આકારણી રદ કરવા કર્યો હુકમ:નવસારીમાં અનેક ગેરકાયદે બાંધકામોની કરાયેલ આકરણી સામે પુન: સવાલો ઉઠ્યા

નવસારી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમિશનર, મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કોર્ટનો બે બાંધકામને ગેરકાયદે ઠરાવી આકારણી રદ કરવા કર્યો હુકમ

નવસારીના રિંગરોડ વિસ્તારમાં આવેલ એક ગેરકાયદે બાંધકામની આકારણી મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશ્નરે રદ કરવાનો હુકમ કર્યો છે. આ હુકમને લઈ શહેરના અન્ય ગેરકાયદે બાંધકામોની પણ ધડાધડ કરાયેલ આકારણી ઉપર સવાલો ઉઠ્યાં છે.

મળતી માહિતી મુજબ નવસારીની મહાવીર સોસાયટી રિંગરોડ વિસ્તારમાં ટીકા નંબર 151ના સિટી સર્વે નંબર 5825 ના પ્લોટ નમ્બર 43,44 વાળી જમીનનું ક્ષેત્રફળ 1129.14 ચોરસ મીટર છે,જ્યાં થયેલ બાંધકામની કાયદેસરતા મુદ્દે નવસારીના જાણીતા એડવોકેટ સી.પી. નાયકે પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ કોર્ટમાં અરજ કરતા પ્રાદેશિક કમિશ્નર ક્ષિપ્રા આગ્રા એ ઉક્ત બાંધકામને ગેરકાયદે ઠરાવી બાંધકામ દૂર કરવા નવસારી પાલિકાના સીઓને હુકમ કર્યો હતો. આ હુકમ સામે સી.પી.નાયકે કમિશ્નર, મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન, ગુજરાત રાજ્યની કોર્ટમાં અપીલ કરી હતી.

આ અપીલનો નવસારીના પરિપક્ષમા મહત્વનો ઓર્ડર કમિશ્નર રાજકુમાર બેનિવાલે કર્યો છે. ઓર્ડરમાં પ્રાદેશિક કમિશ્નરનો અગાઉનો 20 ઓગસ્ટ 2020નો ગેરકાયદે બાંધકામ દૂર કરવાનો હુકમ તો કાયમ રાખ્યો છે,સાથે આ ગેરકાયદે બાંધકામના મિલકતની આકારણી જે કરવામાં આવી છે તે ગેરકાયદે આકારણી રદ કરી ઘટતી કાર્યવાહી હાથ ધરવા પણ નવસારી પાલિકાને સૂચના આપી છે.

કોર્ટે પોતાના તારણમાં જણાવ્યું કે નગરપાલિકા અધિનિયમ કલમ 101થી 112ની જોગવાઈ અનુસાર આકારણી કરવાની થાય છે,જેથી નગરપાલિકા દ્વારા તાત્કાલિક ગેરકાયદે આકારણી રદ કરવાની થાય છે. આ ઉપરાંત મહાવીર નગર સોસાયટીમાં જ ટીકા નંબર 151 સિટી સર્વે નંબર 5742ના પ્લોટ નં. 1 વાળી જમીનમાં થયેલ બાંધકામને પણ ગેરકાયદે ઠરાવી તેની આકારણી પણ રદ કરવાનો હુકમ અન્ય એક કેસમાં આ જ કોર્ટે કર્યો છે.

આ હુકમ શહેર માટે મહત્વનો છે કારણકે થોડા સમય અગાઉ શહેરમાં આશરે 40થી વધુ ગેરકાયદે બાંધકામોની આકારણી નગરપાલિકાએ ધડાધડ કરી દીધી હતી. હાલનો કમિશ્નર, મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન રાજકુમાર બેનિવાલની કોર્ટના હુકમથી ઉક્ત અનેક બાંધકામોની આકારણી સામે પણ સવાલો ઉભા થાય એમ છે.

ભૂતકાળમાં થોડા સમય અગાઉ જે ગેરકાયદે બાંધકામોની આકરણી નગરપાલિકાએ કરી હતી તે પણ કમિશનર, મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનના જ 2020ના એક હુકમથી કરાયાની પણ ચર્ચા છે. મહાવીર સોસાયટીમાં ટીકા નં. 151 સિટી સર્વે નં. 5742 પ્લોટ નં. 1 ના બાંધકામ મુદ્દે દોશી એન્ટરપ્રાઇઝના ભાગીદાર પણ અપીલમાં ગયા હતા. જોકે કમિશનર, મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કોર્ટે તેની અપીલ નામંજૂર કરી હતી.

મંદિર તુરંત તોડાયું પણ હુકમ છતાં ગેરકાયદે બાંધકામો યથાવત
હાલમાં જ શહેરના જમાલપોર વિસ્તારની સર્વોદયનગરમાં જ બનેલા મંદિર તોડવાનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. આ મંદિરનું બાંધકામ નૂડાએ અનધિકૃત બાંધકામ ઠરાવ્યું હોય તોડાયાનું જણાવાયું છે. જોકે શહેરમાં ચર્ચા એ છે કે અનેક બાંધકામ ગેરકાયદે ઠરાવાયા છે, કેટલાકને તોડવાના હુકમ પણ થયા છે છતાં યથાવત જ રહ્યાં છે એ પણ નરી વાસ્તવિક્તા છે.

તમામ ગેરકાયદે બાંધકામની આકારણી રદ કરો
કોર્ટના ચૂકાદા અનુસાર ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કાર્યવાહી નગરપાલિકાએ કરવી જોઈએ. ઉપરાંત આ બે બાંધકામોની સાથે શહેરમાં જે અન્ય ગેરકાયદે બાંધકામોની આકારણી પણ કરાઈ છે, તે તમામ રદ કરવી જોઈએ. > સી.પી. નાયક, એડવોકેટ-અરજકર્તા

અન્ય સમાચારો પણ છે...