તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીના નવરત્ન નર્સના જુસ્સાની વાત:સિવિલ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓની ખડેપગે સેવા કરનાર ભાઇ-બહેન દાદીના મૃત્યુના 24 કલાકમાં ફરજ પર હાજર

નવસારી3 મહિનો પહેલાલેખક: નીલ નાયક
  • કૉપી લિંક
ભાઈ-બહેનની તસવીર - Divya Bhaskar
ભાઈ-બહેનની તસવીર
  • અગાઉ સંક્રમિત થયેલા સોહેલની પત્ની સગર્ભા, પિતા-દાદા પોઝિટિવ, બહેન સુનેહરાને હજુ સુધી કોરોના સ્પર્શ્યો નથી
  • નર્સ ભગવાન નથી પરંતુ ભગવાનથી કમ પણ નથી

પોતાના જીવનની પરવાહ કર્યા વગર કોરોના દર્દીઓને સાજા કરવાની મુહિમમાં કોરોના વોરિયર્સ પરિવારના હૂંફ અને પ્રેમ કરતા પણ લોકસેવાને પ્રાધાન્ય આપીને ખડેપગે પોતાની ફરજ નિભાવી રહ્યાં છે. નવસારીમાં પણ જીવની પરવાહ કર્યા વગર સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતાં ભાઇ-બહેન અવિરત પણે કોરોના પોઝિટિવ દર્દીઓની સારવારમાં સજ્જ છે. કોરોના વોર્ડમાં મેલ નર્સ તરીકે ફરજ બજાવતા સોહેલને ગત વર્ષે જૂનમાં કોરોનાએ સકંજામાં લીધાે હતાે, સિવિલ હોસ્પિટલના સ્ટાફમાં સોહેલ સંક્રમિત થનાર પ્રથમ વ્યક્તિ હતાે.

આ બાદ તેમના પિતા પણ કોરોના સંક્રમિત થયા હતા. જોકે બન્નેએ કોરોનાને માત આપી હતી. હાલમાં સોહેલ અને સુનેહરાના દાદા-દાદી પણ કોરોના સંક્રમિત થયા છે, જેમાં દાદીનું સોમવારે જ મૃત્યુ થયું છે અને દાદાની સારવાર ચાલી રહી છે. જોકે દાદીના મૃત્યુના 24 કલાકની અંદર જ બન્ને ભાઇ-બહેન પોતાની નૈતિક જવાબદારી સમજીને મંગળવારે જ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ડ્યૂટી પર હાજર થયા હતા. ઘરમાં કોવિડના કેસો હોવા છતાં સુનેહરાને આજ સુધી કોરોના અડી શક્યો નથી. હોસ્પિટલ અને ઘર બન્નેની ફરજ નિષ્ઠા પુર્વક નિભાવનાર ભાઇ-બહેનના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. કારણ કે હાલ સોહેલની પત્ની સગર્ભા અને 4 વર્ષનો પુત્ર પણ છે.

દર્દીનો મૃતદેહ આપતાં ભાવુક થઇ જવાય છે
હું છેલ્લા 25 વર્ષથી સિવિલમાં ફરજ બજાવું છું. મારી કારર્કિદીના આટલા વર્ષોમાં આજ સુધી આવો સમય જોયો નથી. કોરોના શરૂ થયો ત્યારથી કોરોના વોર્ડમાં ફરજ બજાવું છું. કોરોનામાં આવેલ દર્દીનું મૃત્યુ થતા તેનો મૃતદેહ તેમના પરિજનોને આપતા ભાવુક થઇ જવાય છે. દોઢ વર્ષથી કોરોના વોર્ડમાં ફરજ બજાવતી હોવા છતાં સાવચેતી રાખવાથી હું કે મારા પરિવારમાં કોઇ સંક્રમિત નથી થયા. - કાક્ષા દેસાઇ, સ્ટાફ ઇન્ચાર્જ, સિવિલ હોસ્પિટલ

કોરોનાથી અનેક પરિવાર તૂટતાં જોયા
હું ગત વર્ષે સપ્ટેમ્બરમાં કોરોના સંક્રમિત થઇ હતી અને બાદમાં મારા પતિ પણ કોરોના સંક્રમિત થયા હતા. મને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં 7 દિવસ રાખવામાં આવી હતી. જોકે મારા પતિ હોમ ક્વોરન્ટાઇન થઇને સાજા થઇ ગયા હતા. કોરોનાને કારણે લોકોના પરિવાર તૂટતા જોયા છે. કોરોનાનું આ તાંડવ જલ્દીથી બંધ થાય તો સારૂ. - વાસંતિબેન વરિયા, સ્ટાફ નર્સ, સિવિલ હોસ્પિટલ

મારી કારકિર્દીમાં આવી મહામારી જોઇ નથી
મારી 29 વર્ષની કારકિર્દીમાં આવી મહામારી કોઇ દિવસ આવી નથી. મને પણ કોરોનાએ સંક્રમિત કરી હતી અને મારે સિવિલમાં 6 દિવસ સારવાર માટે દાખલ પણ થવું પડ્યું હતું. મારા બાદ મારા પુત્રને પણ કોરોનાએ સકંજામાં લીધો હતો. કોવિડ શરૂ થતાની સાથે જ તેની ફરજ નિભાવી રહી છું. દર્દીથી શ્વાસ ન લેવાતો હોય ત્યારે તે શ્વાસ લેવા માટે વલખા મારે છે, તે જોવાતું નથી. - ઉમાબેન પટેલ, હેડ નર્સ, સિવિલ હોસ્પિટલ

​​​​​​​

​​​​​​​100% પ્રયાસ પણ બધુ અમારા હાથમાં નથી
હું હાલમાં જ કોરાેનાની સારવાર લઇને સાજી થઇ ડ્યૂટી પર પરત ફરી છું. મારી સાથે મારી 20 વર્ષિય દિકરી પણ સંક્રમિત થઇ હતી. લોકોને બચાવવા માટે અમે સ્ટાફ નર્સ હર હંમેશ તૈયાર હોઇએ છીએ. અમે સારવારમાં 100% પ્રયાસ કરીએ છીએ, દર્દીને સાજા કરી તેનો બચાવ અમારી પ્રાથમિકતા છે. દર્દી સ્વસ્થ થઇને ઘરે જાય ત્યારે સફળ ઇલાજ કર્યાનો દિલથી સંતોષ થાય છે. - મુમતાઝ કાપડિયા, સ્ટાફ નર્સ, સિવિલ હોસ્પિટલ

​​​​​​​

​​​​​​​દર્દીને ન બચાવી શકવાનું દુ:ખ અસહ્ય
મારી 53 વર્ષની ઉંમરમાં છેલ્લા 25 વર્ષથી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત છું. કોરોનામાં દર્દીઓને આવતા જોઇને ખૂબ જ ચિંતા થાય છે. તેને બચાવવા માટેના અમે બનતા બધા પ્રયત્નો કરીએ છીએ. આ બાદ પણ જો કોઇનું મૃત્યુ થાય તો ખૂબ જ દુ:ખ અનુભવાય છે. આવા કપરા સમયમાં દર્દીના પરિવારના સભ્યોને સાંત્વના આપીને દુ:ખ ઓછું કરવાનો પ્રયાસ કરીએ છીએ. - રમીલા પટેલ, સ્ટાફ ઇન્ચાર્જ, સિવિલ હોસ્પિટલ

​​​​​​​

​​​​​​​મૃત્યુની જાણ કરતા ગળે ડૂમો ભરાય જાય છે
કોરોનાનો કહેર શરૂ થયો ત્યારથી કોવિડ ઓપીડીમાં ફરજ બજાવું છું. હોસ્પિટલમાં દાખલ થવાની સાથે દર્દીને ઓપીડીમાં તપાસ અર્થે લવાય છે. દર્દીની પીડા જોઇને અમને પણ દુ:ખ થાય છે. દર્દી છેલ્લા સ્ટેજ પર આવે ત્યારે ભાવુક થઇ જવાય છે. દર્દીનું મૃત્યુ થતાં તેમના સગાને કેવી રીતે સમજાવવા તેમને કેવી રીતે સાંત્વના આપવી. તે સમય અમારા માટે ખુબ જ તકલીફ દાયક હોય છે. - ધરતી દેસાઇ, ઇન્ચાર્જ સ્ટાફ નર્સ, સિવિલ હોસ્પિટલ

​​​​​​​

​​​​​​​દોઢ વર્ષની દિકરીને સાસુ સાચવે છે
એક વર્ષથી મારી દોઢ વર્ષની દીકરીને ઘરે સાસુ પાસે મુકી દર્દીઓની સેવા કરૂ છું. દીકરી મીષ્ટિની યાદ આવે ત્યારે વીડિયો કોલ કરીને તેને જોઇને તેને વ્હાલ કરી લઉ છું. ઘરે જઇને પણ દીકરીને વ્હાલ કરવાને બદલે સૌ પ્રથમ પોતાને સ્વચ્છ કરૂ છું અને ત્યારબાદ તેને સમય આપુ છું. જેથી દીકરી સલામત રહે. જો કે દીકરીને દાદીમાંનો પ્રેમ મળતાં મારી કમી વરતાતી નથી. - દિક્ષિતા પટેલ, સ્ટાફ નર્સ, સિવિલ હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...