રાષ્ટ્રીય આંકડાકીય કચેરી(NSO), ફિલ્ડ ઓપરેશન્સ, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય, ભારત સરકારની પેટા પ્રાદેશિક કચેરી, વલસાડ દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટીના સહયોગથી વર્કશોપ અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને ભારતીય અધિકૃત આંકડાકીય પ્રણાલીનાં વિવિધ પાસાઓ વિશે માહિતગાર કરવાનો તેમજ NSO અને તેની પ્રવૃતિઓ વિશે જાગૃતિને પ્રોત્સાહન આપવાનો હતો.
નવસારી કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા સેન્ટ્રલ પરીક્ષા હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં નવસારી કૃષિ યુનિવર્સિટી અને તેની સંલગ્ન કોલેજના 112 જેટલા વિદ્યાર્થીઓએ ફેકલ્ટી સભ્યો સાથે ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું ઉદઘાટન શક્તિસિંહ પ્રાદેશિક કચેરી, વડોદરાના નિયામક અને કચેરીના વડા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે નીતિ ઘડતરમાં સત્તાવાર આંકડાઓના મહત્વ પર પ્રકાશ પાડયો હતો.
નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ.પી. પટેલે વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું અને વર્તમાન યુગમાં સત્તાવાર આંકડાઓ તેમજ આંકડાશાસ્ત્રના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. નવસારી કૃષિ યુનિ.ના નિયામક (વિદ્યાર્થી કલ્યાણ) ડો. આર.એમ.નાઈક, ડો. ટી.આર.અહલાવત નિયામક (સંશોધન અને ડીન, સ્નાતકોત્તર અભ્યાસ) અને પ્રો. આલોક શ્રીવાસ્તવ ડીન (આંકડાશાસ્ત્ર વિભાગના વડા)એ વિદ્યાર્થીઓને ભણતર પર ભાર આપવા પ્રેરિત કર્યા હતા.
આર.એસ.પી. સિંહ વરિષ્ઠ આંકડાકીય અધિકારી દ્વારા એનએસઓ કચેરી દ્વારા હાથ ધરવામાં આવતા વિવિધ સર્વેક્ષણો અને આંકડાશાસ્ત્રના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની તકો વિશે પ્રેઝન્ટેશન આપ્યું હતું . ક્વિઝનું સંચાલન કુંતલ ચક્રવર્તી અને દિનેશ વરિષ્ઠ આંકડાકીય અધિકારી, વડોદરા દ્વારા કરવામાં આવ્યું હતું. ડી.વી.શાહ, મદદનીશ નિયામક પ્રાદેશિક કચેરી, વડોદરા તેમજ પેટા પ્રાદેશિક કચેરીના અધિકારીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
અક્ષય કોટડીયા અને વિપિન નવસારી કૃષિ યુનિવર્સિટી ક્વિઝ સ્પર્ધાના વિજેતા રહ્યા હતા. નવસારી કૃષિ યુનિ.ના જય દેલવાડીયા અને મીરા પડાળીયા, શગુફતા સૈયદ અને જ્યોતિ તિવારી અનુક્રમે ફર્સ્ટ અને સેકન્ડ રનર્સપ રહ્યા હતા. આ વિદ્યાર્થીઓને ઈનામો આપવામાં આવ્યા હતા. ક્વિઝમાં ભાગ લેનાર અન્ય વિદ્યાર્થીઓને સહભાગીતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.