વિવાદ:નવસારીની સર.જે.જે. હાઈસ્કૂલમાં RTE એક્ટ હેઠળ છાત્રોને પ્રવેશ ન અપાતા વિવાદ

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માન્યતા રદ કેમ ન કરવી તે બાબતે જિલ્લા શિક્ષણાધિકારીની શાળાને નોટિસ

નવસારીનાં હાંસાપોર નજીક આવેલી સર જે.જે. હાઈસ્કૂલમાં સરકારનાં RTE એક્ટ હેઠળ પ્રવેશ ન આપતા જિલ્લા શિક્ષણાધિકારીએ RTE એકટ હેઠળ પ્રવેશ કેમ ન આપ્યો ? તે બાબતે નોટિસ ફટકારી પ્રવેશની કાર્યવાહી સમયમર્યાદામાં ન કરશો તો શાળાની માન્યતા રદ કરવાની ફરજ પડશે તેમ લેખિતમાં જણાવ્યું હતું. આ બાબતે નિયામક પ્રાથમિક શિક્ષણ વિભાગ ગાંધીનગરને પણ જાણ કરી હતી.

નવસારીના હાંસાપોર ગાંધીસ્મૃતિ રેલવે ફાટક પાસે આવેલી સર જે.જે હાઈસ્કૂલના સંચાલકોને નવસારી જિલ્લા શિક્ષણાધિકારી તરફથી RTE પ્રવેશ 2020-21માં ફાળવેલ છાત્રોને પ્રવેશ ન આપવા બુધવારે નોટિસ આપી હતી. તેમાં જણાવ્યું કે 14મી સપ્ટેમ્બરે પત્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા ખુલાસો પણ આપવામાં આવ્યો હતો પણ સંસ્થાનો ખુલાસો RTE એક્ટ 2009ના નિયમોને આધીન ગ્રાહ્ય રાખવામાં આવ્યો નથી. સંસ્થા દ્વારા સર જે.જે. હાઈસ્કૂલને પ્રાથમિક વિભાગનું લઘુમતી દરજ્જા તરીકેનું સક્ષમ અધિકારી પાસે મંજુરી મેળવવામાં આવેલું હોય તે રજૂ કરવા જણાવ્યું હતું. શાળાનાં સંચાલકો દ્વારા તે રજૂ કરવામાં આવ્યું ન હતું.

ઉપરાંત શાળા દ્વારા ધો. 1થી 8 માટે લઘુમતી શાળાનું પ્રમાણપત્ર ન હોય શાળામાં વર્ષ 2020-21 માટે RTE હેઠળ પ્રવેશ મેળવેલા છાત્રોને પ્રવેશ આપવાની કામગીરી પૂર્ણ કરી રિપોર્ટ આપવા જણાવ્યું હતું. જો પ્રવેશની કાર્યવાહી યોગ્ય સમયમાં પૂર્ણ ન કરશો તો ખાનગી પ્રાથમિક શાળાની માન્યતા રદ કરવાની ફરજ પડશે તેમ જણાવતા નવસારી અન્ય શાળા સંચાલકોમાં ફફડાટ પેસી ગયો છે.

RTE એક્ટ મૂજબ પ્રવેશ ન આપે તો માન્યતા રદ થશે
શાળાને નોટિસ આપી છે, જેમાં 14 ગુજરાતી માધ્યમ અને 9 અંગ્રેજી માધ્યમના છાત્રો મળી કુલ 23 છાત્રોને RTE એક્ટ હેઠળ પ્રવેશ ન આપે તો શાળાની માન્યતા રદ કરવાના પગલા લેવામાં આવશે. જેની જાણ ગાંધીનગર ખાતે કરી દેવામાં આવી છે. > રોહિત ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી, નવસારી

અન્ય સમાચારો પણ છે...