ગુજરાતની યાત્રા પર પહોંચેલા નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા, ત્યારે કરોડોની પરિયોજનાઓની સોગાત પોતાની સાથે લાવ્યા હતાં. ખુડવેલની સભામાં હાજરી આપ્યા પહેલા તેમણે તેમના વડનગરના 88 વર્ષીય શિક્ષક જગદીશ નાયકની મુલાકાત કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીને ધોરણ 1 અને 2માં જેમણે ભણાવ્યા હતા, તે શિક્ષકને જોતાં જ પીએમ મોદી પણ ભાવુક થયા હતા.
શિક્ષકે પોતાના શિષ્યને ગળે લગાવી દીધા
હાલમાં વડાપ્રધાનના શિક્ષક જગદીશ નાયક વ્યારા ખાતે રહે છે. થોડા દિવસો અગાઉ તેમની પત્નીનું નિધન થતાં તેઓ એકલવાયું જીવન જીવી રહ્યા છે. નવસારીના ખુડવેલમાં નિરાલી હોસ્પિટલ ખાતે પોતાના વડનગરના પૂર્વ શિક્ષકને મળતાં જ શિક્ષક અને શિષ્ય બંને ભાવુક થઈ ગયા હતા. પોતાના શિષ્યને પ્રધાનમંત્રીના રૂપમાં જોઈને તરત જ શિક્ષકે પોતાના શિષ્ય નરેન્દ્ર મોદીને ગળે લગાવી દીધા હતા. લાંબા સમય સુધી બંને જણાએ જૂની યાદો વાગોળી હતી.
વડાપ્રધાને તેમના શિક્ષક સાથે જૂની યાદો વાગોળી
વ્યારા ખાતે રહેતા જગદીશ નાયકે અગાઉથી પીએમ ઓફિસમાં વડાપ્રધાનને મળવા માટે જાણ કરી હતી. જેના પગલે પીએમ મોદીએ તેમને ખુડવેલની નિરાલી હોસ્પિટલ ખાતે મળવા બોલાવ્યા હતા. વડાપ્રધાને તેમના ખુડવેલ ખાતેના કાર્યક્રમ પહેલા તેમના શિક્ષક સાથે મુલાકાત કરી હતી અને સારો એવો સમય તેમની સાથે પસાર કર્યો હતો.
બંનેનો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસ પર છે, ત્યારે નવસારી જિલ્લામાં આજે ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અનેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ યોજાયા હતા. જે દરમિયાન પીએમ મોદીને પોતાના વડનગરના શિક્ષક સાથે મુલાકાત પણ થઇ હતી. પીએમ મોદી અને શિક્ષક બંન્નેનો ફોટો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પી.એમના આગમન પહેલા ખુડવેલમાં આદિવાસી નૃત્ય અને રંગારંગ કાર્યક્રમ પણ યોજાયો હતો. આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે આદિવાસી સમાજ આ વિધાનસભાની ચૂંટણી માટે કેન્દ્રમાં રહેશે તેવી રાજકીય વતૃળોમાં ચર્ચા ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.