પાંચ લોકોનો ચમત્કારિક બચાવ:નવસારી પાસે સ્કોડા કાર પાંચ પલટી મારી ગઈ, ડીવાઈડરની બીજી તરફ આવતી ટ્રક સાથે અથડાતા કારના ફુરચા નીકળી ગયા

નવસારીએક મહિનો પહેલા

નવસારી જિલ્લામાં વેસ્મા હાઇવે પાસે 31મી ઓક્ટોબરના રોજ ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોના ઘટના સ્થળેજ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. ત્યાંથી અઢી કિલો મીટર દૂર ફરીવાર આજે રાજકોટથી નવસારી આવતી કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર જતા પહેલા પાંચ પલટી મારવા સાથે ટ્રક સાથે ભટકાઈ હતી. જોકે, કારમાં સવાર પાંચે લોકોનો આબાદ બચાવ થતા પરિવારે કુદરતનો આભાર માન્યો છે.કારની સ્પીડ માત્ર 80 કિલોમીટર હતી પણ હાઇવે પર આવતો કટ અકસ્માતનું કારણ બન્યું હોવાની વાત કાર ચાલક કરણ પારેખે જણાવી હતી.

આ રસ્તા પર જ બે દિવસ પહેલા અકસ્માતમાં નવ લોકોનાં મોત થયા હતા
વેસ્માથી લઈને નવસારી ગ્રીડ સુધીનો પટ્ટો જાણે અકસ્માત ઝોન બન્યો હોય તેમ અકસ્માતની હારમાળાઓ સર્જાવા પામી છે. 31મી ડિસેમ્બર નવ યુવાનોના મોતની કાળી ઘટના બનવા પામી હતી જેમાં ફાર્મા કંપનીમાં કામ કરતા 8 જેટલા યુવાનોના ફોર્ચ્યુનર કારમાં અકસ્માતે મૃત્યુ થયા હતા. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ફરીવાર આજે સવારે 6:30 વાગે અકસ્માતની ઘટના બની હતી જેમાં પારેખ પરિવાર રાજકોટથી ધાર્મિકવિધિ પૂર્ણ કરી નવસારી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન પલસાણા પાસે ચા નાસ્તો કરીને પરત ફરતી વેળા રનોદ્રા પાસે એકાએક સ્કોડા રેપિડ કાર પાંચ પલટી મારીને સામેના ટ્રેક પર જઇને ટ્રક સાથે ભટકાઈ હતી.

આ સમગ્ર ઘટનામાં ભોગ બનનાર પરિવાર પણ અવાક રહી ગયો છે કે ભયાનક અકસ્માતમાં તમામ સુરક્ષિત રહ્યા છે,માત્ર કાર ચાલક મિનેશ પારેખના 73 વર્ષીય માતાને ખભા પર સામાન્ય ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી.કારની સ્પીડ ઓછી હોવાને છતાં અકસ્માત થયો તેને લઈને પરિવાર પણ ચોકી ગયો છે.પારેખ પરિવારે ઠાકોરજીનો આભાર માનતા જણાવ્યું છે કે, 2 દિવસ અગાઉ થયેલા અકસ્માતની અમને જાણ છે પણ અમાંરી સાથે જે અકસ્માત થયો તેને લઈને અમારો આબાદ બચાવ થયો છે જેને લઈને અમે ભગવાનના આભારી છીએ.

અન્ય સમાચારો પણ છે...