ડબલ એન્જિન સરકારે લીધેલો નિર્ણય:સુસાઇડ પોઇન્ટ વિરાવળ બ્રિજ પર સુરક્ષા કવચ નામંજૂર

નવસારી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આત્મહત્યાની ઘટનાઓને રોકવા આરસીસી પેરાપેટ, જાળી બનાવવાની દરખાસ્તને ગાંધીનગર ડિઝાઇન સર્કલ નામંજૂર કરી છે
  • પુલ ઉપરથી આત્મહત્યાનો પ્રયાસ કરવાની ઘટના બનતા પુલની બંને બાજુ સુરક્ષા કવચ બનાવવાને સૈદ્ધાંતિક શરતી મંજૂરી મળી હતી

નવસારીના પૂર્ણા નદી ઉપર વિરાવળ બ્રિજ ઉપરથી થતાં અવારનવાર આત્મહત્યાના પ્રયાસો રોકવા સુરક્ષા પેરાપેટ, જાળી બનાવવાને સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ ડિઝાઇન વિભાગે કામ નામંજૂર કર્યું છે. નવસારી શહેરને અડીને પસાર થતી પૂર્ણા નદી ઉપર વિરાવળમાં બ્રિજ છે. આ બ્રિજ નેશનલ હાઇવે 64માં આવે છે. નવસારીને સુરતથી જોડતો બ્રિજ હોય દિવસ દરમિયાન હજારો વાહનો પસાર થાય છે અને સતત ટ્રાફિક પણ રહે છે. જોકે કેટલાક સમયથી આ બ્રિજ ગોઝારો પણ બની રહ્યો છે. વિરાવળ બ્રિજ ઉપરથી કેટલાક સમયથી આત્મહત્યા કરવાના પ્રયાસો વધ્યાં છે.

પુલ પરથી નદીમાં ઝંપલાવનાર કેટલાકનો બચાવ થયો તો કેટલાકે જીવ ગુમાવ્યા છે. આવી ગોઝારી ઘટના વધતા પુલ ઉપર સુરક્ષા કવચ ઉભુ કરવાનો નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત પુલ ઉપર આરસીસી પેરાપેટ અને જાળી બનાવવાના કામને શરતી સૈદ્ધાંતિક મંજૂરી મળી હતી, જેથી સુરક્ષા કવચ બનવાની આશા હતી. જોકે તેમ થયું નથી. મળતી માહિતી આ બ્રિજ ઉપર પેરાપેટ ,જાળી બનાવવાનું કામ શક્ય નહીં હોવાનું ગાંધીનગર ડિઝાઇન સર્કલે જણાવી દીધું હોવાનું નેશનલ હાઇવે 64ના સૂત્રોએ જણાવ્યું છે.

પૂર્ણા કાંઠે રહેતો હળપતિ પરિવાર ડૂબતા લોકોને બચાવીને નવજીવન આપે છે

પૂર્ણા નદીમાં વિરાવળ પુલ ઉપરથી આત્મહત્યા કરવાના બનાવો અવારનવાર બનતા રહ્યાં છે. છેલ્લા ચારેક વર્ષમાં કેટલાક લોકોને અહીંથી નવજીવન પણ મળ્યું છે. તેમાં નદીકાંઠે જ બ્રિજ પાસે રહેતા હળપતિ પરિવારનો મોટો ફાળો છે. આ હળપતિ પરિવાર વર્ષોથી નદીમાં કૂદી આપઘાત કરનારાઓને બચાવતો આવ્યો છે.

તેમના જ પરિવારના આકાશભાઈ પ્રવિણભાઇ હળપતિ (ઉ.વ. 21), રાજુભાઈ ભીખુભાઈ હળપતિ (ઉ.વ. 50), તેમનો દીકરો દિવ્યેશ રાજુભાઈ હળપતિ (ઉ.વ. 22) અને દિપક ડાહ્યાભાઈ હળપતિ (ઉ.વ. 24) લોકોને નદીમાં ડૂબતા બચાવીને નવજીવન આપી રહ્યાં છે. કેટલીકવાર તેમને મૃતદેહ જ હાથ લાગે છે ત્યારે તેમની આંખમાં આંસુ છલકાય આવે છે. તે અંગે વાત કરતા રાજુભાઈ હળપતિ કહે છે કે નદીમાં કોઈ ડૂબતુ હોય અને તેને બચાવી નહીં શકાય તો ઘણો અફસોસ થાય છે, આમ છતાં બનતા તમામ પ્રયાસ હું કરૂં છું. મારા બાપાએ પણ 200થી વધુ લોકોના જીવ બચાવ્યાં છે, અને મેં પણ અત્યારસુધીમાં 50થી વધુ લોકોને ઉગાર્યા છે. આ કામ માટે કોઈ અપેક્ષા પણ રાખી નથી.

સુરક્ષા કવચ નામંજૂર કરવાનું આ કારણ..
નેશનલ હાઈવેના સૂત્રો જણાવે છે કે, જ્યારે કોઈપણ પુલની ડિઝાઈન બને ત્યારે તે કેટલો લોડ સહન કરી શકે તે બાબત પણ ધ્યાને લેવાય છે. વિરાવળમાં જ્યારે પુલની ડિઝાઇન બની ત્યારે કદાચ વધારાના લોડની ગણતરી ન હોય. આ સ્થિતિમાં વધારાનું કામ કરવાને નામંજૂર કરાયાની જાણકારી છે.

હાલનો બ્રિજ અંદાજે 44 વર્ષનો, નવો બ્રિજ બને તો સુરક્ષા કવચ મળે
મળતી માહિતી મુજબ 1968ની રેલ બાદ એક નીચો બ્રિજ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ હાલનો બ્રિજ 1978ના અરસામાં બન્યાનું સ્થાનિકો કહે છે. આ નવો બ્રિજ બનતા જૂનો નીચો બ્રિજ ક્રમશઃ બિનઉપયોગી થતો ગયો હતો. હાલના બ્રિજની સ્થિતિ પ્રમાણમાં સારી છે. સ્થાનિક પ્રતિનિધિઓએ નવા બ્રિજ માટે રજૂઆત શરૂ કરી છે. જોકે હજુ તેને મંજૂરી મળી નથી.

અન્ય સમાચારો પણ છે...