ચીખલીના રાનવેરીકલ્લા ગામે આવેલી પ્રાથમિક શાળાના એક શિક્ષકની ગેરવર્તન કરવા બદલ અન્ય શાળામાં બદલી કરી હતી. હજુ તેમનું નામ ઓનલાઈન હોય તેમનું નામ કમી કરવા વારંવારની રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી નહીં થતા અંતે ગ્રામજનોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી.
રાનવેરીકલ્લાના સરપંચ અને ગ્રામજનોએ જિલ્લા પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરતા જણાવ્યું કે રાનવેરીકલ્લા પ્રાથમિક શાળામાં નહેર ફળિયા પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે ફરજ બનાવનાર શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ સાથે બિભત્સ વર્તન બાબતે સજા રૂપે વાંસદા તાલુકાની માનકુનિયા ખોરા વર્ગશાળામાં કામચલાઉ બદલી કરી છે. જેથી રાનવેરીકલ્લાની નહેર પ્રાથમિક શાળામાં ગણિત તથા વિજ્ઞાન વિષયના શિક્ષકની જગ્યા ખાલી છે. આ બાબતે તાલુકા અને જિલ્લાના અધિકારીને ટેલિફોનિક માહિતી આપી હતી.
આ અંગે જાણ હોવા છતાં ડિસેમ્બર- 2021થી એપ્રિલ-2022 સુધી શાળાકીય એક સત્ર જેટલો સમય વિતી ગયો હોવા છતાં શિક્ષણ કચેરી તરફથી આ શાળામાં કોઈ પ્રવાસી કે અન્ય શિક્ષકની નિમણૂંક આજદિન સુધી કરવામાં આવી નથી. શાળાની મુલાકાત લઈ ત્યાંની પરિસ્થિતિ અંગે કોઈ ગંભીરતા લીધી નથી. ગામની શાળામાં નવી ભરતી વખતે આ જગ્યા પર નવા શિક્ષકની ભરતી કરવામાં આવે તેમ જણાવ્યું હતું. આ બાબતે ધારાસભ્ય અનંત પટેલને લેખિતમાં અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવને પત્ર મારફતે રજૂઆત કરી છે.
નહીં તો આંદોલન કરાશે
આવનાર નવા સત્રમાં જો શિક્ષણના હિતને ધ્યાનમાં લેવામાં નહીં આવે અને અગાઉ જેવા લોલીપોપ આપવામાં આવશે તો જે તે શિક્ષક સામે કાયદેસરના પગલાં ભરી નોકરીમાંથી બરતરફ કરી જે તે જગ્યાને ખાલી કરવાની માગ સાથે ગાંધી ચીંધ્યા માર્ગ ઉગ્ર આંદોલન કરીશું અને તેની જવાબદારી તંત્રની રહેશે. > નિરવ પટેલ, સરપંચ, રાનવેરીકલ્લા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.