તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામુ બહાર પાડવા અપીલ:નવસારી પાલિકા વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક, 1ને ઇજા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રીતિ ધર્મેશ અમીન, નગરસેવિકા, નવસારી-વિજલપોર પાલિકા - Divya Bhaskar
પ્રીતિ ધર્મેશ અમીન, નગરસેવિકા, નવસારી-વિજલપોર પાલિકા
  • વોર્ડ નંબર-13ના નગરસેવકોએ કલેકટરને પત્ર લખી રખડતા ઢોરના ત્રાસ બદલ જાહેરનામુ બહાર પાડવા અપીલ કરી
  • સુરત જિલ્લામાં નાયબ કલેકટર દ્વારા રખડતા ઢોર બાબતે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે તો નવસારીમાં કેમ નહીં?

નવસારીમાં રખડતા ઢોરના મામલે કોઇ આકરા પગલાં નહીં લેવાતા તેનો ભોગ દરરોજ કોઈને કોઈ બની રહ્યું છે. આવા રખડતા ઢોરના મામલે જવાબદાર નગરપાલિકાના શાસકો હોય તે બાબતે આવી દુર્ઘટના ફરી વાર નહીં બને તે માટે વોર્ડ નંબર-13ના બે નગરસેવકોએ કલેકટરને ફરિયાદ કરી અન્ય પાલિકાની જેમ જાહેરનામુ બહાર પાડી સીઆરપીસીની કલમ-133 મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પણ આપ્યું છે.

નવસારી-વિજલપોર પાલિકાના વોર્ડ નંબર-13ના નગરસેવકો પ્રીતિ ધર્મેશ અમીન અને વિજય રાઠોડે બુધવારે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું કે સમગ્ર નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે, જેને પરિણામે અવારનવાર અકસ્માતની ઘટના વધી છે.

થોડા દિવસો પહેલા ખડસુપા ગામના કોલેજીયન યુવાનની બાઈક સામે અચાનક ગાય આવી જતા આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. બારડોલી નગરપાલિકામાં પણ ઢોરોના ત્રાસ બાબતે નાયબ કલેકટર દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમ-133 મુજબનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. નવસારીમાં પણ આ રીતનું જાહેરનામુ બહાર પાડવામાં આવે તેવી માંગ કરાઈ છે.

જમાલપોરમાં રખડતા ઢોરે પારસી યુવાનને અડફેટે લેતા ગંભીર ઇજા
નવસારીના આવાબાગમાં રહેતા મરઝબાન પથકી બાઈક લઈને બીલીમોરાથી પરત ઘરે આવતા હતા ત્યારે જમાલપોરમાં રસ્તામાં બેસેલા ઢોરે અડફેટે લેતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. તેમને પ્રથમ નવસારી સિવિલમાં ત્યાંથી પારસી હોસ્પિટલમાં અને વધુ સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં ન્યૂરો સર્જન દ્વારા થયેલી સર્જરીમાં ત્રણ કલાકમાં ત્રણ લાખનો ખર્ચ થયો હતો. જોકે સારવાર બાદ તેમનો જીવ બચી ગયો હતો.

અગાઉ 5 જુલાઈએ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી
નવસારી નગરપાલિકાના સમગ્ર વિસ્તારમાં રખડતા ઢોર એક મુખ્ય અને અકસ્માત કરનારી સમસ્યા બની છે. આ બાબતે અમે 5મી જુલાઈએ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી પરંતુ તેઓએ કોઈ પગલાં લીધા ન હતા. સુરતના બારડોલીમાં નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોર બાબતે કાર્યવાહી કરવાનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. તેને તાત્કાલિક અમલમાં મુકાય તેવી અમે માંગ કરી છે. > પ્રીતિ ધર્મેશ અમીન, નગરસેવિકા, નવસારી-વિજલપોર પાલિકા

સુરતના નાયબ કલેકટર દ્વારા થયેલો આદેશ
બારડોલી વિસ્તારમાં નાયબ કલેકટરના જાહેરનામા મુજબ રખડતા ઢોર બાબતે સીઆરપીસી-133 મુજબ કાર્યવાહી કરવા જણાવ્યું છે. જેમાં નગરપાલિકા દ્વારા નગરની હદમાં રખડતા ઢોર અથવા જાહેર મિલકત ઉપર અતિક્રમણ કરતા મળી આવેલા ઢોરને પકડવાની જવાબદારી પાલિકાની હોય છે. જે માટે પોલીસ પ્રશાસનનો બંદોબસ્ત માંગી એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટને સાથે રાખી ઢોરને પકડવાની કામગીરી કરશે અને આવી કાર્યવાહી કરવામાં પાલિકા નિષ્ફળ જશે તો સીઆરપીસી-133 મુજબ નગરપાલિકાને પક્ષકાર બનાવી કાર્યવાહી કરવામાં આવશે.

નવસારી પાલિકાએ રખડતા ઢોર માટે આટમાં જમીન માગી
નવસારીના રખડતા ઢોર માટે પાલિકાએ પાંજરાપોળ બનાવવાની નેમ વ્યક્ત કરી આ માટે આટની ખારખાજણની જમીન પણ સરકાર પાસે માગી છે. નવસારી શહેરમાં રખડતા ઢોરની સમસ્યાએ હવે હદ વટાવી દીધી છે. લોકો તો માર્ગ પર રખડતા ઢોરથી પરેશાન થઈ રહ્યાં છે, લોકોએ જાન ગુમાવ્યાંના પણ કિસ્સા બન્યાં છે.

ખડસુપામાં આવેલ પાંજરાપોળમાં સીમિત સંખ્યામાં ઢોર લેવાતા હોય સમસ્યા હલ થઈ નથી.આ સ્થિતિમાં પાલિકા રખડતા ઢોરને પકડી રાખવા જમીન શોધી રહી છે. મળતી માહિતી મુજબ આ સમસ્યા હલ કરવા નવસારી વિજલપોર પાલિકાએ પાંજરાપોળ જેવું સ્થળ બનાવવાની નેમ વ્યક્ત કરી આ માટે સરકાર પાસે જમીન પણ માંગી છે. પાલિકાએ આ માટે જલાલપોર તાલુકાના આટ ગામે આવેલી ખાર ખાજણવાળી સરવે નમ્બર 1641 વળી જગ્યા ફાળવવા જિલ્લા કલેકટરને પત્ર લખ્યો છે. આ પત્ર સંદર્ભે કલેક્ટરલય આગામી દિવસોમાં તપાસ કરી નિર્ણય લે એવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...