એક તિથિ-ત્રણ પર્વ:સોમવતી અમાસના દિવસે શનિ જન્મોત્સવ અને વટ સાવિત્રી વ્રતની પણ ઉજવણી કરાશે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરી મંદિરમાં દર્શન કરવાની પ્રથા

30 મેના રોજ શનિ જયંતી અને સૌભાગ્ય આપનાર વટ સાવિત્રી અમાસ રહેશે. આ દિવસે સોમવાર હોવાથી સોમવતી અમાસનો શુભ સંયોગ બની રહ્યો છે. આ દિવસે શનિદેવ પોતાની જ રાશિ, કુંભમાં રહેશે. જ્યોતિષીઓના મત પ્રમાણે આ યોગ શનિથી પીડિત લોકો માટે ખાસ છે, જ્યારે તેઓ શનિ આરાધના અને અસહાયોની સેવા કરી રોગ અને તમામ પીડાઓથી મુક્તિ મેળવી શકે છે.

આ દિવસે મહિલાઓ પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખીને વડના ઝાડની પરિક્રમા કરે છે. આ દિવસે સોમવતી અમાસ પર્વ હોવાથી સ્નાન-દાનનું અક્ષય પુણ્ય મળશે. તે પછીના 15 દિવસ પછી એટલે 14 જૂનના રોજ વટ સાવિત્રી પૂર્ણિમા પણ મહિલાઓ માટે ખાસ રહેશે. આ વ્રત રાખીને પોતાના અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થના કરશે.

વટ સાવિત્રી અમાસ પરિણીત મહિલાઓ માટે ખાસ દિવસ હોય છે. આ દિવસે સાવિત્રીએ પૂજા દ્વારા યમદેવને પ્રસન્ન કરી પોતાના પતિ સત્યવાનના પ્રાણોની રક્ષા કરી હતી. ત્યારથી જ વટ સાવિત્રી અમાસ અને વટ સાવિત્રી પૂર્ણિમા ઊજવવામાં આવશે. અમાસના દિવસે મહિલાઓ વડના ઝાડની જડમાં જળ અર્પણ કરીને કાચો દોરો લપેટીને 7, 11, કે 21 પરિક્રમા કરી પતિની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરશે. પૂજામાં ઘરમાં બનેલાં પકવાન ચઢાવવામાં આવે છે.

વૈશાખ અમાસના દિવસે શનિદેવનો પ્રકટોત્સવ છે. તેમની કૃપા મેળવવાનો એક સહજ ઉપાય એવો પણ છે કે વૃદ્ધ, રોગી, દિવ્યાંગ અને અસહાય લોકોની સેવા કરો. કોઈ પ્રકારનું વ્યસન કરો છો અને તેનો ત્યાગ કરશો તો કષ્ટોનું નિવારણ થવા લાગશે.

સોમવતી અમાસનું મહત્વ
આ સંયોગના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે. મંદિરોમાં દર્શન કરવા જોઈએ. પૂજા-પાઠ અને દાન કરવું જોઈએ. નદીમાં સ્નાન કરી શકો નહીં તો ઘરના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને નાહવાથી તેનું પુણ્ય મળશે. સૂર્યને અર્ઘ્ય આપવું. સ્નાન કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને અનાજ અને ગૌશાળામાં ધન અને લીલું ઘાસ દાન કરો. અમાસના દિવસે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો. હથેળીમાં જળ લો અને અંગૂઠા તરફથી પિતૃઓને અર્ધ્ય આપો.

અન્ય સમાચારો પણ છે...