• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Sokhada Haridham Dispute Appeal To Navsari Haribhaktas To Take Action Against Seven People, Sent Application Letter To District Collector

કાયદાકિય કાર્યવાહી કરવાની માંગ:સોખડા હરિધામ વિવાદ મામલે નવસારીના હરિભક્તોની સાત લોકો સામે કાર્યવાહી કરવા અપીલ, જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

નવસારીએક મહિનો પહેલા
  • શિક્ષાપત્રીના શ્લોકમાં ચેડા કરી સંસ્થા વિરૂદ્ધ આક્ષેપબાજી કરતાં લાગણી દુભાઈ હોવાનો આક્ષેપ

હરિધામ સોખડાના સ્વામિનારાયણ સંપ્રદાયની યોગી ડિવાઈન સોસાયટીના પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધજીવન સ્વામી વચ્ચેના વિવાદમાં નવસારીના હરિભક્તોએ આજે શનિવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી 7 લોકો સામે કાયદાકિય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હરિભક્તોએ આવેદનપત્રમાં પ્રબોધજીવન સ્વામી અને તેમની સાથેના સમર્થકો શિક્ષાપત્રીના શ્લોકમાં ચેડા કરી તેમજ વારંવાર સંસ્થાના વિરૂદ્ધ આક્ષેપબાજી કરતાં તેમની લાગણી દુભાઈ હોવાની વાત વ્યક્ત કરી હતી.

હરિભક્તોએ કરેલી રજૂઆતમાં જણાવાયું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયની અનેક સંસ્થાઓ પૈકીની એક સોખડા સ્થિત યોગી ડિવાઈન સોસાયટીના મુખીયા હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ સંસ્થાના પ્રેમસ્વરૂપ સ્વામીને સંસ્થાનું સુકાન સોંપવામાં આવ્યુ હતું. પરંતુ સંસ્થા સાથે સંકળાયેલા પ્રબોધજીવન સ્વામી અને તેમના સમર્થકોએ હજારો કરોડની સંસ્થા પર અધિકાર જતાવતા વિવાદ ઉભો થયો છે. જેમાં પ્રબોધજીવન સ્વામી દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાન રચિત શિક્ષાપત્રીના એક શ્લોકમાં ફેરફાર કરી પોતાને ગુણાતીતાનંદ સ્વામીના અવતાર ગણાવી રહ્યાના આક્ષેપો નવસારીના હરિભક્તોએ કર્યા છે.

રજૂઆતમાં વધુમાં જણાવાયું હતું કે પ્રબોધજીવન સ્વામીના સમર્થકો સર્વમંગલ સ્વામી, અશોકભાઇ પટેલ, મિલિંદભાઇ પટેલ, નિશ્ચિન્ત ઉર્ફે મિલનકુમાર પટેલ, જય બ્રહ્મભટ્ટ અને પ્રાણેશ ઉર્ફે કિરીટ ચાપલા સંસ્થા સામે અનેકાનેક વિવાદ ઉભા કરી મીડિયા, પોલીસ તેમજ અન્ય જગ્યાએ બદનામ કરી રહ્યા છે. જેના કારણે અક્ષર પુરૂષોત્તમ ઉપાસના કરતા હરિભક્તોના દિલ દુભાયા છે.

જેથી હરિભક્તોએ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ ફિરકાઓ અને સંત-મહંતોને શિક્ષાપત્રી સાથે કરવામાં આવતા ફેરફાર સામે એક અવાજ ઉઠાવવાની વિનંતી સાથે નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવને આવેદનપત્ર આપ્યું છે. જેમાં પ્રબોધજીવન સ્વામી સહિતના સાતેય લોકો સામે ઉચિત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. નહીં તો તેમની સામે કોર્ટ કાર્યવાહી કરવા માટેની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

પ્રબોધસ્વામી પોતે ભગવાન હોય તો તેઓ કોર્ટમાં જઈ પૂરવાર કરી બતાવે
પ્રબોધજીવન સ્વામી દ્વારા સ્વામિનારાયણ ભગવાન રચિત શિક્ષાપત્રીના એક શ્લોકમાં ફેરફાર કરી પોતાને ગુણાતીતાનંદ સ્વામીના અવતાર ગણાવીને વિવાદ કરી રહ્યાં છે. પ્રબોધ સ્વામી પોતે ભગવાન હોય તો તેઓ કોર્ટમાં જઈ પૂરવાર કરે આવી કાર્યવાહી આઘાતજનક છે. આ બાબતે એસપી અને કલેકટરને રજૂઆત કરી ફોજદારી કરવાની માંગ પણ કરી છે. - હર્ષલ મિસ્ત્રી, હરિભક્ત, નવસારી

અન્ય સમાચારો પણ છે...