તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માતા-નવજાતને નવજીવન:કોરોનાગ્રસ્ત સગર્ભાની વેન્ટિલેટર સપોર્ટથી સફળ પ્રસૂતિ

નવસારી3 મહિનો પહેલાલેખક: નીલ નાયક
  • કૉપી લિંક
  • નવસારી સિવિલમાંથી ડિસ્ચાર્જ સમયે દંપતીની આંખો હર્ષના અશ્રુથી છલકાઇ

કોરોના વાયરસ દેશ માટે વધારે ઘાતક સાબિત થઈ રહ્યો છે, આવામાં સગર્ભા મહિલાઓ માટે પણ કોરોના વધારે ખતરનાક સાબિત થઈ રહ્યો છે. આવામાં નવસારીમાં એક સગર્ભા મહિલાને કોરોનાએ બાનમાં તો લીધી પણ દેવદૂત સમાન ડોક્ટરો મહિલા અને બાળકને બચાવવા માટે એડીચોટીનું જોર લગાવી દીધુ. ડોક્ટરોએ વેન્ટિલેટર પર સગર્ભાનું સિઝેરિયન કરીને માતા અને બાળક બન્નેનો જીવ બચાવ્યો. નવસારી જિલ્લામાં 23 વર્ષની ડિમ્પલ પટેલને સગર્ભા અવસ્થાનો 9મો મહિનો પસાર થઇ રહ્યો હતો, આ દરમિયાન તેણીને છેલ્લા 2-3 દિવસથી તાવ આવતો હતો અને શ્વાસ લેવામાં તકલીફ પણ થઇ રહી હતી.

તકલીફ વધવાને કારણે તેમણે ચીખલીની એક ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવી તો તેમને સીટી સ્કેન અને બ્લડ રિપોર્ટ કરાવવાની ડોક્ટરે સલાહ આપી. સીટી સ્કેન રિપોર્ટમાં તેમનો સ્કોર 11/25 આવતા ડોક્ટરે તેમને નવસારી સિવિલ ખાતે તાત્કાલિક ધોરણે દાખલ થવાનું જણાવ્યું હતું. બીજા દિવસે બપોરે ડિમ્પલબેન સિવિલ હોસ્પિટલમાં કોવિડ ઓપિડીમાં તેમને રાખવામાં આવ્યા. જ્યાં તેમનો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો જેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

બીજી તરફ ડિમ્પલબેનનું ઓક્સિજન લેવલ ખુબ જ ઝડપથી નીચે જઇ રહ્યું હતુ ઓક્સિજન લેવલને ઉપર લાવવા માટે તેમને પહેલા 8 લીટર એનઆરબીએમ પર મુકવામાં આવ્યા, જોકે આથી પણ તેમનું ઓક્સિજન લેવલ મેન્ટેઇન ન થતા તેમને 15 લિટર એનઆરબીએમ પર મુકવામાં આવ્યા. હોસ્પિટલ સ્ટાફ દ્વારા ડિમ્પલબેનની કથળતી જતી સ્વાસ્થ્ય પરિસ્થિતિ અંગે તેમના પરિજનોને જાણ કરી મહિલા અને બાળકના જીવના જોખમ અંગે જાણ કરવામાં આવી.

મહિલાના સગાને જાણ કરીને સિઝેરિયન કરીને ડિલિવરી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. ડિલિવરીના દિવસે પણ સગર્ભા મહિલાનું ઓક્સિજન લેવલ મેન્ટેઇન કરવા માટે 15 લિટર વેન્ટિ પીપ માસ્ક સાથે ડિલિવરી કરવાનો ડોક્ટરોએ નિર્ણય લીધો. તે બાદ પણ ડિમ્પલબેનનું ઓક્સિજન લેવલ મેન્ટેઇન ન થતા તેમને સીએપીએ-એફઆઇઓ 2 ના 80% અને પીપ-5 સાથે વેન્ટિલેટરનો સપોર્ટ આપવામાં આવ્યો અને ત્યાર બાદ ઓપરેશન કરવામાં આવ્યુ.

સિવિલના સીડીએમઓ ડો. કિરણ શાહ, પિઝીશિયન ડો. કેતન પટેલ અને ડો. અશ્વિન પટેલ, ગાયનેકોલોજીસ્ટ ડો. નેહા પટેલની સાથે તેમની સમગ્ર ટીમે સતત ખડેપગે રહીને સગર્ભાને બચાવવા માટે એડી ચોટીનું જોર લગાવીને પ્રસુતાની સફળ ડિલિવરી કરાવી અને ડિમ્પલબેને 2.5 કિગ્રા વજન ધરાવતી સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો.

સફળ ડિલિવરી બાદ બાળકીને કોરોનાગ્રસ્ત માતાને ન સોંપાય. આ બાદ પિડિયાટ્રિશ્યન ડો. આશાબેનની સલાહ મુજબ નવજાત બાળકીને અપર ફિડિંગ આપીને જીવાડવામાં આવી હતી. ડિલિવરીના 4 દિવસ બાદ માતાની સ્થિતિમા ધીરે-ધીરે સુધારો જણાયો હતો. ડિલિવરીના 10માં દિવસે ડિમ્પલબેનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને પુર્ણ રીતે સ્વસ્થ થયા બાદ બાળકી અને માતાને રજા આપવામાં આવી હતી.

માતા કે બાળક કોઇ એક જ બચી શકે તેમ હતું
આવી જીવલેણ પરિસ્થિતિ અમારા માટે ખૂબ જ ગંભીર હોય છે. મહિલાને વેન્ટિલેટર સપોર્ટ આપીને ડિલિવરી કરવાથી મહિલા કે બાળક અથવા બન્નેનું મૃત્યુ થાય તેવી સ્થિતિ હતી, પણ અમારી ટીમના પ્રયાસ થકી માતા અને બાળકી બન્નેને બચાવી શક્યા > ડો. નેહા પટેલ,
ગાયનેકોલોજીસ્ટ, સિવિલ હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...