તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનલોક:આજથી ધોરણ-12ના ઓફલાઇન વર્ગોનો પ્રારંભ

નવસારી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 151 ઉ.મા. શાળાના 10130 છાત્ર ઓડ-ઇવન પ્રમાણે હાજરી આપશે

કોરોનાના સંક્રમણ ઘટતા હવે સરકારે ઓનલાઇન શિક્ષણમાંથી ધીરે-ધીરે ઓફલાઇન શિક્ષણની શરૂઆત કરી દેવાનું મન મનાવ્યું છે. હાલમાં ધોરણ-12ના બોર્ડના છાત્રોનો અભ્યાસ નહીં બગડે તે માટે 7 જૂનથી ઓનલાઇન વર્ગો તો શરૂ કરી દેવાયા હતા. હવે આજથી ઓફલાઇન એટલે કે વર્ગખંડમાં અભ્યાસની શરૂઆત કરાશે. નવસારી જિલ્લામાં પણ ધોરણ-12ની 151 શાળાના 10130 છાત્ર ઓડ અને ઇવન પદ્ધતિ પ્રમાણે શાળામાં હાજરી આપી શકશે.

નવસારી જિલ્લામાં કોરોનાના કેસો ઘટતા હવે સરકારી આદેશ મુજબ આજથી એટલે 15 જુલાઈથી ધોરણ-12ના વર્ગખંડમાં અભ્યાસ એટલે કે ઓફલાઇન શિક્ષણની શરૂઆત કરી દેવાની સૂચના અપાતા શિક્ષણ જગતમાં ખુશીનો માહોલ છે. આ માટે દરેક શાળામાં સોશિયલ ડિસ્ટન્સ, સરકારની ગાઈડલાઇનનું પાલન કરવાની સૂચના આપી દેવામાં આવી છે. જોકે છાત્રોની હાજરી અંગે વાલીઓની સંમતિપત્રક પહેલા રજૂ કરવાનું રહેશે. જોકે વર્ગમાં હાજરી આપવી મરજીયાત છે. ઓડ અને ઇવન એટલે કે એકી અને બેકી નંબર ધરાવતા છાત્રોએ ટાઈમ ટેબલ અને બેઠક વ્યવસ્થા જોઈને શાળામાં અભ્યાસ માટે આવવાનું રહેશે. જોકે ઓનલાઇન અભ્યાસ પણ આ સાથે ચાલશે તેવી માહિતી ડીડીઓ કચેરીમાંથી મળી છે.

આજથી ધો-10 અને 12ના રિપિટરની પરીક્ષા શરૂ
નવસારીમાં ગુરૂવાર 15 જુલાઇથી ધોરણ-10 અને 12ના રિપિટર પરીક્ષાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. જેમાં એસએસસીના 5352 વિદ્યાર્થી ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 1950 અને વિજ્ઞાન પ્રવાહમાં 2217 મળી કુલ 9519 રિપિટર છાત્રો પરીક્ષા આપશે.

સરકારની માર્ગદર્શિકા શું છે

  • ઓફલાઇન/પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી આપવી વિદ્યાર્થીઓ માટે મરજીયાત રહેશે તથા જે વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ ઓફલાઇન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં ન જોડાય તેવા વિદ્યાર્થીઓ માટે અગાઉની જેમ ઓન લાઇન શિક્ષણની વ્યવસ્થા વર્તમાનમાં ચાલુ રાખવાની રહેશે. પ્રત્યક્ષ શિક્ષણકાર્ય માટે વાલીઓ પાસેથી લેખિત સંમતિપત્ર મેળવવાનું રહેશે.
  • વર્ગખંડોમાં 50 % ક્ષમતાની મર્યાદામાં એકાંતર દિવસ મુજબ વિદ્યાર્થીઓને વર્ગખંડ શિક્ષણ માટે બોલાવવાના રહેશે તેમજ વર્ગખંડોમાં કોઈ પણ બે વિદ્યાર્થી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનું અચૂકપણે પાલન કરાવવાનું રહેશે. વધુમાં, સમયાંતરે નિયમિતપણે વર્ગખંડનું યોગ્ય સેનેટાઈઝેશન કરવાનું રહેશે તથા સંસ્થાના પરિસરમાં હેન્ડ વોશિંગ/ સેનેટાઇઝેશન પોઇન્ટ પૂરતા પ્રમાણમાં રાખવાના રહેશે.
  • શાળાના તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ ફેસ માસ્ક ફરજીયાત યોગ્ય રીતે પહેરવાનું રહેશે તેમજ કોવિડ-19 સંદર્ભે ઉચિત વર્તણૂકનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.
અન્ય સમાચારો પણ છે...