તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્વાસ આપ્યા:દર્દીઓને નિ:શુલ્ક પ્રાણવાયુ આપવાનો સેવાયજ્ઞ

નવસારી3 મહિનો પહેલાલેખક: નીલ નાયક
  • કૉપી લિંક
  • 60 મોટી અને 45 નાની ઓક્સિજન બોટલ આપી 400થી વધુ લોકોની મદદ કરી

નવસારીમાં કોરોનાની બીજી લહેરે ત્રાહિમામ મચાવ્યો છે. ઓક્સિજન હોય કે પછી ઇન્જેક્શન બન્નેની અછતને પુરવામાં તંત્ર વામણું પુરવાર થયું છે, તેવા સમયે કોરોનાના વધતા કેસો જોતા સામાજીક સંસ્થાઓએ ફરી એકવાર આગળ આવીને લોકોસેવા માટે લોકોને પ્રાણવાયુ આપીને તેમના જીવ બચાવવા માટેનું બિડું ઉપાડ્યું છે. નવસારીમાં છેલ્લા એક મહિનાથી ઓક્સિજનની અછત હોવાની બુમ પડતી હતી. આવા સમયે સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ, જૈન યુવા મિત્ર મંડળ અને ભગવાન મહાવીર કરૂણા મંડળના સહયારા પ્રયત્ન થકી લોકોને ઓક્સિજન પહોંચાડવાની કામગીરી શરૂ કરી છે.

નવસારીમાં એપ્રિલ મહિનામાં ઓક્સિજન માટે વલખા મારી રહ્યાં હતા. તેવા સમયે નવસારીની સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ, જૈન યુવા મિત્ર મંડળ અને ભગવાન મહાવીર કરૂણા મંડળે સાથે મળીને નગરજનોને પુરતી માત્રામાં ઓક્સિજન મળી રહે તે હેતુથી શાંતાદેવી રોડ થેરાપી સેન્ટર શરૂ કરવામાં આવ્યું. કોવિડ દર્દીઓ માટે ઇમર્જન્સિમાં ઓક્સિજનની જરૂર હોય તો આ થેરાપી સેન્ટર પરથી દર્દીઓ માટે નિ:શુલ્ક ઓક્સિજનની બોટલ આપવાની શરૂઆત કરાઇ.

19 એપ્રિલથી શરૂ કરાયેલ આ થેરાપી સેન્ટરમાંથી મુખ્યત્વે હોમ ક્વોરન્ટાઇન દર્દીઓને ઓક્સિજન બોટલ આપવામાં આવે છે. થેરાપી સેન્ટર પાસે 60 મોટી અને 45 નાની ઓક્સિજન બોટલો છે. આજ સુધી તેમણે 400થી વધુ દર્દીઓને મફત ઓક્સિજન સેવા પુરી પાડી છે. દર્દીના સગાને ઓક્સિજન આપ્યા બાદ વિડિયો કોલ કરીને તેના ખબર અંતર પણ પુછવામાં આવે છે. જોકે પાછલા દિવસોમાં તેમણે હોસ્પિટલોમાં પણ પોતાના ઓક્સિજન બોટલ આપીને લોકોના જીવ બચાવ્યાં છે.

અંકલેશ્વર સુધી ઓક્સિજન ભરાવવા જાય છે
થેરાપી સેન્ટરમાં રમેશભાઇ પટેલ, જીગ્નેશભાઇ અને ભગવાન મહાવીર કરૂણા મંડળના યુવાન કાર્યકર્તાઓ મક્કમ મને લોકસેવામાં 24x7 ઉપલબ્ધ હોય છે. કરૂણા મંડળના મિત્રો ખાલી ઓક્સિજન ભરાવવા માટે પલસાણા અને જરૂર પડે તો અંકલેશ્વર સુધી પણ જાય છે. તેમની આ સેવાની ધૂણી ડાંગ અને વલસાડ જિલ્લા સુધી ફેલાઇ છે. તેમણે જરૂરીયાત સમયે આ બન્ને જિલ્લામાં પણ ઓક્સિજન પહોચાડ્યો છે.

ડોક્ટરના લખાણ પર જ ઓક્સિજન અપાય છે
ઓક્સિજન સિલિન્ડર ડોક્ટર કે હોસ્પિટલના લખાણ વગર આપવામાં આવતું નથી. દર્દીના સગાએ ખાલી ઓક્સિજન બોટલ સાથે લાવવાની હોય છે, જો ન હોય તો ડિપોઝીટની રકમ લેવામાં આવે છે. જ્યારે ઓક્સિજનની બોટલ પરત આપવામાં આવે ત્યારે ડિપોઝીટની રકમ પરત આપી દેવામાં આવે છે. > સમીરભાઇ કોઠારી, સમાજસેવક

અન્ય સમાચારો પણ છે...