ટોક્યો ઓલિમ્પિકમાં ભાલાફેંકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવી નિરજ ચોપરા યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બન્યો છે અને ભારતીય ખેલાડીમાં પણ હવે વિશ્વાસ મજબૂત બન્યો છે કે તેઓ પણ આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં દેશને ગોલ્ડ મેડલ અપાવશે. ત્યારે આવી જ એક નવસારીની માત્ર સાત વર્ષીય ખેલાડી છે કે, જેને એક મિનિટમાં 64 મોસ્ટ ફોરવર્ડ વોકઓવર કરી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. 4 એપ્રિલના રોજ દ્રષ્ટિ દ્વારા વર્લ્ડ રેકોર્ડ માટે કરાયેલા એટેમ્પટને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્રારા કન્ફર્મેશન અપાઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.
સાત વર્ષની નાની ઉમરે મોટી સિદ્ધિ મેળવી
દ્રષ્ટિ જયસ્વાલ હાલ બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. આ ઉમરે મોટાભાગના બાળકો તો મોસ્ટ ફોરવર્ડ વોકઓવર શબ્દથી જ અજાણ હોય છે. એવામાં દ્રષ્ટિ જયસ્વાલે માત્ર એક મિનિટમાં 64 મોસ્ટ ફોરવર્ડ વોકઓવર કરી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનો રેકોર્ડ નોંધાવ્યો છે. દ્રષ્ટિ જયસ્વાલ દ્વારા વર્લ્ડ રેકોર્ડ માટે 4 એપ્રિલના રોજ એટેમ્પ્ટ કરવામા આવ્યો હતો, જેનું કન્ફર્મેશન ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા 4 ઓગસ્ટના રોજ આપવામા આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે, ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે એટેમ્પ્ટની સાથે 120 જેટલા એવિડન્સ પણ મોકલવામા આવ્યા હતા.
રોજ 5 થી 6 કલાક પ્રેકટિસ કરી સફળતા મેળવી
સાત વર્ષીય દ્રષ્ટિ જયસ્વાલે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ નોંધાવવા માટે દરરોજ પાંચથી છ કલાકની પ્રેકટિસ કરી હતી. દ્રષ્ટિ મોસ્ટ ફોરવર્ડ વોકઓવર ઉપરાંત યોગાસન પણ સારી રીતે કરી શકે છે. તે વર્ષ 2019માં અમદાવાદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની ખેલ સ્પર્ધામાં પણ ભાગ લઈ ચૂકી છે.
દ્રષ્ટિને આગળ વધવા માટે સરકાર મદદ કરે તેવી પરિવારજનોને આશા
દ્રષ્ટિના માતા ટ્વિનકલ જયસ્વાલના જણાવ્યા મુજબ જો તેમની દીકરીને કોઈ સારો સ્પોન્સર મળે તો તે હજુ આગળ વધી શકે તેમ છે. મોસ્ટ ફોરવર્ડ વોકઓવર માટે જરુરી મેટથી લઈ અન્ય સુવિધાઓનો હાલ દ્રષ્ટિ પાસે અભાવ છે તેમ છતા તે સારા ભવિષ્યની આશા સાથે સખત ટ્રેનિંગ કરી રહી છે. ત્યારે પરિવારજનોની માગ છે કે, સરકાર દ્રષ્ટિને આગળ વધવા માટે જરુરી મદદ કરે.
ગુજરાત સ્ટેસ્ટ સ્પોર્ટ્સ આથોરિટી સાથે જોડાયેલા કોચ ગાયત્રીબેન પટેલના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા છ વર્ષથી મદ્રેસા હાઈસ્કૂલમાં કોચ તરીકે કાર્યરત છે અને દ્રષ્ટીને પણ તેમણે તાલીમ આપી છે. તેઓનું કહેવું છે કે, હાલ તેઓ પાસે જરુરી સાધનોનો અભાવ છે.જો સરકાર સુવિધાઓ ઉપલબ્ધ કરાવે તો ખેલાડીઓ વધુ સક્ષમ બની દેશનું નામ રોશન કરી શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.