નવસારી જિલ્લામાં વડાપ્રધાન મોદી આવનાર છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં આવેલા ટીબી વિભાગનું મકાન જોખમી હાલતમાં છે. જ્યાં 22 જેટલાં કર્મીઓ ટીબીના દર્દીઓની સેવા કરી રહ્યાં છે પણ જર્જરિત હાલતમાં તેઓ જીવના જોખમે કાર્ય કરી રહ્યાં છે ત્યારે નવી ઇમારત બને છે તેમાં તેમને કાર્યાલય આપવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.
નવસારી જિલ્લાના સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ જિલ્લા ટીબી વિભાગનું મકાન ખખડધજ હાલતમાં છે. જ્યાં આજે પણ અધિકારી-કર્મચારીઓને પોતાના જોખમે બેસવું પડે છે. નવસારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 10મી જૂને નવસારીમાં પધારનાર હોય ત્યારે તેઓ ટીબી વિભાગમાં આવે અને આરોગ્યકર્મીઓને પડતી સમસ્યાનો ખ્યાલ આવી શકે. વડાપ્રધાનનું લક્ષ્ય છે કે આગામી 2025ની સાલ સુધીમાં ટીબી નામનો રોગ દેશમાંથી દેશવટો કરી જાય પણ જે કર્મચારીઓ તેમના લક્ષ્યને પહોંચી વળવા સતત કામ કરે છે. તેઓ માટે કેમ બેસવાની સુવિધા નથી.
છેલ્લા 5થી 6 વર્ષથી ઉપલી કચેરીઓને વારંવાર અરજી તથા ભલામણપત્રો કર્યા હોવા છતાં આરોગ્ય વિભાગે આ બાબતે ધ્યાન આપ્યું નથી. આ વિભાગમાં મુખ્યત્વે કરાર આધારિત 22 જેટલા કર્મચારીઓ છેલ્લા 20 વરસથી કામ કરતા આવ્યાં છે ત્યારે સરકાર આવા કર્મચારીઓને ઓછા પગારે કામ તો કરાવે જ છે પરંતુ સાથે મકાન પણ જોખમી હોય એમાં કામ કરવું પડે છે. તેવી વ્યથા ટીબી વિભાગમાં ફરજ બજાવતા આરોગ્યકર્મીઓએ રજૂ કરી છે. તે બાબતે સાંસદ, ધારાસભ્ય પણ ધ્યાન આપે તેવી માંગ પણ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.