કામ ઠપ્પ:વીસીઇ હડતાળ ઉપર જતા નવસારી જિલ્લાની તમામ 360 ગ્રામ પંચાયતોની સેવા લકવાગ્રસ્ત

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં જિલ્લા પંચાયત કચેરીએ ભેગા થયેલ વીસીઇ. - Divya Bhaskar
નવસારીમાં જિલ્લા પંચાયત કચેરીએ ભેગા થયેલ વીસીઇ.
  • ફિક્સ પગાર સહિતની માગ, હડતાળથી સરકારી દાખલા, નકલ, બીલો ભરવાનું કામ, એન્ટ્રી પાડવા વગેરે કામ ઠપ્પ

નવસારી જિલ્લાની તમામ 360 જેટલી ગ્રામ પંચાયતના વીસીઇ સાગમટે ગુરૂવારથી હડતાળ ઉપર ઉતરી જતા ઉક્ત ગામોની અનેક સેવા ખોરવાઈ ગઈ હતી.ગ્રામ્ય લેવલે ગ્રામ પંચાયતોમાં તલાટી સાથે વિલેજ કમ્પ્યૂટર એન્ટરપ્રોનિયર (વીસીએ)ની સેવા મહત્વની હોય છે. આવકના દાખલા, જન્મ મરણની એન્ટ્રી,.7-12 અને 8 - અ ની નકલ, ગેસ તથા વીજબીલોની કામગીરી, વૃદ્ધ અને વિધવા સહાયની એન્ટ્રી વગેરે કામો વીસીઇ કરતા હોય છે. વીસીઇને સરકાર તેમની ઉક્ત સેવા માટે કોઈ જ પગાર આપતી નથી પણ જે તે કામગીરી માટે સાધારણ કમિશન જ આપે છે.

વીસીઇની ઘણા સમયની માંગ ફિક્સ પગાર સહિત અન્ય કેટલીક છે પણ સરકારે સ્વીકારી નથી. તેઓનું કહેવું છે કે સરકારમાં 3 મહિના અગાઉ રજૂઆત કરતા આ મુદ્દે ખાતરી આપી હતી પણ કોઈ નિર્ણય ન લેતા અચોક્કસ મુદતની હડતાળ ઉપર ગયા છે. મળતી માહિતી મુજબ જિલ્લામાં કુલ 360 જેટલી ગ્રામ પંચાયતો આવેલી છે તેમાં કાર્યરત તમામ વીસીઇ હડતાળ ઉપર ઉતરી જતા પંચાયતની સેવા ખોરવાઈ ગઈ છે. વીસીઇઓના સંગઠને પોતાની રજૂઆત મુદ્દે નવસારી જિલ્લા પંચાયતમાં ડીડીઓને લેખિત રજૂઆત પણ કરી હતી.

નાના ગામોમાં અવારનવાર વીસીઈ છોડી જાય છે કારણ
સરકાર દ્વારા વી.સી.ઈ.ને દાખલા, નકલ વગેરેની કામગીરીમાં સાધારણ કમિશન મળે છે. જિલ્લામાં જે ગામડા મોટા છે, વસતી વધુ છે ત્યાં વી.સી.ઈ.ને કામ સારુ મળે છે. કમિશનનો આંક કેટલીક જગ્યાએ મહિને 10-12 હજારથી વધુ મળે છે પણ જે ગામો નાના છે ત્યાં 3-5 હજારનું માંડ કમિશન પણ મળતું ન હોવાનું જાણવા મળે છે. આ સ્થિતિમાં નાના ગામોમાં વીસીઈ ખાસ ટકતા જ નથી. વધુ નાણાં અન્યત્ર મળે છોડી જાય છે તેથી જગ્યા ખાલી પડે છે અને કામ ખોરવાય છે.

આરોગ્ય સેવા મહિનાથી ખોરવાઇ છે
અગાઉ પંચાયતમાં તલાટી હડતાળ ઉપર ગયા હતા, જોકે તે ફરજ ઉપર અટકી ગયા હતા. જોકે 1 મહિનાથી આરોગ્ય વિભાગના ઘણાં કર્મચારીઓ હડતાળ ઉપર જ ગયા છે. જેને લઈને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની ટીકાકરણ સહિતની અનેક પ્રાથમિક સેવા ખોરવાઇ જ છે.

અન્ય સમાચારો પણ છે...