નવસારીમાં અનોખા લગ્ન:દીકરાનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થતાં સાસુએ વિધવા પુત્રવધૂના પુનઃલગ્ન કરાવી સમાજમાં દાખલો બેસાડ્યો

નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાસુએ વિધવા પુત્રવધૂના લગ્ન કરાવ્યાં હતાં. - Divya Bhaskar
સાસુએ વિધવા પુત્રવધૂના લગ્ન કરાવ્યાં હતાં.
  • સુરતના દિવ્યેશનાં પત્નીનું દોઢ વર્ષ અગાઉ જ કોરોનામાં અવસાન થતાં એકલવાયું જીવન જીવતા હતા

નવસારીમાં આજે એક અનોખા લગ્ન યોજાયા છે, જેમાં સાસુ દ્વારા પોતાની વિધવા વહુને દીકરી ગણી પોતાના ઘરે બેસાડી રાખવા કરતાં તેના લગ્ન કરાવી સમાજમાં ખાસ સંદેશો આપ્યો છે.

સાસુ અને વહુનો સંબંધ એકબીજામાં રહેલી ભૂલો શોધવા માટે પ્રખ્યાત છે. સાસુ પોતાની વહુને પોતાનાથી નીચી રાખવા માગતી હોય અને તેઓ વચ્ચે ક્યારે પ્રેમ જોવા મળતો નથી એવા અનેક દાખલાઓ આજે જોવા મળી રહે છે, પરંતુ નવસારીની એક સાસુએ પોતાની વિધવા વહુને દીકરી સમાન ગણી બીજી જગ્યાએ પરણાવવાનો વિચાર લાવ્યો અને એનો અમલ કરાવી સમાજમાં એક દાખલો બેસાડી દીધો છે. વહુને વહુ નહીં, પરંતુ દીકરી માનવા માટે લોકોને પ્રેરણા આપી છે.

વાત છે નવસારીના મૂળ ઘાંચી સમાજનાં જયાબેન અમૃતભાઈ ગાંધીની, જેમનો દીકરો આજથી ત્રણ વર્ષ અગાઉ કોમ્પ્યુટર ક્લાસ ચલાવતી વખતે હૃદયરોગના હુમલાથી અવસાન પામ્યો હતો. એને લઇને તેની પત્ની સ્વીટીબેન વિધવા થયાં હતાં. ત્યારે તેમને એક નવ વર્ષનો દીકરો પણ હતો. જે આજે બાર વર્ષનો થયો છે. તેમ છતાં સ્વીટીબેન પોતાની સાસુ-સસરા સાથે રહી પરિવારની સેવા કરતી હતી. ઘરમાં રોજ વહુને જોઈ તેમને વિચાર આવ્યો કે આ વહુ મારી દીકરી છે, તે વિધવા હોય તો તેને થોડી ઘરમાં બેસાડી રખાય? જેથી તેને અન્ય સાથે પરણાવી વિદાય આપવાનો વિચાર જયાબેનને આવ્યો અને તેમણે સારા છોકરાની શોધ આદરી હતી.

જેમાં સુરતના ઉધના ખાતે રહેતા દિવ્યેશ ભરૂચા નામના યુવક સાસુને પોતાની વહુ માટે પસંદ આવ્યો. દિવ્યેશની પત્ની અને માતા દોઢ વર્ષ અગાઉ કોરોનામાં અવસાન પામ્યાં હતાં. ત્યારે આ યુવાન સારી જગ્યાએ નોકરી કરતો હોઈ અને હાલમાં એકલો જ હતો. જેથી સાસુએ પોતાની વહુને આ યુવાન સાથે વાતચીત કરાવી, મુલાકાત કરાવી. એકબીજાને બંનેએ પસંદ કરતાં સાસુએ પોતાની વહુના નવસારી શાકભાજી માર્કેટ સામે આવેલા વિષ્ણુ ભગવાન મંદિર ખાતે લગ્ન કરાવ્યા હતા.

સાસુના આશીર્વાદતી સ્વીટીએ દિવ્યેશ સાથે સાત ફેરા લઈને પ્રભુતામાં પગલાં માંડી નવા જીવનની શરૂઆત કરી છે. કોઈપણ પરિવારની વહુ વિધવા થાય તો તેને ઘરમાં ન બેસાડી રાખી અન્ય જગ્યાએ તેનો સંસાર મંડાય તેવા પ્રયાસો દરેક સાસુ કરે એ માટે જયાબેન દ્વારા દાખલો બેસાડવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...