તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મન્ડે પોઝિટિવ:ઓક્સિજન, રેમડેસિવિર અને બેડની સમસ્યા હળવી થઇ, નવસારીના રૂંધાયેલા શ્વાસ હેઠાં બેઠાં

નવસારી3 મહિનો પહેલાલેખક: ભદ્રેશ નાયક
  • કૉપી લિંક
  • એપ્રિલથી કોરોનાના કેસ સતત વધવા છતાં આરાેગ્ય સેવાને પ્રાણવાયુ મળતાં દર્દીઆેની દુવિધામાં ઘટાડાે

નવસારી જિલ્લામાં કોરોનામાં ઓક્સિજન, રેમડેસિવિર ઈન્જેકશન અને બેડની ભારે સમસ્યાના કારણે હાહાકાર મચી ગયો હતો, એ ઉક્ત સમસ્યા પૂર્ણતઃ હલ તો નહીં પણ ઘણી અંશે હળવી થઈ ગઈ છે. નવસારી જિલ્લામાં એપ્રિલ મહિનાથી કોરોનાના કેસમાં વધારો થયો હતો અને ભારે હાહાકાર મચાવી દીધો છે. આ કોરોનાની બીજી લહેરમાં કેસો જે વધ્યા તેમાં ગંભીર કેસો વધુ છે અને દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. અચાનક જ વધુ સંખ્યામાં કેસો વધતા હોસ્પિટલો ફૂલ થઈ જતા દર્દીઓ માટે બેડની સમસ્યા સર્જાય હતી.

બેડ જ નહીં ઘણા દર્દીઓ ગંભીર હાલતમાં આવતા તેમને ઓક્સિજન આપવો પડે એમ હતો, જોકે ઓક્સિજન પૂરતા જથ્થામાં હોસ્પિટલોને ન મળતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી. બે વખત તો હોસ્પિટલ સંચાલકોએ જાહેરમાં આ સમસ્યા હલ ન થાય તો ગંભીર સ્થિતિ પેદા થવાની વાત પણ કરી હતી. આ ઉપરાંત ગંભીર દર્દીઓ માટે જરૂરી રેમડેસિવિરની પણ ભારે અછત એક બે દિવસ નહી,અનેક દિવસ રહી હતી. આમ તો કોરોનાના કેસોમાં તો નહીવત ઘટાડો થયો પણ આ ઓક્સિજન, બેડ અને રેમડેસિવિર ત્રણેય મોટી સમસ્યા નવસારીમાં હાલ બિલકુલ ઉકેલાઈ તો નથી પણ ઘણી અંશે ઉકેલાઈ છે. જે મોટી બુમરાણ મચી હતી, તે હવે રહી નથી.

ઓક્સિજનની સમસ્યાનું કારણ ‘સુરત’ હલનું કારણ પણ ‘સુરત’
નવસારી જિલ્લામાં એપ્રિલના પ્રથમ અઠવાડિયાથી ઓક્સિજનની સમસ્યા સર્જાઈ હતી. રોજની 20 ટનની માગ સામે માંડ 8થી 10 ટન જ મળતો હતો. મુખ્ય કારણ એ હતું કે સુરત જિલ્લાની ત્રણ જગ્યાએથી ઓક્સિજન જે આવતો હતો, ત્યાંથી સુરતમાં પણ જતો હતો તેથી નવસારીને અપૂરતો મળતો હતો. સુરતની માગ પ્રથમ સંતોષાતી હતી અને નવસારીની માગ ઓછી સંતોષાતી હતી. જોકે હવે ઉક્ત ત્રણેય જગ્યાએથી સુરતને વધુ સપ્લાય મળતો નથી, સાથે નવસારીને પૂરતો ઓક્સિજન આપવામાં સરકારી આદેશને લઈ કેટલાક દિવસથી સારો ઓક્સિજન મળી રહ્યો છે.

નવસારીની ગુફિક કંપનીમાં બનતાં ‘રેમડેસિવિર’ મળતા બૂમરાણ ઘટી ગઈ
કોરોનામાં એન્ટીવાયરલ ઈંજેકશન તરીકે રેમડેસિવિર ઈંજેકશનની માગ ખુબ છે. અચાનક ગંભીર કેસો વધતા અચાનક જ માંગ વધતા નવસારીમાં ભારે અછત ઉભી થઈ હતી. સરકારી જથ્થો પણ જે ફાળવાતો હતો તે હોસ્પિટલોની જરૂરિયાતના પ્રમાણમાં ખુબ જ ઓછો હતો. જોકે નવસારીમાં પણ જ્યાં આ ઈંજેકશનનું જોબવર્ક થાય છે એ ‘ગુફીક’ કંપનીમાં બનતા ઈંજેકશનો છેલ્લા કેટલાક દિવસોથી નવસારી જિલ્લાને મળી રહ્યા છે. રોજ 480 જેટલા મળે છે, તેથી આ ઈંજેકશનની સમસ્યા હલ તો નહીં હળવી થઈ ગઈ છે. હજુ પણ સરકારી ફાળવણી તો અગાઉની જેમ ઓછી જ છે.

અનેક કોવિડ કેર સેન્ટરો શરૂ થતાં જ બેડની સમસ્યાનું નિરાકરણ
નવસારીમાં એપ્રિલમાં અચાનક જ કોવિડના દર્દીઓમાં વધારો થઈ જતા હોસ્પિટલોમાં ‘બેડ’ પણ ખૂટી પડ્યા હતા. જિલ્લાની 31 હોસ્પિટલમાં 1400 થી 1600 બેડ પણ ઓછા પડતા હતા અને દર્દીઓને બેડ ન મળવાની મોટી ફરિયાદ હતી. જોકે હવે આ ફરિયાદ પણ હળવી થઈ છે. આ સમસ્યા હળવી થવાનું કારણ હોસ્પિટલ અને બેડમાં વધારો છે. આ ઉપરાંત નમો કેર સેન્ટર, પ્રભાકુંજ કોવિડ સેન્ટર, શારદા ફાઉન્ડેશન, પ્રજાપતિ સેન્ટર સહિત ઘણી સંસ્થાઓએ કોવિડ કેર સેન્ટર (કેટલાકે ઓક્સિજન સહિત) શરૂ કરતા બેડની સમસ્યા પણ ઓછી થઈ છે.

છેલ્લા બે દિવસમાં કોવિડ પ્રોટોકોલ મુજબ અગ્નિદાહ 40 ટકા ઘટ્યાં
નવસારીમાં કોરોનાના દર્દીઓના મૃત્યુની સંખ્યામાં ચિંતાજનક વધારો એપ્રિલમાં થયો હતો. આ એક જ મહિનાના વિરાવળ સ્મશાને કોવિડ પ્રોટોકોલથી 451 જણાંના અગ્નિસંસ્કાર કરાયા હતા. દરરોજ 20થી 22 જણાંના સરેરાશ કોવિડ મૃતદેહ સ્મશાને 10 એપ્રિલ બાદ આવતા હતા. જોકે છેલ્લા બે દિવસથી મૃત્યુની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. શનિવારે 9 જ મૃતદેહને કોવિડ પ્રોટોકોલથી અગ્નિદાહ કરાયા બાદ રવિવારે સાંજે 7.30 કલાક સુધીમાં 12 જ કોવિડ મૃતદેહ આવ્યા હતા. એ અલગ વાત છે કે સરકાર મૃત્યુઆંક ખુબ જ ઓછો બતાવી રહ્યો છે.

અગાઉ જે સમસ્યાઓ હતી તે હાલ નહિંવત અગાઉ જે ઓક્સિજનની સમસ્યા હતી, તે લગભગ હાલ નથી. અમને પૂરતો ઓક્સિજન મળી રહ્યો છે. રેમડેસિવિર ઈંજેકશનની અગાઉ જે મોટી સમસ્યા હતી તેમાં પણ ફરક આવ્યો છે. અગાઉ ઘણી ઘટ હતી, હાલ માંડ 15 ટકા જ ઘટ પડે છે. ગુફીકના ઈંજેકશનો મળતા થતા સમસ્યા હળવી થઈ છે. - રાજ દેસાઈ, સંચાલક, ઓરેંજ હોસ્પિટલ, નવસારી

અન્ય સમાચારો પણ છે...