નવસારીના જૂનાથાણા વિસ્તારમાં આદિવાસી સમાજમાં નજીવી બાબતે બોલાચાલી થઇ હતી. તેમાં એક જૂથે બહારના યુવાનોને બોલાવી પથ્થરમારો કરાવતા એક યુવાનનું માથું ફૂટ્યું હતું. જ્યારે પાંચ બાઇકને નુકસાન પણ થયું હતું.
ઘટનાસ્થળેથી મળતી માહિતી મુજબ જુનાથાણા વિસ્તારમાં રહેતા લોકોમાં અંદરોઅંદર નજીવી બાબતે વિવાદ થયો હતો. જે ચારપુલ પોલીસ મથકે જતા વિવાદ શમી ગયો હતો. વિવાદ પૂરો થયા બાદ એક જૂથે રાત્રિના સમયે 12 વાગ્યાના અરસામાં એક જાણીતા છાત્ર સંગઠન સાથે જોડાયેલ યુવાનોને બોલાવ્યા હતા. રાત્રે યુવાનો વાહનો ઉપર સશસ્ત્ર ધસી આવ્યા હતા. જેને લઈ રાત્રિના સમયે તંગદિલી વધી ગઇ હતી. રાત્રિના સમયે બે જૂથ સામસામે આવી ગયા હતા.
જેમાં અન્ય વિસ્તારમાંથી આવેલા 20થી વધુ યુવાનો આવીને શસ્ત્ર હાથમાં લઈ ખુલ્લી દાદાગીરી કરી હતી અને સામસામે પથ્થરમારો થયો હતો. બહારથી આવેલ યુવાનો સ્થાનિકોને ધમકાવતા હતા. જોકે સ્થાનિક આદિવાસી યુવાનોને ખબર પડતા તેઓ ભેગા થઈ ગયા હતા.
તે પહેલા પાંચ જેટલી બાઇકને નુકસાન પણ કર્યું હતું. પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે ધસી આવતા યુવાનો ભાગી ગયા હતા. જોકે એક યુવાનનું માથું ફૂટ્યું હતું. જેને લઈ ટાઉન પોલીસ મથકે બહારથી આવેલ યુવાનોએ જુનાથાણા વિસ્તારમાં રહેતા પાંચ યુવાન વિરુદ્ધ અરજી આપતા તેમની અટક કરી હતી. જ્યારે મંગળવારે સવારે જુનાથાણા વિસ્તારમાં આદિવાસી સમાજના અગ્રણીઓએ અરજી આપતા બે યુવાનની અટક કર્યાની માહિતી મળી છે.
બન્ને પક્ષોએ સમાધાન કરી લીધું
નવસારીમાં મધ્યરાત્રિ બનેલા ઘટનામાં બન્ને જૂથે અરજી આપી હતી. જેને લઈ 7 યુવાનની અટક કરી હતી. આ મુદ્દે આગેવાનો વચ્ચે પડતા સમાધાન કરવાનું અને તે પણ નોટરી કરવા કહેતા તેઓએ સમજૂતી કરી હતી. માત્ર અરજી જ આપી હતી. તેમને કહ્યું કે બીજીવાર આવી ઘટનાનું પુનરાવર્તન થયું તો ગુનેગાર બચી શકશે નહીં એમ ચીમકી આપી છે. >સુનિલભાઈ ગામીત, પીએસઆઈ, નવસારી
આદિવાસીઓ સાથે સંઘર્ષ નહીં કરવાનું લેખિતમાં બાંહેધરી આપવામાં આવી
જુનાથાણા વિસ્તારમાં આદિવાસી સમાજમાં અંદરોઅંદર મામલો સુલજાવતા બહારના યુવાનોને બોલાવતા શસ્ત્રો લઈને આવ્યા હતા અને વિસ્તારને બાનમાં લીધું હતું. આ બાબતે સમાજમાં ખબર પડતાં આદિવાસી સમાજના યુવાનો ભેગા થઇ જતા પોલીસને જાણ કરતા બહારના યુવાનો ભાગી ગયા હતા. સમાધાન થયું પણ સશસ્ત્ર લઈને આવેલા યુવાનો ઉપર કઈ કાર્યવાહી થશે ? બહારથી આવેલ યુવાનોએ આદિવાસીઓ સાથે સંઘર્ષ નહીં કરવાનું લેખિતમાં લખાણ આપ્યું. >કમલેશ પટેલ, અગ્રણી આદિવાસી જનજાગૃતિ સમિતિ, નવસારી
ઘટનાનો વીડિયો વહેતો થતા પોલીસ પણ ચોંકી ઉઠી
જુનાથાણા વિસ્તારમાં સોમવારે મધ્યરાત્રિએ બે જૂથ વચ્ચે લડાઈમાં એક જૂથે બહારના યુવાનોને બોલાવ્યા હતા. તેઓ વાહનોમાં સશસ્ત્રો લઈને આવ્યા હતા અને જુનાથાણા વિસ્તારમાં આતંક મચાવતા હોય તેવો વિડીયો કોઈએ ઉતારી ગ્રુપમાં વહેતો કરી દેતા પોલીસ પણ આ ઘટનાથી ચોંકી ઉઠી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.