ્યા બાદ પણ વર્ષોથી પાલિકા સત્તાધીશો આગળની કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા છે. ચાલુ વર્ષે પણ આ સિરસ્તો ચાલુ રહેતા પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

ફાયર એનઓસી વગર બીયુસી કેવી રીતે?
શહેરભરમાં એક જ સવાલ છે કે ઈમારતોને ફાયર એનઓસી વગર ‘બી.યુ.સી.’ કેવી રીતે અપાય છે ? જોકે આ અંગે પાલિકા તંત્ર કહે છે કે, અગાઉ ફાયર એનઓસી લેવા જનારા પાસે બી.યુ.સી મંગાતું અને બી.યુ.સી લેવા જનારા પાસે ફાયર એનઓસી મંગાતું હતું, ગૂંચવાડો હતો. જોકે હવે ફાયનલ થયું છે કે પહેલા ફાયર એનઓસી લાવે પછી જ બી.યુ.સી. આપવામાં આવે !

ફાયર સિસ્ટમનો ખર્ચ 4 થી 5 લાખ
એક પછી એક નોટિસ મળવા છતાં એપાર્ટમેન્ટ વગેરે સિસ્ટમ ઉભી કરતા નથી. અનેક એપાર્ટમેન્ટના સંચાલકોનું કહેવું છે કે, ફાયર સિસ્ટમ ઉભી કરવાનો ખર્ચ 4થી 5 લાખ રૂપિયા થાય છે, જે મુશ્કેલ છે. અન્ય કોમર્શિયલ બિલ્ડીંગોના સંચાલકો પણ આમ જ કહે છે.

15માંથી 3 જ કોવિડ હોસ્પિટલમાં સિસ્ટમ
નવસારી શહેરમાં હાલ તો 15થી વધુ હોસ્પિટલોમાં કોવિડની સારવાર અપાઇ છે. જેમાં માત્ર ત્રણેક હોસ્પિટલે જ ફાયર સિસ્ટમ ઉભી કરી એનઓસી મેળવી છે, બાકીની હોસ્પિટલ પાસે એનઓસી નથી. જોકે 8 હોસ્પિટલનેે એનઓસી નજીકના દિવસમાં મળી શકે છે.

સુરતના ફાયર ઓફિસર પાસે ‘પાવર’ છે
બે નોટિસ બાદ હવે પાલિકા ત્રીજી નોટિસ ફાયર સિસ્ટમ ઉભી નહીં કરનારાને આપશે ત્યારબાદ અમે સુરત રિજનના ફાયર ઓફિસરને જાણ કરીશું, કારણ કે આ બાબતમાં ‘પાવર’ ફાયર ઓફિસર પાસે હોય છે. > દશરથસિંહ ગોહિલ, સીઓ, નવસારી-વિજલપોર પાલિકા

આ રહી ફાયર સિસ્ટમ વિનાની ઈમારતો

હાઈરાઈઝ ઈમારત84
4થી 5 માળની ઈમારત400
હોટેલ7
પેટ્રોલપંપ વગેરે15
ઈન્ડસ્ટ્રીઝ52
વાડી, મોલ વગેરે47
હોસ્પિટલો25
સ્કૂલ વગેરે57

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...